Sensex

વિગતવાર સમાચાર

વાર્યા ન વરે, તે હાર્યા વરે... અગ્નિપથ યોજનાની પુનઃ સમીક્ષા ? ભારતીય સેનામાં શરૃ થયો સર્વે ?

ભારતીય સેનામાં અગ્નિપથ યોજનાની ઘોષણા વર્ષ-ર૦રર માં થઈ અને તે પછી ચારવર્ષની મુદ્દત માટે ૩૦ થી ૪૦ હજાર ફિકસ પગારમાં અગ્નિવીરોની ભરતી શરૃ થઈ. આ મુદ્દે વિરોધ ઉઠ્યો અને વિપક્ષોએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. સુપ્રિમકોર્ટ સુધી પહોંચ્યા પછી અગ્નિપથ યોજનાના મુદ્દે સેના અને સરકારના પ્રતિભાવો લેવાયા અને આ યોજના ચાલુ રહી.

લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવ્યો અને ઈન્ડિયા ગઠબંધનના ઘણાં પક્ષોએ તેમાં જોરદાર સુર પુરાવ્યો રાહુલ ગાંધીને જાહેર કર્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે, તો અગ્નિપથ યોજનાને ડસ્ટબીનમાં ફેંકી દેશે એટલે કે રદ કરવો તેમના આ નિવેદનનો પણ જે-તે સમયે જબરદસ્ત વિરોધ થયો, પરંતુ અગ્નિપથ યોજનાનો મુદ્દો યુવાવર્ગમાં વધુ ચર્ચાયો અને આક્રોશ વધ્યો.

તે પછી લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને તેમાં ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાનમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો અને ભારતીય જનતા પક્ષને માત્ર ર૪૦ બેઠકો મળી, તેના મુખ્ય કારણોમાં અગ્નિપથ યોજનાને લઈને યુવાવર્ગમાં પ્રવર્તી રહેલો અસંતોષ પણ સામેલ છે.

જ્યારે આ યોજના લાગુ થઈ હતી ત્યારે પણ દેશભરમાં પ્રબળ વિરોધ થયો હતો ટ્રેનો સળગાવાઈ હતી અને યુવાનો સડકો પર ઉતર્યા હતાં. હિંસક આંદોલનો થયા હતા જેને દબાવી દેવાયા હતા અને સત્તાના જોરે યુવાવર્ગનો આક્રોશ કચડી નખાયો હોવાના આક્ષેપો થયા હતા પરંતુ કાનૂની જંગ જીત્યા પછી બધું શાંત થઈ ગયું હોય તેમ લાગ્યુ અને અગ્નિવીરની જગ્યાઓ પર ભરતી થવા માટે હજારો યુવાનો આગળ આપવા લાગ્યા અને ભરતી પણ શરૃ થઈ ગઈ, જો કે તે પછી એકજૂથ થયેલા વિપક્ષોએ તથા ખાસ કરીને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ઉછાળ્યો, જેમાં આમ આદમી પાર્ટી સહિતના અન્ય વિપક્ષોએ પણ સૂર પુરાવ્યો, જેનું રાજકીય નુકસાન ભારતીય જનતા પક્ષને થયું. એટલું જ નહીં.. હવે ગઠબંધનની મજબૂરીના કારણે આ મુદ્દે જ મોદી સરકારને પારોઠના પગલાં ભરવા પડી રહ્યા છે અને આ યોજનાની પુનઃ વિચારણા કરીને તેમાં સુધારા-વધારા કરાશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.

આ પીછેહઠ એ સૂચવે છે કે ભારતની જનતા લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ મનસ્વી, જીદ્દી અને તાનાશાહી વલણ સાથેના શાસનને પાઠ ભણાવી શકે છે. એટલું જ નહીં, જનહિતની વિરૃદ્ધમાં ચકાચોંધ ભર્યા પ્રચાર માત્ર ભાવનાત્મક મુદ્દા કે વાયદાઓ (ગેરંટીઓ) પણ કામ લાગી શકે નહીં, અને જનતાની અદાલતમાં અંતિમ ચુકાદો આવે છે, જેનું આ નોંધપાત્ર દૃષ્ટાંત છે, કહેવત છે ને કે વાર્યા ન વરે તે હાર્યા વરે!!

એવું કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી પરત ફરે તે પછી અગ્નિપથ યોજનાનો રિવ્યૂ થશે તે પછી આગામી સંસદીય સત્રમાં જ આ સમગ્ર યોજનામાં ધરમૂળથી બદલાવની જાહેરાત સંસદમાં કરી દેશો તેવા સંકેતો મળી રહ્યા છે.

અગ્નિવીરનો મુદ્દો નીતિશકુમારે તેના પ્રવકતા કે.સી. ત્યાગીના માધ્યમથી લોકોની વચ્ચે ઉઠાવ્યો અને હવે કેન્દ્ર  સરકારના દસ સંબંધિત વિભાગોને આંતરિક સમીક્ષાના નિર્દેશો અપાઈ ચૂક્યા છે, સેનામાં રેગ્યૂલર ભરતી થયેલા સૈનિકો તથા અગ્નિવીરોને મળતા લાભો, વેતન, નિવૃત્તના લાભો, રજાઓ, સુવિધાઓ વગેરેનો તફાવત ઘટાડવા અને ટ્રેનીંગ પીરિયડ તથા ચાર વર્ષના બદલે સાત વર્ષની મુદ્દત અને શહીદનો દરજ્જો અપાય તથા નિવૃત્તિ પછી તેઓને અન્યત્ર ચોક્કસપણે સરકારી નોકરી અગ્રતાક્રમે મળે તથા પોષણક્ષમ વળતર પણ મળે, તેવી કોઈ નવી જોગવાઈઓ ઉમેરીને અસંતોષ ખતમ કરવાની ચર્ચા ચાલી રહી છે.

એવું પણ કહેવાય છે કે ભારતીય સેનામાં પણ અગ્નિપથ યોજનાના અમલ પછી તેની અસરો, પરફોર્મન્સ અને જરૃરી સુધારા-વધારાને લઈને આંતરિક સર્વે શરૃ થઈ ગયો છે. સેનાનો સર્વે કેન્દ્રીય મંત્રાલયોની સમીક્ષા અને વિપક્ષોની ધારદાર રજૂઆતો પછી અંતિમ નિર્ણય સંરક્ષણ મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન, સેનાની ત્રણેય પાંખોના વડા તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભલામણોના આધારે લેવાશે તેમ જણાય છે.

આ અંગે કેટલાક પૂર્વ સૈનિકો-અફસરોના પ્રત્યાઘાતો એવા છે કે 'યુવાસેના'ના વાઘા પહેરાવીને કેન્દ્ર સરકારે હકીકતે સેનાના જવાનોને નિવૃત્તિ પછી આપવા પડતા આજીવન પેન્શન અને ભથ્થાનો ખર્ચ ઘટાડવા આ યોજના લાગુ કરી છે. હકીકતે 'યુવાસેના'નો અભિગમ જ નથી, પરંતુ બજેટમાં સંરક્ષણના તોતીંગ ખર્ચમાં કાપ મૂકવાનો આ કિમિયો છે!

યુવાવર્ગના પ્રત્યાઘાતો એવા છે કે દેશ સેવાની સાથે રોજગારીની તકો મળે અને આજીવન દેશની સુરક્ષા માટે યોગદાન આપી શકાય તેવા વિવિધ હેતુઓ સાથે સેનામાં ભરતી થવાનો જુસ્સો કાંઈક ઓર જ હોય છે! માત્ર રોજગારી મેળવવા નહીં પણ દેશભક્તિની ભાવનાથી તરબતર યુવાનોને જો ૬ મહિનાની ટ્રેનીંગ અને ચાર વર્ષની ફરજો બજાવીને તે પછી માત્ર રપ ટકા યુવાનોન જ સેનામાં સેવા કરવાની સંભાવના રહેતી હોય, તો તેથી યુવાવર્ગમાં દ્વિધા પણ ઉત્પન્ન થાય છે, અને દેશભક્તિની મૂળભૂત ભાવનાને પણ ઠેસ પહોંચે છે. એટલું જ નહીં, તે પછી ૭પ ટકા યુવાનોનું ભાવી પણ અનિશ્ચિત રહે છે.

સેનાના પૂર્વ વડાઓએ લખેલા પુસ્તક તથા અન્ય પ્રત્યાઘાતોને ટાંકીને એવી ચર્ચા પણ થઈ રહી છે કે મૂળ પ્રસ્તાવમાં તો અગ્નિવીરોમાંથી ૭પ ટકાને રેગ્યુલર ભરતીમાં સમાવવાની વાત હતી, પરંતુ પાછળથી તેનાથી ઉલટું કરાયું હતું.

હવે અગ્નિવીરોના મુદ્દે સરકારની પીછેહઠ પછી હવે જાતિગત જનગણના અને આરક્ષણના મુદ્દે પણ મોદી સરકારને ઝુકવુ પડી શકે છે. લોકતંત્રમાં સરકારની સત્તાની ચોટલી જનતાના હાથમાં રહે છે, તેના આ દૃષ્ટાંતો છે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial