જામનગર તા. ૯: સમગ્ર રાજયમા ઉનાળાના કારણે હિટવેવની શક્યતાઓ રહેલી છે.આ દરમિયાન જામનગર જિલ્લાના પશુઓને હિટવેવથી બચાવવા જિલ્લા પંચાયત જામનગરની પશુપાલન શાખા દ્વારા મહત્વપૂર્ણ સૂચનો કરાયા છે.ગ્રીષ્મ લહેરએ વાતાવરણીય તાપમાનની એવી સ્થિતિ છે જે ક્યારેક પશુઓ માટે જીવલેણ પણ બને છે.
પશુઓમાં ગરમીના કારણે ઉભી થતી સમસ્યાઓ અસરકારક નિવારક પગલાં, પ્રાથમિક ઉપચાર અને પશુચિકિત્સા દ્વારા નિવારી શકાય છે.તાપમાન વધુ હોય તે સમયે પશુઓને ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં સ્થળાંતર કરવાનું ટાળવુ જોઈએ.તેમના માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ કરાવવુ જોઇએ. સંવેદનશીલ પશુઓ જેવા કે નાના બચ્ચાઓ, ઘાટા રંગની ચામડી ધરાવતા પશુઓ, શ્વસન, કિડની અને યકૃતના રોગો ધરાવતાં બીમાર પશુઓ, તાજેતરમાં ઉન કતરણ કરાવેલ ઘેટા, ગાભણ તથા દૂધ આપતા પશુઓને હિટ વેવનુ વધુ જોખમ રહેલું છે.
હિટ વેવના કારણે પશુમાં જોવા મળતા લક્ષણો
ગરમીના લીધે મુખ્યત્વે પશુઓમાં જોવા મળતા લક્ષણોમાં સુસ્ત થઈને પડ્યા રહેવું, સુકુ નાક, નબળાઈ, ધ્રુજારી, લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફુલી જવુ, ઓછુ હલનચલન, હાવભાવમાં ફેરફાર, ધ્રુજારી, વધુ પાણી પીવું, ભૂખ ન લાગવી, હાંફવુ, પક્ષીઓમાં ખુલ્લી ચાંચ દ્વારા હાંફ ચઢવી, સતત છાયડો શોધવો, પાણીના સ્ત્રોત પર લાંબા સમય સુધી પડી રહેવું, પક્ષીઓના કિસ્સામાં પાંખો ફેલાવીને રાખવી, દૂધ ઉત્પાદનમાં ઘટાડાનો સમાવેશ થાય છે.
હિટ વેવ દરમિયાન પશુઓની કાળજી
હિટ વેવ દરમિયાન પશુઓને છાંયડો અથવા આશ્રયસ્થાન મળી રહે તેની ખાતરી કરવી. ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. પશુઓ માટે વિપુલ પ્રમાણમાં, તાજા અને સ્વચ્છ પાણીનો પુરવઠો નિયમિતપણે મળી રહે તે સુનિશ્ચિત કરવુ.જો પશુઓને ઘરની અંદર રાખવાનું શક્ય ન હોય તો દિવસના સૌથી ગરમ સમય દરમિયાન તેમના માટે પાણીની ઉપલબ્ધિ સાથે કામચલાઉ છાંયડાવાળા વિસ્તારની વ્યવસ્થા કરવી.વધારાની ઠંડક માટે મિલ્કીંગ શેડ જેવા વિસ્તારોમાં સ્પ્રિંકલર્સનો ઉપયોગ કરવો.ગરમ હવામાનમાં પશુઓ પાસેથી ભારે કામ કે કસરત ન કરાવવી અને હંમેશાં તેમને છાંયડો અને પાણી ઉપલબ્ધ કરાવવુ.દિવસના ઠંડકવાળા સમય દરમ્યાન પશુઓ પાસેથી કામગીરી લેવામાં આવે તે મુજબનું આયોજન કરવું. આ પશુઓએ પૂરતા પ્રમાણમાં પાણી અને ખોરાક લીધેલ હોવા જોઇએ.આ સમય દરમ્યાન તેઓને વચ્ચે થોડો વિરામ આપી પીવાનું પાણી અને લીલોચારો ઉપલબ્ધ કરાવી શકાય, પરંતુ દાણ આપવાનું ટાળવુ જોઇએ.ઠંડક મળી રહે તે માટે શણના કોથળાનો ઉપયોગ કરી શકાય. ઓછા છાંયડા અથવા વધુ હવાના પ્રવાહ ધરાવતા વિસ્તારોમાં પશુઓને બાંધવાનું ટાળવુ જોઇએ. તેમજ જો પશુની સ્થિતિમાં સુધારો ન થાય તો પશુચિકિત્સકની મદદ લેવી જોઇએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial