કવિના નવા જ કાવ્યસંગ્રહનું આજે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ કવિની પ્રશંસા કરતા કહ્યું કે, કવિએ આ સંગ્રહમાં સુંદર કાવ્યકૃતિઓ લખેલી છે. અને આ કાવ્ય કૃતિઓ દ્વારા માતૃભાષાની ઉત્તમ સેવા કરેલ છે. આપણે પણ આ કાવ્યસંગ્રહ ખરીદીને વાંચવો જોઈએ. અને તો જ કવિને સાચું પ્રોત્સાહન મળશે..
આટલું સાંભળતા જ લાલાએ એક સાચો ગુજરાતી અચૂક પૂછે એ પ્રશ્ન પૂછ્યો, *આ પુસ્તકની કિંમત શું છે ?*
*૧૦૧ રૂપિયા ૨૫ પૈસા..* વકતાએ જવાબ આપ્યો.
*૧૦૧ રૂપિયા તો બરાબર છે.. પરંતુ ઉપલા ૨૫ પૈસા શેના માટે ?*
*ભાઈ, કવિને કશુંક તો મળવું જોઈએ ને...* પ્રકાશકે કિંમતની સ્પષ્ટતા કરતા કહ્યું....
પ્રકાશકે વધુ ઉદાર થઈને કવિને તેના જ કાવ્યસંગ્રહના ૨૫ પુસ્તકો ફ્રીમાં આપ્યા, હવે કવિએ તે પુસ્તકો જાતે જ વેચવાના અને તેના જે રૂપિયા મળે તેને જ પુરસ્કાર સમજવાનો.
અહીં પ્રકાશકનો ઈરાદો તો બિલકુલ નેક છે કે કોઈ કવિતાના પુસ્તકો વેચવામાં કેટલી મુશ્કેલી પડે છે તે કવિ સમજે અને ભવિષ્યમાં કવિતા લખતા પહેલા સો વાર વિચાર કરે..!!!
કવિ આ પુરસ્કાર લઈને ઘરે પહોંચ્યા. કવિના હાથમાં ઢગલો પુસ્તકો જોઈને શ્રીમતીજી વિફર્યા, અને કકળાટ કરતા બોલ્યા, *હજુ પેલા જુના પુસ્તકોમાંથી તો એક પણ વેચાયું નથી ત્યાં આ નવા લઈ આવ્યા ? શું કરીશું આનું ? હવે તો પસ્તીવાળો પણ લેવાની ના પાડે છે..!*
આ બધા કકળાટથી કંટાળેલા કવિએ હાથમાં રિમોટ લીધું અને ટીવી ચાલુ કર્યું. ટીવીમાં ક્રિકેટની વન-ડે ઇન્ટરનેશનલ મેચનું લાઈવ પ્રસારણ આવતું હતું, જેમાં મેદાનમાં સ્ટાર ક્રિકેટરો રમતા હતા અને સ્ટેડિયમમાં વી.આઇ.પી. બોક્સમાં તેમની પત્નીઓ મેચની મજા માણતી હતી.
આ બધું જોઈને કવિ પત્નીએ એક વ્યાજબી માગણી કરી, *આ ક્રિકેટરોને જોઈને તો તમે સમજો. અમને પણ તમારી સાથે પ્રોગ્રામમાં લઈ જાઓ. અમે તમારી કવિતા સાંભળ્યા કે સમજ્યા વગર જ તમને તાળીઓથી વધાવી લેશું...!*
કવિ કહે, *એ શક્ય નથી..*
*પરંતુ શા માટે..?*
*કારણ કે ક્રિકેટરોને તો આ બધા ખર્ચ મેચના આયોજકો આપે છે...*
*બધા ખર્ચ એટલે કેવા ખર્ચ ?*
*એટલે કે મેચના સ્થળે જવા આવવાનું ભાડું અને ફાઇવસ્ટાર હોટલમાં રહેવાનો ખર્ચ. આ બધા જ ખર્ચ આયોજકો ભોગવે.*
*અને તમને ?*
*અમને તો મળે બાવાજીનું થુલ્લુ...*
*એટલે ?*
*અમને ભાડું તો મળે પરંતુ ફક્ત ત્યાં સુધી પહોંચવાનું... ત્યાંથી પાછું તો આપણા ખર્ચે જ આવવાનું. અને જો ત્યાં જમવાની વ્યવસ્થા હોય તો રહેવાની વ્યવસ્થાનું ઠેકાણું ન હોય...*
કવિએ ક્રિકેટરોને કારણ વગર ઠપકાના બે કડવા વેણ કહ્યા, ટીવી બંધ કર્યું અને સાથે સાથે પોતાની વાત પણ પૂરી કરી. અને ફરી એક વખત પ્રતિજ્ઞા લીધી કે હવે પછી કદી હું કવિતા નહીં લખું..
વિદાય વેળાએ : કવિને બેંકમાંથી ફોન આવ્યો કે, *હેલ્લો, હું કવિતા બોલું છું..*
કવિ કહે *જો કવિતા આખી આવડતી હોય તો જ બોલજે..*
*નોનસેન્સ...!* આટલું કહીને કવિતાએ ફોન મૂકી દીધો. આમાં કવિનો શું વાંક ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial