Sensex

વિગતવાર સમાચાર

કુદરતી-કૃત્રિમ ગરમીના માહોલ વચ્ચે

જામનગર સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને આ વર્ષે ગરમી નવા રેકોર્ડસ સ્થાપશે, તેવા અનુમાનો વચ્ચે ભારતીય હવામાન વિભાગે અલનીનોની સંભાવનાઓને નકારી દેતા ચોમાસા વિષે ઊભી થઈ રહેલી આશંકાઓ ઓછી થઈ છે. જો કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચોમાસુ કેવું રહેશે, તેની સચોટ આગાહી કરવા માટે એપ્રિલ એન્ડીંગ સુધી રાહ જોવી પડશે. એપ્રિલથી જૂન સુધી પ્રચંડ ગરમી (હીટવેવ) ની આગાહી થઈ છે, અને પૂર્વ ભારતમાં ૧૦ દિવસ સુધી ગરમીના મોજા ઉછળવાની સંભાવના જણાવાઈ છે.

તો આજે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગઈ હોવાથી ગભરાટ ફેલાયો છે.

એક તરફ બળબળતા બપોર અને ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રકોપ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની અસરોના કારણે સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેની સીધી કે આડકતરી અસરો અર્થતંત્રો અને વૈશ્વિક પરિવહન, જનજીવન અને સરકારો પર પણ પડી રહી છે. ગઈકાલે રામનવમી ઉજવાઈ, અને આજે તેના પારણાં થઈ રહ્યાં છે, ત્યારે ભગવાન શ્રીરામની કૃપા સૌ પર વરસે તેવું પ્રાર્થીએ...

કુદરતી ગરમીની સાથે-સાથે વિશ્વભરમાં ટ્રમ્પ ટેરિફ યુદ્ધો અશાંતિ, વિદ્રોહ અને અનિશ્ચિતતાઓના કારણે વૈશ્વિક અને ઘરઆંગણાની રાજનૈતિક તથા કૂટનૈતિક ગતિવિધિઓને પણ માઠી અસરો થઈ રહી છે.

અત્યારે દેશભરમાં વકફ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેની સામે તરફેણમાં પણ નિવેદનો આવી રહ્યા, આ બધી ગતિવિધિઓની વચ્ચે સંસદે - રાજયસભાએ પાસ કર્યા પછી વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થતા જ તે હવે "કાયદો" બની ગયું છે.

નવું વકફ શંસોધન બિલ "ઉમ્મીદ" ના નામે ઓળખાશે, જેનું ફૂલ ફોર્મ "યુનાઈટેડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ" રખાયું છે. આ બિલ અંગે સરકારનો દાવો એવો છે કે, વકફના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને વ્યાપકતાનો સમાવેશ થયો છે. જે ગરીબ મુસ્લિમો પોતાના અધિકારોથી વંચિત રહેતા હતા, તેઓને તેઓનો હક્ક મળશે.

દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, મહિલાઓને પણ વકફની મિલકતો પર સમાન અધિકારો છે. આ કાયદો લૈંગિક સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, વિગેરે...

જો કે, વિરોધપક્ષો આ મુદ્દે એકજૂથ થઈ ગયા છે, અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રિમકોર્ટમાં પડકારવાનું જાહેર કર્યુ છે. આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી દેેખાવો તો થઈ રહ્યાં છે, પરંતુ સુપ્રિમકોર્ટમાં આ કાયદાના વિરોધમાં ચાર જેટલી અરજીઓ પણ દાખલ થઈ ગઈ હોવાના અહેવાલો છે, આ કારણે હવે આ મુદ્દે કાનૂની જંગ લડાશે, તે નક્કી છે.

વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં મુખ્યત્વે આ કાયદાને ગેરબંધારણીય કરાવવાની માંગણી કરવામાં આવી છે, અને અરજીમાં તર્ક અપાયો છે કે, આ કાયદો વકફ પ્રોપર્ટી અને તેમના મેનેજમેન્ટ પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયતતાને નુકસાન પહોંચે છે. સરકારનું કહેવું છે કે, આ નવો કાયદો કોઈપણ રીતે મુસ્લિમ સમુદાયના ધાર્મિક માળખાને અસરકર્તા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ માટેની એડમિનિસ્ટ્રેટિવ જોગવાઈઓ જ કરે છે. હવે આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, ત્યારે તેમાં તબક્કાવાર સુનાવણીઓ થશે, તે દરમિયાન હજુ વધુ તાર્કિક અને કાનૂની મુદ્દાઓ ઉદ્ભવશે.

વકફ સુધારા બિલનો મુદ્દો હવે માત્ર સામુદાયિક કે કાનૂની નથી રહ્યો, પરંતુ શુદ્ધ રાજનૈતિક મુદ્દો બની ગયો છે, અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભાજપના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો પણ છે.

ભારતીય જનતા પક્ષને એક તરફ સમગ્ર દેશમાં વકફ બિલના કારણે થોડા-ઘણાં અંશે પણ આંતરિક અજંપો વર્તાઈ રહ્યો હશે, ત્યાં તામિલનાડુમાં ત્યાંના પ્રદેશ ભાજપ પ્રમુખના રાજીનામાનું પ્રકરણ તામિલનાડુમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવાય છે કે, તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે તામિલનાડૂના વર્તમાન પ્રદેશ પ્રમુખનો ભોગ લેવાયો છે, જે હોય તે ખરૃં, પણ ભાજપ, નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડૂ માટે કપરાં ચઢાણ તો છે જે...

ગ્લોબલ વોર્મિંગ, ટેરિફ ટેસ્ટ, ટ્રેડવોર, ગૃહયુદ્ધો, યુદ્ધો અને રાજકીય ગરમીના આ માહોલમાં સાઉદી અરેબિયાએ વધારો કર્યો છે, ત્યાંના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન સહિતના ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે...!

જો કે, બિઝનેસ, ઉમરાહ એન ફેમિલી વિઝા પર મૂકાયેલો આ પ્રતિબંધ ૧પમી જૂન અથવા જૂનના ત્રીજા સપ્તાહ સુધી જ ચાલુ રહેશે, અને ઉમરાહ વિઝા ધરાવતા લોકોને થોડી છૂટછાટ પણ અપાઈ છે, પરંતુ આ પ્રતિબંધ હજ્જયાત્રામાં થતી ગેરકાનૂની ઘૂસણખોરી અટકાવવા લેવાયો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે ક,ે અન્ય વિઝા) પર પ્રવેશ મેળવીને અયોગ્ય રીતે હજયાત્રા કરવાની આ પ્રવૃત્તિના કારણે હજયાત્રા માટે જરૂરી પ્રબંધો કરવામાં મુશ્કેલી પડતી હતી, જેથી ભીડ વધતી હતી તથા હજયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈને સમસ્યાઓ ઊભી થતી હતી. આ કારણે આ પ્રકારનો હંગામી પ્રતિબંધ લગાવાયો છે. ભાગદોડ કે અવ્યવસ્થાઓ સર્જાતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ત્યાંની સરકારે કર્યા પછી આશંકાઓ અને અટકળોનો દોર ખતમ થયો છે.

અત્યારે મોદી-૦૩ ને નવ મહિના થયા તેમ છતાં કેન્દ્રીય મંત્રી બનેલા જે.પી. નડ્ડાના સ્થાને ભાજપ હજુ સુધી નવા અધ્યક્ષ જાહેર કરી શક્યું નથી, અને એવું જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના કિસ્સામાં થયું છે. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં પણ સિધ્ધાર મૈયા અને ડી. શિવકુમારનો ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બધી ગરમીઓની વચ્ચે લોકોને ઠંડક મળે, કાંઈક રાહત થાય, તે માટે ભગવાન શ્રી રામને પ્રાર્થીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial