Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર સહિત ચાર જિલ્લામાં વરસાદનુ રેડએલર્ટઃ અન્યત્ર ઓરેન્જ અને યેલો એલર્ટઃ નડાબેટનું રણ બન્યુ દરિયો!
અમદાવાદ તા. ૮: રાજ્યના ઘણાં વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થતા સુઈ ગામ અને કચ્છમાં જળ તાંડવા જેવા દૃશ્યો સર્જાયા છે. હજુ પણ હાલાર સહિત રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે અને વિવિધ એલર્ટ અપાયા છે.
ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહૃાો છે. ગઈકાલથી રાપરમાં અત્યાર સુધીમાં ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને ડીડીઓની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે (આઠમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
કચ્છના રાપરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨.૪૮ ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ આજે સવારના ૪ કલાકમાં ફરી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળા-કોલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારનો ટપ્પર ડેમ ૮૦ ટકા પાણીથી ભરાઈ જતાં પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે.
ભૂજના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહૃાો છે. ભૂજના જ્યુબેલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહૃાા છે. શહેરનું હ્ય્દય સમાન હંમેશા તળાવ ઓવરફ્લો થવાને માત્ર બેથી ત્રણ ફૂટ દૂર રહેવા પામ્યું છે. બીજી તરફ ભૂજમાં વહેલી સવારથી વીજ પ્રવાહ ખોરવાયો છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે.
રાજ્યભર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને નદીઓમાં પાણીના વધેલા સ્તરને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકા અને ખેડા તાલુકાઓમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં ખાસકરીને ધોળકાથી સરખેજ તરફ જતો હાઇવે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ખેડાથી ધોળકા જતો હાઇવે બંધ કરવામાં આવતા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના ૨૭ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં વરસાદના લીધે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સાથળ, સહીજ, ગિરદ, બદરખા, અને ભાત સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે.
સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ખેડા-ધોળકા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. સાબરમતી નદીમાં પૂર આવતા ખેડા જિલ્લાના માતર તાલુકામાં તારાજી સર્જી છે. પાલ્લા, માતર, રસીકપુરા અને નધાનપુર સહિત આસપાસના ગામોમાં સાબરમતી અને વાત્રક નદીના પાણી ઘૂસી ગયા છે.
સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા અમદાવાદ શહેરમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાવચેતીના ભાગરૂપે ગાંધી બ્રિજ નીચેનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહૃાા છે. પશ્ચિમમાં સક્રિય થયેલ ડિપ્રેશન અને મોનસુન ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આ વરસાદી માહોલ આગામી સાત દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને જોતા બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાના કેટલાક તાલુકાઓમાં શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છમાં માર્ગો પર પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના અને પૂરની સ્થિતિને કારણે બનાસકાંઠા, કચ્છ, ખેડા અને સાબરકાંઠાની શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં ૦૮/૦૯/૨૦૨૫ સોમવારના રોજ રજા જાહેર કરાઈ છે.
સાવચેતીના ભાગરૂપે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સૌથી વધુ અસર બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે સુઈગામ તાલુકાના ભરડવા ગામે પાણી ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મુશળધાર વરસાદથી થરાદ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખરીફ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે.
કચ્છના રાપરમાં પણ બારે મેઘ ખાંગા થતા ચારેબાજુ પાણી ભરાયા છે. ભચાઉ-રાપર માર્ગ પર મેઘપર પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર અટકી ગયો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે છ જેટલા મહત્ત્વના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, વામકા લખાવટ કરમરિયા રોડ, સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને તુગા જૂણા રોડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ રસ્તાઓ પર અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
હાલાર સહિત સૌરાષ્ટ્રમાં એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નડાબેટ રણ બન્યુ દરિયો
બનાસકાંઠાના સુઈ ગામમાં ૨૪ કલાકમાં ૧૬.૧૪ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઉછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.
રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળતા અદભુત દૃશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. સામાન્ય રીતે સૂકો રહેતો રણપ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે.
આજે સવારથી પણ સાર્વત્રિક વરસાદ
સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૪૪૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના રાપરમાં ૩.૫૪ ઈંચ તો સૌથી ઓછો સુરત શહેરમાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં ૧૬. ૧૪ ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરમાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. ૮ સપ્ટેમ્બરના સવારના ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ ૩૭.૧૩ એટલે કે ૧૦૬.૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે ૨૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial