રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો દાવો છે કે, આ ઉનળાામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે. રાજ્યના ર૦૦ થી વધુ જળાશયોમાં પ૭% થી વધારે જળસંગ્રહ છે અને આ વર્ષે સાર્વત્રિક પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભ જળની સ્થિતિ પણ એકંદરે જળવાઈ રહી છે, તેથી ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે.
બીજી તરફ રાજકોટમાં લદાયેલા પાણીકાપના કારણે મહિલાઓએ થાળી વગાડીને તથા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યા પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને વિપક્ષના અન્ય સ્થાનિક વર્તુળો કહે છે કે, સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને અત્યારથી જ પાણીકાપ લાદવાની નોબત આવી છે, ત્યારે ઉનાળામાં શું થશે...? તેના જવાબમાં ભાજપના વર્તુળો કહે છે કે, આ પાણીકાપ પાણીની તંગીના કારણે નહીં, પરંતુ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને ચાલી રહેલી મરામતના કારણે લગાવાયો છે, તો લોકો કહે છે કે, આ તો બધી બહાના બાજી છે.
રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની વકરી રહેલી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા પણ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, અને નોટીસ આપ્યા વિનાનો વીજકાપ અવાર-નવાર લગાવાઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળીરાણી ક્યારે રિસાઈ જાય અને કેટલા કલાકો સુધી રાહ જોવી પડશે, તે નક્કી જ નથી રહેતું, તેથી વીજ પુરવઠાને લઈને પણ અત્યારથી જ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. એક તરફ ગરમી વધી રહી હોવાથી પંખા, કૂલર, એરકન્ડિશન્ડ મશીનો, રેફ્રિજરેટરો વિગેરે ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ ક્રમશઃ દરરોજ વધી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ પણ પ્રિ-મોન્સુન કામગીરી, ફોલ્ટ તથા મરામતના બહાને અવારનવાર સપ્લાઈ બંધ કરતી હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે, અને વીજ આધારિત કામધંધાને પણ માઠી અસર પડી રહી છે.
અહેવાલો મુજબ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન વીજ પુરવઠાને લગતી પપ હજાર કમ્પ્લેઈન નોંધાઈ હતી. વીજ કંપનીઓએ જંગી ખર્ચ કરીને વીજ વાયરો બદલ્યા, ઉપકરણો બદલ્યા, સાધન-સામગ્રીનું અપગ્રેડેશન કર્યુ, તે પછી પણ જો એક વર્ષમાં (ચોપડે નોંધાયેલી) પપ હજાર ફરિયાદો આવતી હોય, તો આ આધુનિકરણ શું કામનું...? તેવો સવાલ તો ઉઠે જ ને...?
ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો નાના-મોટા ફોલ્ટ કે થાંભલેથી લૂસ કોન્ટેક્ટ જેવી ફરિયાદો ચોપડે નોંધાતી જ હોતી નથી અને સ્થાનિક હેલ્પરો કે ખાનગી ઈલેક્ટ્રિશ્યનો રીપેર કરી નાંખતા હોય છે, તેથી વીજ સપ્લાઈ તથા ફોલ્ટ નિવારણ વ્યવસ્થાઓ નાનામાં નાના ગામડા સુધી વધુ મજબૂત અને નિયમિત કરવાની જરૂર છે, કારણ કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો હોવાથી નિયમિત - અવિરત વીજ પુરવઠાની ડિમાન્ડ પણ સ્વાભાવિક રીતે જ વધી રહી છે.
જામનગરની મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરની મિટિંગમાં રંગમતી નદીને ઉંડી ઉતારીને તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની પાઈપ લાઈનોના ખર્ચની દરખાસ્તો પણ મંજૂર થઈ, તેમ છતાં આ વર્ષે ઉનાળામાં નગરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેવા આશ્વાસનો કેટલા સાચા પડે છે, તે જોવું રહ્યું.
હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ દેશના નવ રાજ્યોમાં તો હીટવેવ અને ગરમ પવન ફૂંકાવાની તાજી આગાહી હવામાન ખાતાએ કરી છે, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, ત્યારે હવે તંત્રોએ પીવાનું પાણી અને વીજ પુરવઠા ઉપરાંત હવે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે પણ સજ્જ રહેવું પડશે, અને ઋતુજન્ય રોગચાળો, સનસ્ટોક તથા બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીથી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો ન થઈ જાય, તે માટે જાગૃત રહેવું પડશે. હવે આ માટે ચેકીંગ કરતા તગડા પગાર મેળવતા સંબંધિત તંત્રો 'સિમ્બોલિક' ચેકીંગ કરવાથી આગળ વધીને ગ્રામ્ય વિસ્તારો સહિત "સાર્વત્રિક" ચેકીંગ કરે, તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial