Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પ્રકારની ઉજવણીઓ વૈજ્ઞાનિક મહત્ત્વ સાથે આપે છે સામાજિક સંદેશ...
શ્રાવણવદ અષ્ટમીની એ મેઘીલી રાત હતી, જ્યારે કારાવાસમાં દેવકીજીની કૂખેથી વસુદેવજીને ત્યાં કૃષ્ણજન્મ થયો હતો. દર વર્ષે શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો ગુજરાતમાં એવા તહેવારોની શ્રેણી લઈને આવે છે, જે આપણી બહુવિવિધા સંસ્કૃતિની વિશેષતા દર્શાવે છે. શ્રાવણ મહિનો શિવમય હોય છે, અને તે પછી ઉજવાતો ગણેશોત્સવ પણ હવે માત્ર મહારાષ્ટ્ર નહીં, ગુજરાત સહિત દેશવ્યાપી બન્યો છે. આ સમયગાળા દરમિયાન જૈન સંવત્સરિ આવે છે, અને બલરામ જયંતી પણ ઉજવાય છે. આ તમામ તહેવારોની શ્રેણી સાથે આપણી વૈષ્ણવ, શૈવ, માતૃશક્તિ અને શ્રદ્ધા, ભક્તિ અને તપશ્ચર્યાની અગત્યતા, પૌરાણિક્તા અને સાતત્યતા પ્રગટ થાય છે. આપણે જે તહેવારો હળીમળીને ઉમંગ-ઉલ્લાસથી ઉજવતા રહીએ છીએ, તે તમામ તહેવારોની પાછળ એક ગૂઢ સંદેશ અને વૈજ્ઞાનિક તથ્યો પણ છૂપાયેલા હોય છે.
બલરામ જયંતી-હળ છઠ્ઠ
આપણા દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન ઉજવાય છે, અને તે પછી બરાબર ૬ ઠ્ઠા દિવસે બલરામ જયંતી ઉજવાય છે. બલરામજી શ્રીકૃષ્ણથી મોટા હતાં, અને તેમનો જન્મદિવસ ઉજવાય, તે પછી શ્રાવણવદ અષ્ટમીના દિવસે 'ગુજરાતમાં જન્માષ્ટમી ઉજવાય છે.' ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ તરીકે પ્રચલિત બલરામજીને બળદેવજી, ત્રિક્રમરાયજી, હળપતિજી તરીકે પણ ઓળખવામાં આવે છે. બલરામજી હળ ધારણ કરતા હતાં. બલરામજીની જયંતીના દિવસે હળછઠ્ઠની ઉજવણી થાય છે, અને ખેડૂતો હળની પૂજા કરે છે, તો શ્રદ્ધાળુઓ હળધારી બલરામજીનું પૂજન કરે છે. આ ઉજવણી કૃષિવર્ધન સાથે સંસ્કૃતિને અદ્ભુત રીતે જોડે છે.
હળછઠ્ઠનું વ્રત ભારતમાં જુદા જુદા સ્થળે જુદી જુદી તારીખે મનાવાતું હોવા છતાં તેનું મહાત્મય સમાન છે, અને તેને બલરામ જયંતી સાથે સાંકળવામાં આવે છે. ગુજરાતમાં હળછઠ્ઠ ઓછી પ્રચલિત છે, અને ઘણાં લોકો બલરામજી અને છઠ્ઠમાતાની પૂજા કરીને દીર્ઘાયુષ્ય, સંતાનપ્રાપ્રાપ્તિ અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. આ દિવસે વ્રતધારી મહિલાઓ હળથી ખેડેલું અનાજ અને ગાયના દૂધથી બનેલી ચીજવસ્તુઓ ખાતી નથી. હળછઠ્ઠનું વ્રત અને તે દિવસે હળ સહિત કૃષિ ઓજારોનું પૂજન જ્યાં જ્યાં થાય છે, ત્યાં ઉત્સવ જેવો માહોલ હોય છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હળછઠ્ઠનું વ્રત ૧૪ ઓગસ્ટે ઉજવાયું હતું, જ્યારે પશ્ચિમ ભારતના રાજ્યો સહિત ઘણાં સ્થળે ર૯ ઓગસ્ટે બલરામ જયંતીનો ઉત્સવ પણ ઉજવાયો હતો.
આપણા દેશમાં ઘણાં રાજ્યોમાં પૂર્ણિમાથી પૂર્ણિમા વચ્ચે વિક્રમ સંવત અનુસાર મહિનો ગણાય છે, જ્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં અમાવસ્યાથી અમાવસ્યા વચ્ચે મહિનો ગણવામાં આવે છે, તેથી કેટલીક ઉજવણી તથા વ્રતો ભિન્ન ભિન્ન તિથિ-તારીખ મુજબ ઉજવાતા હોય છે, પરંતુ તેનો પૌરાણિક સંદર્ભ, મહાત્મય અને વિધિ એકસમાન રહે છે.
ગણેશોત્સવ
આપણાં દેશમાં પ્રવર્તમાન પ્રકારના ગણેશોત્સવનો પ્રારંભ ધર્મભક્તિ અને દેશભક્તિના સંયોજન સાથે મહારાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન લોકમાન્ય બાલગંગાધર તિલકે વર્ષ ૧૮૯૩ માં બ્રિટિશ શાસન સામેની લડતમાં વધુને વધુ લોકોને જોડવા માટે કરી હતી, તેથી ગણેશચતુર્થીથી દસ દિવસ સુધી ઉજવાતો આ તહેવાર ધાર્મિક અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે. સાર્વજનિક રીતે ઉજવાતો આ તહેવાર હવે ગુજરાતના ગામડાઓ સુધી પ્રચલિત બન્યો છે.
ગણેશોત્સવ સામાન્ય રીતે ગણેશના જન્મદિન ગણેશચતુર્થીથી શરૂ થાય, અને અનંત ચતુર્દશી સુધી ચાલે અને તે દરમિયાન એકી દિવસોમાં વિસર્જન થાય, એટલે કે ત્રણ, પાંચ, સાત, નવ દિવસ સુધી ગણેશ પૂજન કરીને મંડલો કે ઘરોમાં સ્થાપિત ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવાની જુદા જુદા વિસ્તારોની અલગ-અલગ પરંપરાઓથી આપણે બધા વાકેફ જ છીએ.
આ વર્ષે ર૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવ ઉજવાશે, અને રાષ્ટ્રીય-ધાર્મિક તથા સામાજિક સંદેશને અનુરૂપ જુદી જુદી થીમ સાથે ઊભા કરાયેલા ગણેશપંડાલોનું આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને મહાનગર પાલિકા કક્ષાએ સ્પર્ધાત્મક માપદંડો સાથે નિરીક્ષણ કરીને શ્રેષ્ઠ અગ્રીમ હરોળના પંડાલોને પ્રોત્સાહન આપવાની યોજના પણ જાહેર કરી છે. આપણે ગણેશ ઉત્સવોના માધ્યમથી રાષ્ટ્રીય એક્તા, સદ્ભાવના અને શાંતિનો સંદેશ વહેતો થતો નિહાળી શકીએ છીએ.
આ વર્ષે ગણેશોત્સવોમાં સ્વાભાવિક રીતે જ 'ઓપરેશન સિંદૂર'ની થીમ સાથે ઘણાં સ્થળે અવનવા સુશોભનો તથા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. ગણેશોત્સવના ધાર્મિક મહત્ત્વને લગતી ઘણી જ પ્રચલિત કથાઓ પણ વર્ણવાઈ રહી છે. ગણેશજીને બુદ્ધિ, ચાતુર્ય અને સમૃદ્ધિના દેવતા પણ કહેવામાં આવે છે અને કોઈપણ શુભ મંગલ કાર્ય, નવા સાહસ, ઉદ્ઘાટન, ભૂમિપૂજન, ધર્મકાર્ય, યજ્ઞ કે કથા સમયે ગણેશજીનું સૌ પ્રથમ સ્થાપન કરવામાં આવે છે. લોકમાન્ય તિલકે ગણેશોત્સવ પ્રચલિત બનાવ્યો તે પહેલા શિવજીના માતા જીણીબાઈએ કસ્બામાં ગણપતિ સ્થાપ્યા હતાં, તેવી એક કથા પણ પ્રચલિત છે. હવે ગણેશોત્સવ દેશવ્યાપી સાર્વજનિક તહેવાર બની ગયો હોઈ, આજે દેશભરમાં ગણેશજી છવાયેલા જોવા મળે છે.
મિચ્છામિ દુક્કડમ્
દર વર્ષે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી થાય છે, જેના અંતિમ દિવસે સંવત્સરિ ઉજવાય છે. આ દિવસે જૈન સમાજના લોકો પરસ્પર 'મિચ્છામિ દુક્કડમ્' કરીને જાણતા-અજાણતા થયેલા દોષ કે પાપો બદલ ક્ષમાયાચના કરે છે. હવે તો આ શબ્દપ્રયોગો સાથે દેશવાસીઓ ધર્મ-સંપ્રદાયથી પર ઊઠીને પણ એકબીજાને ક્ષમાયાચના કરે છે.
પર્યુષણ પર્વ
પર્યુષણ પર્વ સામાન્ય રીતે ૮ થી ૧૦ દિવસ સુધી ઉજવાય છે. આ જૈન સમાજનું આધ્યાત્મિક પર્વ છે. ભાદરવા મહિનામાં આવતું આ પર્વ જૈનલોકો માટે ધ્યાન, ઉપવાસ, સ્વાધ્યાય, ધાર્મિક અનુષ્ઠાનો તથા તપશ્ચર્યાનું હોય છે, જે દરમિયાન તેઓ આત્મસુદ્ધિ કરે છે અને સર્વમંગલ માંગલ્યની કામના પણ કરે છે. આત્મચિંતન, આત્મિયતા તથા આત્મશાંતિના ઉદ્દેશ્યો માટે પર્યુષણ પર્વ ઉજવાય છે.
આ વર્ષે ર૧-૦૮થી શરૂ થયેલું પર્યુષણ પર્વ શ્વેતાંબર જૈન સમાજ દ્વારા ૮ દિવસ મનાવવાની પરંપરા મુજબ ઉજવાયું જ્યારે દિગંબર જૈન સમાજ દ્વારા ૧૦ દિવસની પરંપરા મુજબની ઉજવણી થઈ રહી છે.
પર્યુષણના પહેલા દિવસે ક્રોધનિયંત્રણ, બીજા દિવસે મનની પવિત્રતા અને મધૂરતા, ત્રીજા દિવસે વચનબદ્ધતા અને લક્ષ્ય નિર્ધારણ, ચોથા દિવસે વાણીનિયમન અથવા મૌનવ્રત, પાંચમા દિવસે સ્વાર્થરહિત જીવન, છઠ્ઠા દિવસે ધીરજ અને સંયમ, સાતમા દિવસે નકારાત્મક્તા નિષેધ, આત્મસંયમ અને તપશ્ચર્યા, આઠમા દિવસે જ્ઞાન અને ભોજનના દાનનો મહિમા, નવમા દિવસે નિઃસ્વાર્થ જીવન અને દશમા દિવસે આત્મશુદ્ધિ તથા સદ્ગુણોના વિષયો પર ચિંતન, વ્યાખ્યાનો સાથે બોધ અપાય છે.
પર્યુષણ પર્વને જીવન માટે પથદર્શક તથા ક્ષમાભાવ, દયાભાવ અને પવિત્રતાના સંદેશને વહેતો કરવાનું માધ્યમ ગણવામાં આવે છે. ચાલો, આપણે પણ સૌ કોઈને ઉદ્દેશીને કહીએ... 'મિચ્છામિ દુક્કડમ્...'
મેજર ધ્યાનચંદ જન્મદિનઃ નેશનલ સ્પોર્ટસ ડે
ભારતીય હોકીના પ્રેરક અને દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ર૯ મી ઓગસ્ટ-૧૯૦પ ના દિવસે હાલના પ્રયાગરાજ (યુ.પી.) માં થયો હતો. બુનિયાદી શિક્ષણ મેળવ્યા પછી તેઓ વર્ષ ૧૯રર માં ભારતીય (બ્રિટિશ) સેનામાં સિપાહી તરીકે જોડાયા હતાં. ત્યાં સુબેદાર મેજર તિવારીની પ્રેરણાથી હોકી રમવાનું શરૂ કર્યું હતું.
હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મેજર ધ્યાનચંદને વર્ષ ૧૯ર૭ માં લાંસ નાયકનો હોદ્દો મળ્યો. તે પછી વર્ષ ૧૯૩ર માં નાયક અને વર્ષ ૧૯૩૬ માં સુબેદાર બન્યા. તે વર્ષે તેમણે ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ સંભાળી. તે પછી તેઓ લેફ્ટનન્ટ બન્યા અને અંતે તેઓ મેજર બની ગયા. તેઓ એવા મહાન હોકી પ્લેયર હતાં કે તેમની હોકીમાં અડતા જ દડો ગોલમાં પહોંચી જતો હતો, જેથી તેઓને 'ગોલમેકર' અને 'હોકીના જાદુગર' પણ કહેવામાં આવ્યા હતાં.
એવું કહેવાય છે કે, મેજર ધ્યાનચંદના આ જાદુઈ ક્ષમતાના કારણે એક વખત તેઓ જે હોકીથી રમતા, તેને તોડીને ચકાસણી કરાઈ હતી કે તેમાં ચુંબકત્વ જેવી કોઈ કરામત તો કરાઈ નથી ને? જો કે, કાંઈ નીકળ્યું નહોતું, અને ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ હતી.
મેજર ધ્યાનચંદ ત્રણ વખત હોકીમાં ઓલિમ્પિક સ્પર્ધામાં ગોલ્ડમેડલ્સ (તે જમાનામાં) જીત્યા હતાં, તે હોકીટીમમાં મુખ્ય ખેલાડી તરીકે સામેલ હતાં. વર્ષ ૧૯૩૬ ના બર્લિન ઓલિમ્પિકમાં તેઓને ભારતીય હોકી ટીમના કેપ્ટન બનાવ્યા હતાં. મેજર ધ્યાનચંદે વર્ષ ૧૯ર૬ થી વર્ષ ૧૯૪૮ સુધીમાં પોતાની કારકિર્દીમાં હોકીની રમતમાં ૪૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતાં, જ્યારે તેમની સ્થાનિક, રાષ્ટ્રીય સહિતની કારકિર્દીમાં તો તેમણે ૧૦૦૦ (એક હજાર) થી પણ વધુ ગોલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી.
મેજર ધ્યાનચંદને વર્ષ ૧૯પ૬ માં આઝાદ ભારતની સરકારે પદ્મભૂષણનો ખિતાબ આપ્યો. વર્ષ ૧૯૭૯ માં મેજર ધ્યાનચંદના નિધન પછી ભારતીય ટપાલ વિભાગે તેઓના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી અને દિલ્હીના એક સ્ટેડિયમનું નામ 'મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ' રખાયું. વર્ષ ર૦ર૧ માં ભારતના સર્વોચ્ચ ખેલસન્માનનું નામકરણ મેજર ધ્યાનચંદને સાંકળીને 'મેજર ધ્યાનચંદ એવોર્ડ' કરાયું. આ એવર્ડ દર ચાર વર્ષે ઉત્તમ દેખાવ કરનાર એથ્લેટ્સોને અપાય છે.
રાષ્ટ્રીય ખેલ દિવસ
દર વર્ષે ર૯ મી ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ અથવા નેશનલ સ્પોર્ટસ ડે મનાવાય છે. આ ઉજવણી પણ મેજર ધ્યાનચંદના જન્મદિનને સાંકળીને કરવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે 'ફિટ ઈન્ડિયા' સહિતના અભિયાનો પણ દેશભરમાં ચલાવાય છે અને ખેલસંસ્કૃતિ સાથે જાહેર આરોગ્ય અને જન-તંદુરસ્તીનો સંગમ રચાય છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial