Advertisement
Author: નોબત સમાચાર

માનસિક આરોગ્ય, આત્મહત્યા અને કાયદાની નજર કાનૂની દૃષ્ટિકોણથી વિશ્લેષણ

                                                                                                                                                                                                      

માનસિક આરોગ્ય (મેન્ટલ હેલ્થ)એ વ્યક્તિના જીવનનો એ તત્વ છે, જે તેના વિચાર, ભાવના, વર્તન અને સામાજિક વ્યવહારને આકાર આપે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) અનુસાર માનસિક આરોગ્ય એ માત્ર માનસિક બીમારીઓની ગેરહાજરી નથી, પરંતુ એક વ્યક્તિની ભાવનાત્મક, માનસિક અને સામાજિક સ્થિતિની એવી સ્થીરતા છે કે જેના કારણે તે વ્યક્તિ જીવનના દૈનિક પડકારોનું સમાંતર નિવારણ કરી શકે, યોગ્ય નિર્ણયો લઈ શકે અને સમાજમાં સકારાત્મક રીતે જીવન જીવી શકે. માનસિક આરોગ્યની અવસ્થાને પ્રભાવિત કરતી પરિસ્થિતિઓમાં તણાવ, ડિપ્રેશન, ચિંતાનો વિકાર, બાઈપોલર ડિસઓર્ડર, સાયકોટિક ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા જેવા ગંભીર રોગો, તથા આઘાતજન્ય અનુભવના માનસિક અસરનો સમાવેશ થાય છે. માનસિક આરોગ્યમાં માત્ર ગંભીર માનસિક બીમારીઓનો અભાવ જ નહીં, પણ સકારાત્મક માનસિક સ્થિતિનો સમાવેશ થાય છે.

ભારતીય કાનૂની વ્યવસ્થામાં, માનસિક આરોગ્યનો પ્રશ્ન માત્ર આરોગ્યની નીતિમાં જ નહીં, પણ ફોજદારી ન્યાયવ્યવસ્થામાં પણ મહત્વ ધરાવે છે. ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (ભા.ન્.સં.)માં કેટલીક જોગવાઈઓ એવી છે, જે ગુનાહિત જવાબદારીમાંથી છૂટછાટ આપે છે જો સાબિત થાય કે અપરાધના સમયે આરોપી માનસિક અસમતુલિત સ્થિતિમાં હતો. ઉદાહરણરૂપ, જો કોઈ વ્યક્તિ અપરાધના સમયે માનસિક સ્થિતિની એવી ગંભીર બિમારીથી પીડિત હોય કે જેના કારણે તે પોતાની ક્રિયા કે તેના પરિણામને સમજવામાં અસમર્થ હોય, તો કાયદો તેને સંપૂર્ણ અથવા આંશિક રીતે અપરાધિક જવાબદારીમાંથી મુક્તિ આપી શકે છે. તેમ છતાં, આ મુક્તિ આપતી વખતે અદાલત ગુનાની ગાંભીરતા અને માનસિક બીમા રીની તીવ્રતાનું સચોટ મૂલ્યાંકન કરે છે, અને માત્ર તેવા કેસોમાં જ છૂટછાટ મળે છે જ્યાં પુરાવા સ્પષ્ટ હોય અને તબીબી નિષ્ણાતોના અભિપ્રાયથી તે સાબિત થાય.

કાનૂનમાં માનસિક

આરોગ્ય આધારિત છૂટછાટ

ભા.ન્.સં.ની કલમ ૧૩ (પૂર્વ આઈપીસી કલમ ૮૪) મુજબ, જો કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરે ત્યારે તે ''માનસિક વિકાર'' અથવા ''અસમતુલિત મનસ્થિતિ''ને કારણે પોતાના કૃત્યની સ્વરૂપતા અથવા તે કૃત્ય ખોટું છે કે કાયદા વિરૂદ્ધ છે એ સમજવામાં અસમર્થ હોય, તો તે વ્યક્તિને ફોજદારી જવાબદારીમાંથી મુક્તિ મળે છે. આને કાનૂની ભાષામાં ''અપરાધિક માનસિક અસમર્થતા'' કહેવામાં આવે છે.

પરંતુ આ મુક્તિ સ્વચાલિત નથી. અદાલત પર છે કે તે તબીબી પુરાવા, માનસિક આરોગ્ય નિષ્ણાતના અહેવાલ અને ઘટનાની પરિસ્થિતિઓ પરથી નક્કી કરે કે આરોપી ખરેખર કાનૂની રીતે અસમર્થ હતો કે નહીં. ઉદાહરણરૂપ, ડિપ્રેશન, ચિંતા કે તણાવ સામાન્ય રીતે છૂટછાટ આપવા પૂરતા નથી, જો સુધી તે એટલી ગંભીર સ્તરે ન પહોંચે કે વ્યક્તિ વાસ્તવિકતા અને કલ્પનામાં ફરક ન કરી શકે.

સાથે સાથે, ભા.ન્.સં.માં કેટલીક પરિસ્થિતિઓમાં ''માનસિક તણાવ''ને દંડમાં રાહત આપવાનો આધાર માનવામાં આવ્યો છે, ખાસ કરીને એવા કેસોમાં જ્યાં ગુનાની પ્રેરણા તાત્કાલિક અને અસહ્ય માનસિક દબાણમાંથી ઊભી થઈ હોય.

આત્મહત્યા અને કાયદાની દૃષ્ટિ

આત્મહત્યા, કાનૂની ભાષામાં, એવી ક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાનો જીવ જાતે લઈ લે છે. કાયદાની દૃષ્ટિએ આત્મહત્યા પોતે અપરાધ નથી ગણાતી, પરંતુ આત્મહત્યાનો પ્રયાસ ક્યારેક કાયદાકીય પ્રક્રિયાને આકર્ષે છે, ખાસ કરીને જ્યારે તે પ્રયાસ જાહેર વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા અન્ય લોકોની સુરક્ષા પર અસર કરે છે. નવા કાયદાઓમાં માનસિક તણાવ, અત્યંત દબાણ અથવા પીડાજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને, આત્મહત્યાના પ્રયાસને વધુ માનવીય દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી માનસિક સારવાર અને પુનર્વસન પર ભાર મુકાય., પરંતુ આત્મહત્યાનો પ્રયાસ લાંબા સમય સુધી દંડનીય હતો. હાલના સમયમાં, માનસિક આરોગ્ય કાયદો, ૨૦૧૭ અનુસાર, જો આત્મહત્યાનો પ્રયાસ ''અતિશય તણાવ'' હેઠળ થયો હોય તો વ્યક્તિને સજા આપવાને બદલે તેને માનસિક સારવાર અને પુનર્વસન તરફ દોરી જવામાં આવે છે.

આત્મહત્યાને પ્રેરણા

આત્મહત્યાને પ્રેરણા આપવી ગંભીર અને દંડનીય અપરાધ છે. ભા.ન્.સં.ની કલમ ૧૧૮ (પૂર્વ આઈપીસી કલમ ૩૦૬) મુજબ, જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરે, મદદ કરે અથવા એવી પરિસ્થિતિ સર્જે કે જે તેને આત્મહત્યાની તરફ દોરી જાય, તો તેને કડક સજાનો સામનો કરવો પડે છે. આ સજા ગુનાની ગાંભીરતા મુજબ કેટલાક વર્ષોની કેદ અને દંડ બંને હોઈ શકે છે.

અદાલતોએ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર વાદવિવાદ, કડવું વર્તન અથવા સામાન્ય મતભેદ આત્મહત્યાને પ્રેરણા ગણાતા નથી. આરોપીનું વર્તન એવો સીધો અને સતત દબાણકારક હોવો જોઈએ કે જે આત્મહત્યાનું મુખ્ય કારણ બને. અદાલતો આત્મહત્યાને પ્રેરણા માટેના કેસોમાં આરોપીના કૃત્યો અને વર્તન વચ્ચે સિદ્ધ સંબંધ (ડાયરેક્ટ નેકસસ) શોધે છે.

આત્મહત્યા, માનસિક આરોગ્ય અને કાનૂની સંતુલન

કાયદો આ મુદ્દાઓમાં નાજુક સંતુલન જાળવે છે. એક તરફ, માનસિક બીમારી અથવા તણાવગ્રસ્ત પરિસ્થિતિને માનવતાવાદી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે, જેથી પીડિતને સજા આપવાના બદલે સારવાર અને સહાય મળે. બીજી તરફ, તેવા કૃત્યોને અટકાવવા માટે કડક વલણ અપનાવે છે, જ્યાં અન્ય વ્યક્તિના ગેરકાયદેસર વર્તનથી કોઈ આત્મહત્યા કરે.

સમાજ અને કાનૂની જાગૃતિ

માનસિક આરોગ્ય અને આત્મહત્યાના કિસ્સાઓમાં કાનૂની જાગૃતિ અત્યંત જરૂરી છે. ઘણીવાર પરિવારજનો અને સમાજ આત્મહત્યાના પ્રયાસને ''શરમ'' કે ''કલંક'' તરીકે જોતા હોય છે, જેના કારણે પીડિત વ્યક્તિ વધુ એકલવાયેલી બની જાય છે. કાયદાનો હેતુ એ છે કે માનસિક આરોગ્યને માત્ર વ્યક્તિગત બાબત નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવે, અને સમયસર કાઉન્સેલિંગ, તબીબી સહાય અને કાનૂની સલાહ દ્વારા જીવન બચાવી શકાય.

માનસિક આરોગ્ય, આત્મહત્યા અને આત્મહત્યાને પ્રેરણા  આ ત્રણેય વિષયો એકબીજા સાથે જોડાયેલા છે અને કાનૂની તેમજ સામાજિક બંને દૃષ્ટિકોણથી અગત્યના છે. નવા ભા.ન્.સં. અને માનસિક આરોગ્ય કાયદાના સંયોજન દ્વારા, ન્યાયવ્યવસ્થા એ સંદેશ આપવા માગે છે કે કાયદો માત્ર સજા માટે જ નહીં, પરંતુ માનવીય સહાય અને પુનર્વસન માટે પણ છે. દરેક નાગરિકની ફરજ છે કે તે આવા સંજોગોમાં કાનૂની પ્રક્રિયા સાથે સાથે માનવતાની પણ ભુમિકા નિભાવે.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh