ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડે વર્ષ-ર૦રપ-ર૬ નું વાર્ષિક શાળાકીય કેલેન્ડર જાહેર કર્યુ છે, જેમાં ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન તથા અન્ય જાહેર રજાઓ સહિત ૮૦ જાહેર રજાઓનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત બાર મહિનાના પ૦ ની આસપાસ રવિવાર આવે, અન્ય છૂટક રજાઓ અપાય, કુદરતી આફતો કે આકસ્મિક સંજોગો અથવા ઋતુગત કારણોથી રજાઓ અપાય અને દર શનિવારે મોટાભાગે અડધા દિવસનું શિક્ષણ હોય, તેની ગણત્રી કરીએ તો આખા વર્ષમાં બસો-સવાબસ્સો દિવસનું જ શિક્ષણ બાકી રહે.
આ કેલેન્ડર તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું છે, એટલે કે ધોરણ ૯ થી ૧ર સુધીનું જ છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તો જાહેર રજાઓ, રવિવારો અને ઈત્તર કારણોસર પડતી રજાઓ ઉપરાંત સ્થાનિક રજાઓ, પ્રાસંગિક રજાઓ કે સારા-માઠા પ્રસંગે અપાતી રજાઓનો હિસાબ કરવામાં આવે તો એવું કહી શકાય કે વર્ષમાં અડધું વર્ષ જ શાળાઓ ચાલુ રહે અને અડધોઅડધ વેકેશનો, જુદા-જુદા પ્રકારની રજાઓ અને સ્થાનિક - પ્રાસંગિક રજાઓ તથા સરકારી મેળાવડાઓમાં જ વીતી જતું હોય છે.
આ કારણે બાળકોના શિક્ષણ પર, તો અસર પડે જ છે, પરંતુ માતા-પિતા પરિવારના ગજવા પર પણ કાતર ફરતી હોય છે.
બન્ને વેકેશનો અને રજાના દિવસોમાં શાળાકીય પ્રવૃત્તિઓ બંધ રહે, તો પણ ખાનગી શાળાઓ દ્વારા જુદી-જુદી પ્રકારના ચાર્જીસ વિગેરે લગાડીને પૂરેપૂરી તોતીંગ ફી વસુલ કરી લેવામાં આવે છે. ફી નિર્ધારણ થયા પછી પણ કોઈને કોઈ બહાને બાળકો પાસેથી તોતીંગ ફી મેળવતી શાળાઓ નિર્દ્યપણે માતા-પિતા, વાલીઓને પઠાણી ઉઘરાણીઓ કરીને પજવતી હોય છે. જે શાળાઓ સ્કૂલ બસો કે વાહતુક સુવિધાઓ આપે છે, તે સ્કૂલો જ વેકેશન સહિતનું બસભાડું એડવાન્સમાં વસુલતી હોવાથી જે ગરીબ-મધ્યમવર્ગીય માતા-પિતા, વાલીઓ રિક્ષા, રિક્ષા છકડા, ઈક્કોવેન જેવા અન્ય વાહનોમાં પોતાની રીતે બાળકોને શાળાએ મોકલતા હોય છે. તેઓ પાસેથી ખાનગી વાહનોવાળા પણ વેકેશન સહિતનું તોતીંગ વાહનભાડું વસુલતા હોય છે. આ ઉઘાડી લૂંટ સામે વિપક્ષી નેતાગણ દ્વારા ઘણી વખત અવાજ ઉઠાવાતો હોય છે, પરંતુ એ વિરોધ પણ માત્ર "પ્રાસંગિક" હોય, તેમ એકાદ વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપવા સુધી જ મર્યાદિત રહેતો હોય છે, અને પછી રહસ્યમય રીતે સમી જતો હોય છે.
શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના નેતાઓ પણ આ મુદ્દે જુદા-જુદા સ્તરે રજૂઆતો તો કરતા હોય છે, પરંતુ આ મુદ્દાઓના ઉકેલ સુધી પહોંચવાનો જુસ્સો હોતો નથી અને ઘણી વખત આ બધી જ કવાયત દેખાવ ખાતર જ થતી હોય તેમ જણાય છે.
જ્યારે આ મુદ્દે મીડિયામાં ચર્ચા થાય છે, ત્યારે એવા તારણો પણ નીકળતા હોય છે કે, કેટલાક વિપક્ષના નેતાઓ સહિત શાસકપક્ષના નેતાગણના નજીકના વર્તુળો, સગા-સંબંધી કે મળતીયાઓ જ ગુજરાતમાં ઘણી ખાનગી સ્કૂલોની સંચાલક બોડી સાથે સંકળાયેલા હોવાથી કદાચ તેની "શરમ" (કે બીજુ કાંઈક) લાગવાથી આ ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરાતા હશે.
રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો એવી અપેક્ષા તો રાખી જ શકે ને કે કમ-સે-કમ વેકેશનના સમયગાળાની કોઈપણ ફી, વાહન ભાડું કે ચાર્જીસ વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી વસુલવામાં આવે નહીં. જો સ્કૂલો જ વેકેશનના નાણા વસુલતી હોય તો ખાનગી વાહનધારકો ક્યાંથી છોડે...?
સરકારે તથા નેતાગણે આ મુદ્દે માનવતાલક્ષી અભિગમ દાખવીને વેકેશનમાં લેવાતા મનસ્વી ચાર્જીસ અને વાહન ભાડું, ટ્રાન્સપોર્ટેશન કે બસભાડું વિગેરે જે વાહતૂક વ્યવસ્થાઓ અપાતી જ ન હોય, અને વેકેશનમાં બંધ જ રહેતી હોય, તેવા ચાર્જીસ લેવાતા બંધ થાય તે માટે ખાનગી શાળાઓના સંચાલકોને સમજાવવા જોઈએ અને ન માને તો તે માટે આદેશો આપવા જોઈએ, કારણ કે, જે સેવાઓ બંધ જ હોય, તેનું ભાડું કે ચાર્જ લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધમાં છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, વેકેશન તથા જાહેર રજાઓ વિગેરેમાં વિદ્યાર્થીઓ, બાળકોએ પ્રવાસ જ કર્યો નહીં હોવા છતાં તેનું ભાડું લેવાના સ્વરૂપે થતી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો આ મનસ્વી અને ઉઘાડી લૂંટ સામે કોઈએ અદાલતના દ્વાર કેમ ખખડાવ્યા નહીં હોય...? આરટીઆઈ એક્વિવીસ્ટો, સમાજના જાગૃત નાગરિકો અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ (એનજીઓ), વિદ્યાર્થીઓ સંગઠનો પણ આ મુદ્દે "કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જઈને થતી વસુલાત સામે અદાલતના દ્વાર ખખડાવી શકે છે. વિપક્ષના કોર્પોરેટરો પાલિકા - મહાપાલિકાઓ અને ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે, અને ગુજરાતમાં વિપક્ષના અલ્પ સાંસદો હોવાથી જરૂર પડ્યે શાસકપક્ષના સાંસદોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને તથા પાર્ટીની કક્ષાએ પણ આ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓને સ્પર્શતા મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ ને...?
ખુદ સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઈઝ પર જે સેવાઓ મેળવે છે, તેનું ચૂકવણું થયેલા કામ આધારિત જ કરે છે ને...? વચ્ચે અપાતી રજાઓનો ચાર્જ કે ઉધડુ વાહન ભાડું પૂરેપૂરૃં ચૂકવાય એ સમજાય, પણ સળંગ બબ્બે વેેકેશન કે અઠવાડિય, પંદર દિવસ માટે શાળાઓ જ બંધ રહે, છતાં વાહન ભાડા વસુલવા એ ખૂલ્લો અન્યાય જ છે, અને આ મુદ્દે અદાલતોમાં પણ સુઓમોટો સુનાવણી થાય તે પણ ઈચ્છનિય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial