ગુજરાતમાં અગ્નિકાંડો અંગેનો વિસ્તૃત વિવરણો લખવામાં આવે, તો કદાચ મહાભારત જેવડો ગ્રંથ રચાઈ જાય. આ માનવસર્જિત અગ્નિકાંડો સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય છે, અને અવારનવાર અગ્નિકાંડો સર્જાતા હોવા છતાં શાસન-પ્રશાસનની ઊંઘ ઉડતી હોય તેમ લાગતું નથી. આ પ્રકારના અવારનવાર સર્જાતા અગ્નિકાંડોનું જવાબદાર કોણ...? તેવો સવાલ આજે ફરીથી ગુંજી રહ્યો છે, અને અગ્નિકાંડ સર્જાય, તે સ્થળના સંચાલકો, માલિકો કે આયોજકો પર કેસ નોંધીને તત્કાળ તપાસના નાટકો થાય અને વર્ષો સુધી કેસ ચાલ્યા કરે, અને મોટાભાગે જામીન પર છૂટી જતા આરોપીઓ મસ્તીમાં મહાલ્યા કરે, તે નક્કર હકીકત જ છે ને...?
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક તદ્દન ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ર૧ જેટલા ગરીબ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા અને તેના મધ્યપ્રદેશમાં રહેતા પરિવારો બરબાદ થઈ ગયા, તેની જવાબદારી શું માત્ર તે ફેક્ટરીના માલિકની જ ગણાય...? આવડી મોટી ફેક્ટરી ધમધમતી હોય, તે શું કોઈ ઉચ્ચ અધિકારી, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ કે અન્ય જનપ્રતિનિધિઓની નજરે જ નહીં ચડી હોય...? સંબંધિત કરપ્ટેડ તંત્રોએ કદાચ તોડબાજી કરી હોય કે હપ્તા ઉઘરાવ્યા હોય, પરંતુ ત્યાંની સ્થાનિક નેતાગીરીએ પણ આંખ આડા કાન કર્યા હોય...? તેવો અણીયારો સવાલ ઉઠી રહ્યો છે, અને તેનો જવાબ કોઈ પાસે નથી.
દુર્ઘટના થઈ ગયા પછી દુઃખ વ્યક્ત થાય, આશ્વાસનો અપાય, સહાયની જાહેરાતો થાય અને તપાસના નાટકો થાય, પરંતુ જેના જીવ ગયા અને જે ગરીબ શ્રમિકોના પરિવારોએ સ્વજન ગુમાવ્યા, તે કમભાગી મૃતકો થોડા પાછા આવવાના છે...?
વડાપ્રધાન, મુખ્યમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ તથા સાંસદો, રાજ્યના મંત્રીઓ તથા અન્ય નેતાઓએ ડીસાની દુર્ઘટના પછી સંવેદના પાઠવી અને દુઃખ વ્યક્ત કર્યુ, રાજય સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ અત્યારસુધી આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યારે સ્થાનિક નેતાગીરી ક્યાં ગઈ હતી...? તે સવાલ તો રાજકીય પક્ષો સામે પણ ઊભો થવો જ જોઈએને...?
એવું કહેવાય છે કે, અને ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન માટે કોઈ મંજૂરી જ લેવામાં આવી નહોતી, અને માત્ર ફટાકડાના સંગ્રહ માટે પરવાનગી લઈને ત્યાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગેરકાનૂની દારૂગોળાનો ઉપયોગ કરીને જોખમી ઢબે ફટાકડા બનાવાઈ રહ્યાં હતાં, તેથી આ કેસ કોઈ લાપરવાહી કે માત્ર નિયમભંગ કે પ્રક્રિયાનો નથી, પરંતુ આ સ્થળે કામ કરતા તથા આજુબાજુ વસવાટ કરતા અને અહીંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકીને ઝડપથી નાણા કમાઈ લેવાનું ઘાતકી કાવતરૂ જ હતું, જે પૂર્વ આયોજીત રીતે સમજી, વિચારીને આચરાયુ હતું, તેથી આને દુર્ઘટના નહી, પરંતુ સામૂહિક હત્યાકાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્ર ગણીને કેસ ચલાવવો જોઈએ, તેવો જનાક્રોશ ઉઠતો હોય તો તે અસ્થાને નથી...
ગુજરાતમાં સુરતના તક્ષશીલાથી લઈને રાજકોટના તાજેતરના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સુધીની ભયંકર આગ દુર્ઘટનાઓ, ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉન સળગાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી પણ સરકારી તંત્રો, સરકાર કે નેતાઓ જાગ્યા નથી. એમ કહેવાના બદલે એમ કહેવું જોઈએ કે આ તમામ અગ્નિકાંડોમાં થયેલા મૃત્યુ અને નુકસાનોના પાપના ભાગીદાર છે. આને શાસન-પ્રશાસનની ગુનાહિત બેદરકારી જ ગણવી જોઈએ.
ડીસાની દુર્ઘટના પછી રાતોરાત ફેક્ટરીના માલિક પિતા-પુત્રની ધરપકડ થઈ ગઈ અને એસઆઈટી રચાઈ ગઈ, પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ દોષિતોને સજા ક્યારે થશે...? વર્ષોના વર્ષો સુધી કેસ ચાલશે, અને સજા થશે, તો પણ મૃતકોના જીવ થોડા પાછા આવવાના છે...?
આ અગ્નિકાંડને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના વિપક્ષના નેતાઓએ સવાલો ઉઠાવ્યા, અને શાસકપક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને સરકારી સહાયની જાહેરાતો સાથે દોષિતોને કડક સજા થશે, તેવા નિવદનો કર્યા, પરંતુ આજ સુધી આ ગેરકાનૂની ફેક્ટરી ધમધમી રહી હતી, તેની સામે સ્થાનિક રાજનેતાઓ, જનપ્રતિનિધિઓ કે અન્ય અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો હતો ખરો...? તેની પણ તપાસ થવી જોઈએ, અને માત્ર ફેક્ટરીના માલિકો જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા (ફેક્ટરીના પ્રારંભથી અત્યાર સુધીના) જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, અને સ્થાનિક નેતાગીરી તથા ચૂંટાયેલા વિવિધ સ્તરના જનપ્રતિનિધિઓનો ખૂલાસો પણ સંબંધિત રાજકીય પક્ષોએ પૂછવો જોઈએ. આ ફેક્ટરી જે વિસ્તારમાં ધમધમી રહી હતી, તે વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ અને મુખ્ય રાજકીય પક્ષોના જે-તે વિસ્તારના હોદ્દેદારોને હટાવવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. જો આવું થશે, તો જ આ પ્રકારના ગોરખધંધા અને ગેરકાનૂની ઘાતક પ્રવૃત્તિઓ અટકશે.
આજે પણ રાજકોટ સહિતના કેટલાક સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ બની હોવાના અહેવાલો છે. અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ ઘટાડવા માટે વ્યાપક જનજાગૃતિની પણ જરૂર છે, જો જનતા નહીં જાગે, તો તંત્રો અને ભ્રષ્ટ પરિબળોની સાઠગાંઠ આવી રીતે જ ચાલતી રહેવાની છે, તેથી જાગો...ગુજરાતીઓ... જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial