Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેમ વિશ્વાસને અને આશંકા આત્મિયતાને ખતમ કરી નાંખે છે...
આપણે યુદ્ધો અને સરહદી સંઘર્ષની ઘણી વાતો કરી. ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કામાં નવ આતંકી અડ્ડાઓ નષ્ટ કર્યા પછી ભારત પર આક્રમણ કરવાના જવાબમાં પાકિસ્તાનને ભારતીય સેનાએ ધૂળ ચટાવી અને કામચલાઉ પ્રકારનો સંઘર્ષ વિરામ થયો હતો, તે સમયે ભારતીય સેનાએ પ્રેસકોન્ફરન્સ કરી હતી, અને તે સમયે ડીએમઆરઓ એ એક પ્રશ્નના જવાબમાં તુલસીકૃત રામાયણની એક ચોપાઈ રજૂ કરી હતી, અને જે વર્તમાન સંદર્ભમાં આબેહૂબ સુસંગત છે.
વિનય ન માનત જલધિ,
જડ ગયે તીનિ દિન બીતિ.
બોલે રામ સકોપ તબ
ભય બિનુ હોઈ ન પ્રીતિ...
એટલે કે લંકા જવા માટે સમુદ્રને વિનંતિ કર્યાના ત્રણ દિવસ વિતવા છતાં સમુદ્રદેવે સહયોગ નહીં આપતા ભગવાન શ્રીરામે કહ્યું હતું કે, ભય વિના પ્રીતિ નહીં!!
તે પછીની કથા ઘણી જ પ્રચલિત છે અને ભગવાન શ્રીરામે અગ્નિબાણ છોડયા પછી સમુદ્ર કેવી રીતે શરણે આવીને આજીજી કરવા લાગ્યો, તેનું વિવરણ પણ ઘણું જ રસપ્રદ છે.
તે પછી થોડા દિવસો વિત્યા ત્યારે સંઘપ્રમુખ મોહન ભાગવતે પણ શક્તિશાળી રાષ્ટ્રની ઓળખ સ્થાપવા જરૂર પડ્યે તાકાત દેખાડવી પડે, તેવા સંદર્ભમાં આ ચોપાઈનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, 'ભય બિન હોઈ ના પ્રીતિ!!'
ખતરો અને ભય
કોઈપણ પ્રકારનો ખતરો ઊભો થનાર હોય ત્યારે આપણે સાવધાન થઈ જઈએ છીએ અને આગમચેતીના પગલા લઈએ છીએ, તેવી જ રીતે પહેલેથી ફેલાયેલા કે ઊભા થયેલા ભયને પણ આપણે ખતરાની જેમ જ મુલવીને તેમનો સામનો કરવા અને ભયનું મૂળ કારણ દૂર કરવાના પ્રયાસો કરીએ છીએ.
જ્યારે અચાનક જ ભયાવહ પરિસ્થિતિ ઊભી થઈ જાય, ત્યારે આપણે મોટાભાગે પ્રારંભમાં રક્ષણાત્મક બનીએ છીએ અને ભયભીત થઈને બચવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ભયની ઓળખ થઈ જાય, તે પછી તેનું નિવારણ કરવાના અથવા તેનો સામનો કરવાના પ્રયાસો કરતા હોઈએ છીએ.
કાલ્પનિક ભય
હકીકતે કોઈ કુદરતી આફત, મુશ્કેલી કે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય કે થવાની હોય, ત્યારે જે ખતરો હોય, તેની સામે આગમચેતીના કદમ ઊઠાવીએ કે પછી એવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થઈએ, એ સમજાય, પરંતુ ઘણી વખત આપણામાં કોઈ કાલ્પનિક ભય કે ભ્રાન્તિ ઘર કરી જાય, અથવા કોઈપણ પ્રકારના વહેમનો રોગ લાગુ પડી જાય, ત્યારે તેનો કોઈ સરળ ઉપાય મળતો હોતો નથી, વહેમનું કોઈ ઓસડ જ નથી.
વહેમ અને આશંકા
વહેમ એ ખતરનાક મનોભાવના છે. વહેમ પ્રવેશે, ત્યાંથી જ વિશ્વાસ ખતમ થઈ જતો હોય છે. વિશ્વાસની બુનિયાદ હલબલાવીને વહેમ સંબંધોના તાણાંવાણાંને પણ વિખેરી નાંખે છે. વ્યવહારો, ચારિત્ર્ય, પ્રામાણિક્તા, નિષ્ઠા અને ઈરાદાઓને સાંકળીને ઊભો થતો વહેમ જો સાચો પડે અને વાસ્તવિક્તામાં બદલાય જાય, તો તે યથાર્થ નિવડે, પણ મોટાભાગે વહેમ આશંકાઓની પરાકાષ્ટામાંથી જન્મતો હોઈ, નિરર્થક નિવડતો હોય છે.
આશંકા, શંકા-કુશંકાઓ હંમેશાં ખોટી જ હોય તેવું નથી. સંદેહ, શંકા, આશંકા વગેરે જો થતા જ ન હોત તો ઘણાં ગોરખધંધા પકડાત જ નહીં. સત્યના સંશોધન માટે શંકા ઊઠવી પણ જરૂરી છે, અને તેથી જ આપણો કાયદો સક્ષમ તંત્રોને શંકાના આધારે કોઈપણ વ્યક્તિની પૂછપરછ કરવાની કે તે માટે અટકાયત કરવાની તક આપે છે. જો એ શંકાઓ પૂરવાર થઈ જાય તો તે ગુન્હો અથવા પાપમાં બદલી જાય છે, અને પૂરવાર ન થાય તો પુરાવાના અભાવમાં શંકાના આધારે આરોપી નિર્દોષ પણ છૂટી જતા હોય છે, ખરૃં કે નહીં?
આપણો કાયદો વહેમ કે આશંકાનું ઈન્વેસ્ટીગેશન કરવાની છૂટ આપે છે, પરંતુ તેને આરોપમાં બદલવા માટે અને સજા અપાવવા માટે પૂરતા પુરાવા આપવા પડે છે, તેથી શંકા-કુશંકા કે કાલ્પનિક સંજોગો જો પૂરવાર ન થાય, તો તે વ્યર્થ નિવડે છે.
વિશ્વાસે વહાણ ચાલે
એવી કહેવત છે કે વિશ્વાસે વહાણ ચાલે, હકીકતે વિશ્વાસ રાખ્યા વિના જીવન જીવવું કઠણ છે. આપણે એલ.જી.-કે.જી. અથવા બાલમંદિરમાં બાળકને મોકલીએ છીએ, ત્યારથી કીડ સેન્ટર, પ્રિ-સ્કૂલથી શાળા-કોલેજો સુધીના શૈક્ષણિક માળખામાં પૂરેપૂરો વિશ્વાસ મૂકવો પડતો હોય છે, તેવી જ રીતે દીકરીને સાસરે વળાવીએ, ત્યારે સાસરિયામાં વિશ્વાસ મૂકીએ છીએ, ગ્રાહક ખરીદી કરે, ત્યારે વેપારીમાં વિશ્વાસ મૂકે છે, મતદારો મત આપે ત્યારે નેતાઓમાં વિશ્વાસ મૂકે છે, વાહન, ટ્રેન કે પ્લેનમાં બેસીએ ત્યારે આપણે ડ્રાઈવર કે પાયલોટમાં વિશ્વાસ મૂકીએ છીએ અને ડાઈનીંગ હોલમાં કૂક અને તેના માલિક પર વિશ્વાસ મૂકીએ છીએ. આ તમામમાં જ્યારે જ્યારે છેતરપિંડી, દગો કે અયોગ્ય વ્યવહાર થાય, ત્યારે તે વિશ્વાસઘાત થયો કહેવાય, જે બહું મોટું પાપ પણ છે અને ગુન્હો પણ છે
વિશ્વાસઘાતના ગુન્હા બદલ કોર્ટમાં કેસ ચાલે છે, અને ગુન્હાના પ્રમાણ અને પુરાવા અનુસાર દંડ અને સજા પણ થાય છે.
દાદાગીરી અને દગાબાજી
દગાબાજો પીઠમાં પ્રહાર કરે છે, વિશ્વાસઘાત કરે છે, છેતરપિંડી કરે છે અને પોતાના હિતો સિદ્ધ કરવા માટે ગેરકાનૂની, અયોગ્ય અને અનૈતિક રીત-રસમો અજમાવે છે, જ્યારે દાદાગીરી કરનારા તત્ત્વો ખુલ્લેઆમ આ જ પ્રકારની હરકતો કરે છે, અને તેઓને કાનૂન, તંત્રો કે સમાજનો ડર હોતો નથી, જો કે અંતે તો આ બન્ને પ્રકારના દુષ્ટોને જેલના સળિયા ગણવા પડે છે અથવા તેવો અન્ય કોઈપણ રીતે કરૂણ અંજામ આવે છે. દાદાગીરી અને દગાબાજી દુષ્ટોના ડીએનએમાં હોય છે અને ઘણી વખત આ પ્રકારની શખ્સિયતો શરાફતનો નકાબ ઓઢીને પણ આવતી હોય છે. આ પ્રકારના પરિબળોને નાથવા માટે સાહસ, હિંમત અને તાકાતની સાથે સાથે કૂનેહ, ધીરજ અને એકજુથતા પણ જરૂરી હોય છે. સામાન્ય રીતે લોકો માથાકૂટમાં પડવા કે અશાંતિ ઊભી થતી અટકાવવા આ પ્રકારના પરિબળોની હરકતોને નજરઅંદાજ કરતા હોય છે, અને આ પ્રકારની જનસામાન્ય માનસિક્તાને નબળાઈ માનીને જ આ પ્રકારના પરિબળો ફાલતા-ફૂલતા હોય છે, જેઓને સમયસર નાથવામાં ન આવે તો તેઓ વધુ ઝેરીલા અને ઘાતકી બની જતા હોય છે.
ખતરો હોય કે આશંકા, પડકાર હોય કે વિપરિત સંજોગો હોય, ભય હોય કે કોઈએ ધાક-ધમકી આપી હોય, તે તમામ સંજોગોમાં હિંમત, સાહસ, ક્ષમતાની સાથે સાથે ધીરજ, સમજદારી અને સંયમનું સંયોજન કરીને તેનો સામનો કરવો જોઈએ અથવા નિવારણ કરવું જોઈએ. જો તેવું ન કરીએ, તો જે ભ્રમ, અનિશ્ચિતતા અને ચિંતાજનક સ્થિતિમાંથી કાલ્પનિક ભય ઊભો થતો હોય છે, જે અત્યંત ખતરનાક હોય છે. કાલ્પનિક ભય ભાગ્યે જ સાચો પડતો હોય છે, પરંતુ આ કાલ્પનિક ભય સતત ચાલ્યા કરે તો તે માનસિક બીમારી કે ગમખ્વાર સ્થિતિને પણ નોતરતો હોય છે.
કાલ્પનિક ભયનો તોડ શું?
કાલ્પનિક ભયમાં જીવવા કરતા આ પ્રકારની કલ્પનાઓને જ દિમાગમાંથી કાઢવાનો પ્રયાસ કરવો પડે. તે પછી પણ જો કાલ્પનિક ભય સતાવતો જ રહે, તો મનોમન મુંઝાવાના બદલે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે શેર કરીને જો તેની સલાહ સાચી લાગે તો તેને અનુસરી શકાય, પરંતુ તેની સલાહ ગળે ન ઉતરે તો પણ તમારા કાલ્પનિક ભયનો બોજ તમારા દિમાગ પરથી હળવો થઈ જ જશે. જો નાસ્તિક ન હોઈએ, તો કાલ્પનિક ભયને જ આપણે જેમાં શ્રદ્ધા ધરાવતા હોઈએ તેના ચરણે મૂકી દેવો જોઈએ, અને નાસ્તિક હોઈએ તો પોતાની જાત સાથે જ લડવું પડે.
પ્રવર્તમાન સમયની મોટી સમસ્યાઃ વિશ્વાસઘાત
પ્રવર્તમાન યુગમાં વિશ્વાસઘાતના કિસ્સાઓ એટલી હદે વધી રહ્યા છે કે તેમાંથી ભયંકર ક્રાઈમ અને જીવલેણ સંઘર્ષોનો વ્યાપ વધી રહ્યો છે, જે સભ્ય સમાજ તથા સબળ અને સદ્ધર રાષ્ટ્રની આડે મોટો અવરોધ છે.
પરિવારોમાં અવિશ્વાસ વધી રહ્યો છે, તેની પાછળ પણ વિશ્વાસઘાતની વધી રહેલી ઘટનાઓનો પ્રભાવ છે. આજે ખેતર-વાડી, માલ-મિલકત અને વર્ચસ્વ માટે ભાઈ સગાભાઈનું ખૂન કરતા અચકાતો નથી, જ્યારે પતિ-પત્ની વચ્ચેના અવિશ્વાસ અને વહેમના કારણે પણ જીવલેણ હુમલા, હત્યા અને એકબીજાને બરબાદ કરવાના કિસ્સા વધી રહ્યા છે. કેટલીક ક્રૂર ઘટનાઓ તો સસ્પેન્સ થ્રીલર ફિલ્મો જેવી બની રહી છે, તો કેટલીક ઘટનાઓ સમગ્ર સમાજ અને સંસારને ધ્રુજાવી મૂકે જેવી ભયંકર હોય છે. આ બધામાંથી ઉગરવાનો કોઈ ઉપાય મળી રહ્યો નથી અને વિશ્વ અવિશ્વાસ અને અંધ વિશ્વાસની આંધીમાં અટવાઈ ગયું હોય તેમ જણાય છે. આ સ્થિતિના નિર્માણ માટે આપણે જ જવાબદાર છીએ, કારણ કે આપણામાંથી ઉત્પન્ન થયેલી અંધવિશ્વાસ, અવિશ્વાસ કે આશંકા-વહેમની ચિનગારીમાંથી જ વિનાશક પરિણામો ભોગવવા પડતા હોય છે, ખરૃં કે નહીં?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial