કોરોનાને હરાવવાનો સંઘર્ષ હજુ ચાલુ છે, સતત સાવધાની અનિવાર્ય

કોરોના શબ્દ ભયનો પર્યાયવાચી બની ગયો છે છેલ્લા એક વર્ષથી લોકડાઉન અને રાત્રિ કરફયુ જેવાં પ્રતિબંધો સાથે આપણે મહામારી સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. હવે વેક્સિન શોધાઈ ગઈ છે પરંતુ આપણે માસ્કના અચૂક ઉપયોગ સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૃરી છે. તો જ કોરોનાની બીજી લહેર સામે આપણે વિજયી થશું. સરકાર વરિષ્ઠ નાગરિકો તથા બીમારી ધરાવતા ૪૫ થી ૬૦ વર્ષના આધેડ લોકોને રસીકરણમાં પ્રાધાન્ય આપી રહી છે તે સરાહનીય છે. સરકારના પ્રયાસો તો જ સફળ થશે જો લોકો વેક્સિન લેવા આગળ આવશે.

- પ્રધ્યુમનકુમાર બી.મહેતા, (સર્વધર્મ સમભાવ કાર્યકર)

 

કોરોના મહામારીએ તંદુરસ્તીનું મહત્ત્વ-સાદગીથી જીવતા શિખવ્યું

આ મહામારી આટલું વિકરાળ અને ભયાનક સ્વરૃપ ધારણ કરશે તેની તો કલ્પના પણ ન હતી. લોકડાઉનના કારણે ઘરના દરેક સભ્યો એકબીજાની સાથે રહેતાં થયા. ઘરના કાર્યો ફક્ત મમ્મી જ નહીં, પણ પપ્પા પણ કરવા લાગ્યા. બહારનું હોટલનું ખાવાનું સ્વપ્ન બની ગયું. તમાકું, પાન, મસાલા તો જાણે છૂટી જ ગયાં. આ મહામારીને કારણે એક વસ્તુ સમજાઈ ગઈ કે, સ્વાસ્થય સારૃં રાખવું ખૂબ જ જરૃરી છે. માટે યોગની ટેવ પડી ગઈ. બધી વસ્તુ વગર ચલાવતા શિખ્યા. મહામારીને કારણે ધર્મભાવના પણ ખૂબ જ જાગી ગઈ. ભગવાનને પ્રાર્થના કરવાની ટેવ પડી ગઈ. ધંધા-રોજગાર બંધ થયાં. ઘણાંની નોકરી જતી રહી. એની ચિંતા ખૂબ જ થઈ. જેને પોતાના સ્વજન ગૂમાવ્યાં હશે, તેમનું શું થશે? એવા વિચારોથી જ મન રોજ પરેશાન હજૂ પણ થાય છે. હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે, આ મહામારીમાંથી જલદી અમને ઉગારો અને કોરોના વાયરસ તમે શાંત થાઓ, શાંત થાઓ અને ફરીથી અમારી મોજભરી સ્કૂલની જિંદગી શરૃ થાઓ.

- રિદ્ધિ મિતુલભાઈ સંઘવી, જામનગર.

 

કોરોના પ્રભાવિત ગત્ વર્ષ 'મહાપરીક્ષા' સમાન હતું

વર્ષ ર૦ર૦ ને યાદ કરતા જ હૃદય દ્રવી ઊઠે છે. કોરોનાનામના રાક્ષસે માનવીને માનવીથી દૂર કરી દીધો હતો. અભૂતપૂર્વ લોકડાઉનથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે ગુજરાન કેમ ચલાવવું એ સવાલ યક્ષપ્રશ્ન સમાન બની ગયો. પરપ્રાંતિય મજૂરોની સેંકડો કિલોમીટરની પગપાળા હિજરત નિહાળી આંખમાંથી આંસુ નીકળી જતા હતાં. લોકડાઉનમાં મર્યાદિત સમયની છૂટમાં જીવનજરૃરી વસ્તુઓ ખીરદવા ઉતાવળે માસ્ક વગર ઘરની બહાર નીકળી જવાય તો દંડનો ભોગ બનવું પડે જે પડ્યા પર પાટુ સમાન લાગતું. આ કટોકટી જેવા સમયમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ તથા તેમના સ્વયંસેવકોએ કરેલા મદદ યજ્ઞને પ્રતાપે જ અનેક લાચાર લોકો આ કપરા સંઘર્ષમાં ટકી ગયા. શારીરિક-માનસિક તથા આર્થિક મોરચે એકસાથે ઝઝૂમતા લોકો ભાંગી પડ્યા હતાં.  વેક્સિન શોધતા લોકોમાં નવી હામ આવી છે. મહામારીનો હજુ અંત આવ્યે નથી ત્યારે ઈશ્વર સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે લોકોને સાવધાની રાખવા અનુરોધ છે.

- સોલંકી શર્મિલાબા પ્રવિણસિંહ, જામનગર. (મો. ૯૯ર૪૮ ૦૩૯૦૮)

 

કોરોનાથી ભયભીત જનતામાં કોરોના વોરિયર્સે વિશ્વાસ મંત્ર ફૂંક્યો

કોરોનાકાળ સમગ્ર વિશ્વ માટે એક પડકારરૃપ હતો. કોરોનામાં લોકડાઉનને કારણે લોકોને નજરકેદ હોવાનો અહેસાસ થયો તો બીજી તરફ પરિવાર સાથે સમય વિતાવવાનો સમય મળતા સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર થયો. કોરોનાના નામનો ભય જનમાનસમાં ઘર કરી ગયો હતો, પરંતુ કોરોના વોરિયર્સે ખડે પગે ફરજ નિભાવી લોકોને મહામારી સામે વિજયનો વિશ્વાસ અપાવ્યો. મીડિયા કર્મીઓએ પણ સરાહનીય કામગીરી કરી છે. 'નોબત'ને પણ ધન્યવાદ આપવા ઘટે છે.

- રમેશભાઈ, જામનગર. (મો. ૮૭૮૦૦ ૯૮ર૯૩)

 

લોકડાઉનમાં બચત-શિસ્તનું મહત્ત્વ સમજાયું

અભિપ્રાય આપણા પહેલા મારી આંખે આંસુડાની ધારા સરી પડે છે ટપ ટપ.... જે ઘરડી આંખે ન જોવાનું જોવું પડ્યું છે? કોરોનામાં કોઈ રોડપતિ બન્યા, ભ્રષ્ટાચારી બાબુઓ અબજો પતિ થયા છે. લોકડાઉનમાં સેંકડો લોકોએ જીવ ખોયા હતા, વગર વાંકે લાખો માનવીઓને જેલવાસ જેવો કડવો અનુભવ થયો. ઓનલાઈન શિક્ષણ આવડતનું નથી તો છોકરાઓનું પાયા વગરનું શિક્ષણ થઈ જશે? બેકારી વધી ગઈ, ખાવાના સાંસાં પડવા લાગ્યા છે? પરિસ્થિતિ બદલાઈ કે વણસી શકે છે. માટે માનવીએ બચત કરવાની ટેવ અપનાવવી જોઈએ? માનવીને પૈસાની માવજત અને વધારાની આવક મેળવી બચત કરવાનું કોરોનામાં શીખ મળી જે બચત સમય આવે. અંતિમ શ્વાસ સુધી કામ આવે છે. તે શીખ આપી? ઘરનું સ્વાદિષ્ટ ભોજન મળવા લાગ્યું, ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. માસ્ક જરૃર પહેરો કારણકે 'માસ્ક આપણી દવા/વેક્સીન' છે. વાયુ પ્રદૂષણ મારી નાંખશે. જનતાને 'સ્વયંશિસ્ત કેળવણીથી લોકડાઉનની જરૃર નહીં પડે, જો તમો નિયમો પ્રમાણે વર્તન કરશો તો જરૃરને જરૃર કોરોના કાબુમાં આવશે.

- ગગુભા મંગુભા ઝાલા, જામનગર. (મો. ૯૮૨૪૨ ૪૩૩૬૧

 

વિસરાઈ ગયેલી સ્વચ્છતાની કાળજી કોરોનાએ યાદ કરાવી

કોરોના વાયરસે આપણને સ્વચ્છતાનુ મહત્ત્વ શીખવ્યું. આપણે નાના હતા ત્યારે વડીલો, શિક્ષકો આપણને વારંવાર હાથ ધોવાનું અને દિવસમાં બે વખત ન્હાવાનું કહેતા. જે આજના સમયે આપણને એકદમ સાચું લાગે છે. કેટલું અઘરૃં છે એ પુરૃષોને સમજાયું. ઉપરાંત કોરોનાએ તે પણ સાબિત કરી દીધું કે દરેક વ્યક્તિએ ઘરનું તેમજ બહારનું બધું કામ આવડતું હોવું જોઈએ. જેમ કે, રસોઈ કરવી, ઘરમાં સાફ-સફાઈ કરવી, વડિલોની સારસંભાળ લેવી, તેમજ આપણી જાત સાથે સમય વિતાવવો. જાતને ઓળખવી. ઓનલાઈન શિક્ષણથી ટેકનોલોજી યુગના ખરા અર્થમાં આરંભ થયો. કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશની તસ્વીર એક દૃઢ સંકલ્પ અને મહાસતાને છાજે તેવી કામગીરી કરીને સમગ્ર માનવજાતને બચાવવા સમયસર વેક્સીનની શોધ કરી વિશ્વને બતાવી દીધું છે, કે ભારત પાસે પણ વૈજ્ઞાનિકો અને આધુનિક રિસર્ચ સેન્ટરો છે, જેથી કોઈ બીજા દેશની મદદ વગર વિશ્વમાં પોતાની કામગીરી કરી શકે છે. ભારતનું સૂત્ર 'વસુધૈવ કુટુમ્બકમ્' યોગ્ય જ છે.

- વિશાલ મહેતા, (મેડીકલ વોર્ડ ઈન્ચાર્જ, સમર્પણ હોસ્પિટલ), (મો. ૯૪૨૭૨ ૪૧૫૮૯)જામનગર

 

કોરોનકાળમાં અનેક લોકોએ તન-મન-ધનથી સેવા કરીઃ સૌ સાથે જીવવાનું પણ શિખ્યા

કોરોનાકાળ તો જાણે ઈતિહાસમાં અમર બનીને રહેશે. એક એવો રોગ આવ્યો કે જેની કોઈ દવા જ ન હોય, તેનો સામનો કરવો એટલે જાણે એક ચેલેન્જ આપણી સંવેદનશીલ સરકારે ખૂબ જ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો કે જનતાા કરફયૂ જાહેર કર્યુ, જેથી કોઈ એકબીજાના સંપર્ક મા ન આવે અને જેમ બને તેમ વધુને વધુ માણસોનું જીવન બચી જાય કોઈપણ નવી વાત કે નવો નિર્ણય હોય તેનો વિરોધ તો થવાનો જ એટલે કરફયૂનો પણ ખૂબ વિરોધ થયો તેમાં પણ સોશ્યલ મીડિયાએ આ આગમાં જાણે ઘી હોમ્યું. આ કપરા સમયથી કઈ રીતે બચવું તેની જગ્યાએ ભાજપ-કોંગ્રેસની વાતો વધુ થતી. આપણે સૌ સમજી શકીએ કે જે રોજનું લઈને રોજનું ખાતા-પિતા હોય તેની શું હાલત થાય...? પણ હું તો કહીશ કે ગમે તેવો કળીયુગ હોય પણ ઉપરવાળાને આપણા બધાની ચિંતા છે જ. (ભગવાનમાં ન માનતા હોય તેને માત્ર એટલું જ કહેવાનું કે આજે સયન્સ અને ટેકનોલોજીએ ખૂબ હરણફાળ પ્રગતિ કરી છે પણ લોહી બનાવવાનું મશીન નથી બનાવી શક્યા) આવા કપરા કાળમાં દરેક ગામ, દરેક જ્ઞાતિની સેવાભાવી સંસ્થાઓએ લોકોની મદદ કરવામાં બાકી નથી રાખ્યું અને તે સંસ્થામાં તન-મનથી સેવા કરનારાઓની સાથે ધનના સેવકો પણ મળી ગયા તે પણ ખરેખર ઉપરવાળાની જ મહેરબાની છે. હા સાથે-સાથે એટલું તો હું ચોક્કસ કહીશ કે સંવેદનશીલ સરકારે જે માસ્ક વગર ના નીકળે તેના માટે ના જે દંડની રકમ વસુલ કરે છે તે ખરેખર ખૂબ જ વધારે કે'વાય. સૂકા સાથે લીલુ પણ આદી-અનાદી કાળથી બળતું આવ્યું છે. ખરેખર જે-તે ઘરની બહાર નીકળવું ફરજીયાત બની રહેતું તેવી વ્યક્તિ કે એક તો આર્થિક ભાંગી પડી હોય, ઘરની ચાર દિવાલ ઘરની જવાબદારીમાં ભાંગી પડેલ વ્યક્તિ ખરેખર માસ્ક પહેરતા ભૂલી પણ જાય તેના માટે આ દંડની રકમ મારી દૃષ્ટિએ તો વ્યાજબી નથી જ. જેમ કોમ્પ્યુટરમાં કોઈ નવા સોફટવેરમાં ઉમેરો થાય, કોઈ નવી ટેકનોલોજીની શોધ થાય તેમ આ એક નવો રોગ આવ્યો જેના સાથે આપણે સૌ જીવતા શીખી ગયા.

- શ્રીમતી ભાવનાબેન પોપટ-પાંઉ,

(લોહાણા કન્યા છાત્રાલય (ગૃહમાતા)

 

કોરોના સામે ઢાલરૃપી રસી આવી ગઈ પણ સાવધાની જરૃરી

ભયંકર આર્થિક સંકટ ઊભું થયું દેશમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા એ ક્ષતિ તો કયારેય પૂરાય એમ જ નથી. મંદિરો બંધ થતાં ઈશ્વરના દ્વાર પણ બંધ થઈ ગયા. લોકડાઉનનાં ફાયદા પણ થયા જેમકે તમાકુ, બીડી જેવા વ્યસનની હાનિકારક વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. વાહન-વ્યવહાર ઠપ્પ રહેવાથી કોરોના વાયરસનાં આગમનને એક વર્ષમાં લોકડાઉન અને પ્રતિબંધોના કારણે અનેક ગેરફાયદા થયા. જેમા મધ્યમવર્ગના લોકો સામે વાયુ પ્રદૂષણ લગભગ નાબૂદ થઈ જતા શુદ્ધ વાતાવરણ જોવા મળ્યું, પરિવાર સાથે સમય વીતાવવાની તક મળી. હવે તો કોવિશીલ્ડ અને કોવોકિસન રસી આવી ગઈ છે પરંતુ આપણે રસી લીધા પછી પણ માસ્ક પહેરવાની તથા સોશ્યલ ડિસ્ટન્સની તકેદારી રાખવી જરૃરી છે.

- ઈશા વિરેશભાઈ મહેતા

 

કોરોનાથી ડરીએ નહીં, પણ લડીએ, વેકસીન અવશ્ય લઈએ...!

કોરોના મહામારીના આગમનને એક વર્ષ થઈ ગયું. મહામારીના આરંભમાં એવું અનુમાન હતું કે, થોડાંક સમયમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે, પરંતુ સમયની ધારથી કોણ બચી શકે છે...? ચીનના વુહાનમાંથી પ્રસરેલા કોરોનાને શરૃઆતમાં ફલૂ અને ન્યૂમોનિયા સમજવામાં આવ્યો. પરંતુ તેની જીવલેણ ઘાતકતાની થોડા સમયમાં જ સૌને ખબર પડી ગઈ અને ૧૧-માર્ચ-ર૦ર૦ ના કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી. ભારતમાં પણ ટૂંક સમયમાં જ કોરોનાએ સામ્રાજ્ય જમાવી લીધું. કોરોના સામે લડવા દેશને એક ચેતનાની જરૃર હતી. જનતા કરફયૂના થાળી વાદનના પ્રયોગથી એ ચેતના પ્રગટી. ૯મી એપ્રિલે દીપ પ્રગટાવી. મહામારીના અંધકાર સામે લડવા હિંમતનું અજવાળું મળ્યું. લોકડાઉનથી સમગ્ર સીસ્ટમ ઠપ્પ થઈ ગઈ શિક્ષણ, અર્થતંત્ર બધું જ વિપરીત રીતે પ્રભાવિત થયું. દિવાળીએ સંક્રમણ થોડું કાબૂમાં આવતા પ્રકાશપર્વ ઉમંગભર  ઉજવાયું, પરંતુ એ પછી ફરીથી કોરોનાએ સકંજો રચ્યો. આજે ફરીથી એજ સ્થિતિ ઉદ્ભવી છે. પરંતુ હવે આપણી પાસે વેક્સિન છે. પરિસ્થિતિ ભલે એક વર્ષ પહેલા હતી તેવી જ છે, પરંતુ વેક્સિનને કારણે હવે ડરવાની જરૃર નથી. વેક્સિન લેવાથી અને કોરોનાથી ડરવાને બદલે વેક્સિન લઈ કોરોનાથી લડીએ.

- નીતિ સેજપાલ, (મો. ૯૯ર૪૭ ૦રર૯૪)

 

તબીબોએ દેવદૂતની ભૂમિકા ભજવી

બીમાર વ્યક્તિઓની સારવાર કરનાર તબીબએ ભગવાનનું બીજું સ્વરૃપ છે. આવી પરંપરાથી સાંભળવા મળતી કથનીને આ કોરોના કાળે સત્ય પૂરવાર કરી આપી છે. મહામારી પણ કેવી આવી ?! માનવી અન્ય માનવીને ના સ્પર્શી શકે ! જીવલેણ બીમારીમાં મૃત્યુનો ભંય સતત ઝળુંબતો હોય, તેવી નાજુક હાલતમાં અખંડ પરિવારનો સભ્ય પણ પોતાનો કોરોનાગ્રસ્ત જન્મદાતા વડીલોને કે વ્હાલસોયા બાળકોને પોતાનાથી દૂર રાખવા મથે ! અભૂતપૂર્વ કપરી પરિસ્થિતિમાં ડોકટરોએ દેવદૂતની ભૂમિકા ભજવી તબીબી વ્યવસાયને પુનઃ ગૌરવ અપાવ્યું. સરકારી હોસ્પિટલોમાં સતત મળતી ઉત્તમ સારવારે સરકારી હોસ્પિટલો પ્રત્યેનો લોકોનો અભિગમ બદલી નાખ્યો. ડોકટર-નર્સિગ સ્ટાફે ઘર પરિવારની પરવા કર્યા વગર ખડેપગે રહી દર્દીઓની સેવા કરી, લોકડાઉન અને કરફયુનાં સમયમાં ખાનગી પ્રેકટીસ કરતા ડોકટરોએ ટેલિફોનિક કન્સલટેશન કર્યું. સરકારે ઉત્તમ વ્યવસ્થાઓ કરી જે યાદ કરતા વિકસિત દેશોની વ્યવસ્થાઓ પણ ફિકકી લાગે છે.

- અશોકભાઈ ભંડેરી

 

કોરોનાકાળ ૫ડકાર-કરૃણાનાં સમય ઉપરાંત આત્મનિર્ભરતાનો પણ સમય છે

વર્ષ-૨૦૧૯ના ૩૧ ડિસેમ્બરે નવા વર્ષના આગમનની ઉજવણી કરતા લોકોને સ્વપ્નમાં પણ ખ્યાલ નહી હોય કે વર્ષ ૨૦૨૦ કદાચ તેમના જીવનનું સૌથી કસોટીજનક વર્ષ હશે. ભારતમાં ૭૦ દિવસ લોકડાઉનનાં સમયમાં લોકો સામે ભારે આર્થિક પડકાર ઊભો થયો ઘરમાં કેદ લોકોને માનસિક અકળામણ પણ થઈ પરંતુ ઇશ્વરે માનવીને દરેક સ્થિતિમાં અનુકુલન સાધી લેવાની અમૂલ્ય શક્તિ આપી છે. જેના પ્રતાપે તમામ પડકારો લોકો પાર કરતા ગયા. જેમણે આ મહામારીમાં સ્વજનો ગુમાવ્યા તેમનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઈશ્વર તેમના આત્માઓને સદગતિ આપે. કસોટીના આ સમયમાં ભારત આત્મિનર્ભરતાનું પ્રતીક બનીને સામે આવ્યો. સ્વદેશી વેન્ટીલેટરની શોધ થઈ માસ્ક અને પીપીઈકીટના કુટીર ઉદ્યોગો શરૃ થયાં. સરકારે પણ સર્વક્ષેત્રે કાંતિકારી પગલાઓ લીધા. વર્ષ ૨૦૨૧ના મકરસંક્રાંતિ પછી દેશભરમાં શુભ સમયનો આરંભ થયો કારણ કે, ૧૬ જાન્યુઆરીથી વોક્સિનેશનનો આરંભ થયો કોરોના વોરિયર્સને વેક્સિનેશમાં પ્રાધાન્ય આપી તેમની ફરજનિષ્ઠાને બિરદાવવામાં આવી છે. ભારત અન્ય દેશોને પણ વેક્સિન આપી વિશ્વગુરૃ બનવા તરફ ગતિમાન છે. ઈશ્વર કૃપાથી માહામારી સામે આપણો વિજય નિશ્ચિત છે એ સત્ય છે એ યાદ રાખજો.

- કિરીટ બી. ત્રિવેદી 'નિમિત', (મો.૯૯૯૮૮ ૭૯૬૧૯)

close
Ank Bandh 29 March
close
PPE Kit