Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વાત હંમેશાં યાદ રાખવી કે જ્યાં જીવ છે ત્યાં લાગણી છે
લાગણી માત્ર માનવીમાં જ હોય છે એવું નથી પરંતુ અવલોકન અને અભ્યાસ પછી જાણવા મળ્યા મુજબ તારણ એ નીકળે છે કે *જેમાં જીવ છે એમાં લાગણી છે* પછી એ લાગણી પ્રેમ ની હોય દુઃખની, ગમા, અણગમા. ક્રોધ,નફરત કે કોઈપણ હોય એ જીવ માત્રમાં હોય છે. અને માનવ સિવાય દરેકમાં એ લાગણી નિઃસ્વાર્થ હોય.માનવીમાં સ્વાર્થ હોઈ શકે છે.
આજે વાત કરવી છે માનવ સિવાય વિવિધ જીવની લાગણીઓની.. કોઈ વાર્તા કે ઘટના નહીં પણ લાગણીની અભિવ્યક્તિ વિશે. એ દરેક જીવ કે જે અબોલ છે, બોલીને પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા પણ ભાવથી કે અન્ય પ્રતિક્રિયા થી કરે છે. જીવ માં પહેલા વાત કરીએ વનસ્પતિની. નાના છોડથી લઈને વૃક્ષ સુધી. તમારા ઘરમાં નાના છોડને રોપો અથવા કોઈ એક બીજ રોપો પછી, નિત્યક્રમ પ્રમાણે પાણી પીવડાવ્યા કરો. એ બીજમાં કૂંપળ ફૂટશે અને પછી છોડ થશે, આ એના ક્રમ પ્રમાણે થયા કરશે. આપણા ઘરમાં બાળક જન્મે પછી એને વ્હાલ કરો, રમાડો, એની સાથે વાત કરો એટલે એ ખીલે, એના પ્રત્યે સતત ધ્યાન આપ્યા કરો તો એ વધુ ખીલે અને એને ક્યારેક ક્યારેક બોલાવો તો એ કાં તો રોયા કરે અને કાં તો એકલું રમ્યા કરે અને પછી એનો વિકાસ એ રીતે થાય. તમારા આંગણે ઉગાડેલા છોડ એ બાળક જ છે. એક દાખલો આપું એક મકાનમાં બે ફ્લેટ હતા બંને ઘરમાં બાલ્કની હતી, બંને ઘરમાં એક જ દિવસે કુંડામાં તુલસી ના છોડ રોપ્યા. એક વ્યક્તિ એ છોડને રોજ સવારે નિયમ પ્રમાણે એક લોટો પાણી નાખીને. એમની બાલ્કનીમાં આશરે છ કુંડા હતા. એ છ એ છ કુંડામાં ફટાફટ એક એક કળશ પાણી રેડી ચાલ્યા જાય. એમના પાડોશીની બાલ્કનીમાં પણ તુલસી સાથે કુલ છ કુંડા હતા. એ વ્યક્તિ પાણીની ડોલ ભરીને આવે. કૂંડા પાસે બેસી એ છોડ સાથે વાત કરતા કરતા સાફ કરે અને પાણી હળવા હાથે રેડે પછી એ ડાળખી અને પાંદડા પર હાથ ફેરવે જાણે વહાલ કરતા હોય. એવું પણ કહે કે તડકો વધુ લાગે છે? હું લીલી નેટ લગાવી દઈશ. એ ઉપરાંત પાણી પાઈ ઊભા થાય પછી છોડ પર હાથ ફેરવે અને હળવું આલિંગન આપે પછી જાય. માન્યામાં નહિ આવે પણ એમના બધા છોડ અને તુલસી બહુ સરસ ખીલ્યા જ્યારે પાડોશીના છોડ ખીલ્યા ખરા પણ ઠીક હવે. એ છોડ કે વૃક્ષમાં જીવ છે જ. દરેક વનસ્પતિમાં જીવ છે. જીવ માત્રને માન સન્માન પ્રેમ વહાલ જોઈએ જ. એક વાત નો ખ્યાલ હશે જ કે એમ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી. છોડને અડવું નહિ, ફૂલ તોડાય નહિ, મીઠો લીમડો પણ સૂર્યાસ્ત પછી ન તોડાય કારણ કે સૂર્યાસ્ત પછી છોડ કે વૃક્ષ સુસુપ્ત હોય જે સૂર્યોદય પહેલા જાગૃત થઈ જાય. એ જાગૃત થાય ત્યારે એમની ડાળ પર બેઠેલા પંખી કલરવ શરુ કરે. પંખીઓ પણ સૂર્યાસ્ત થતાં વૃક્ષની ડાળી પર ચૂપચાપ બેસી જાય, એને ખબર હોય કે આ એકમાત્ર સુરક્ષિત જગ્યા છે.
આ છોડ વૃક્ષોને ફૂલવા ખીલવાની વાતમાં જેમ વહાલ પ્રેમ હોય છે એમ વાતાવરણની પણ વાત છે. એક વાત ધ્યાનમાં રાખજો કે જે ઘરમાં ઝઘડા કંકાસ વધુ થતા હોય, વાતો ઊંચા અવાજે થતી હોય ત્યાં છોડ વૃક્ષ નહીં ખીલે. ત્યાં છોડ કરમાતા હોય વધુ. હા ત્યાં થોર, બાવળ તરત અને વધુ થાય. આ પરથી એક ઘટના યાદ આવી , એક કન્યાના માતા પિતા પોતાની દીકરી માટે છોકરો અને એનું ઘર પરિવાર જોવા ગયા. સાથે એક વડીલને લઇ ગયેલા. એ ઘરમાં ગયા એટલે એ વડીલ બાલ્કનીમાં બનાવેલ બાગીચામાં ગયા. દરેક છોડ હર્યાભર્યા ડોલતા હતા. એક છોડ પર તો ખુબ ફૂલ હતા. એમની સામેના જ ઘરમાં છોડ એટલા ખીલેલા નહોતો , અમુક અડધા કરમાયેલા, એ વડીલે વિચાર્યું કે આ ઘર પરિવારમાં સ્નેહ ભર્યું વાતાવરણ વધુ હશે. અહીં સંબંધ કરાય. એ વડીલે એ ઘરના બહેન ને પૂછ્યું કે સામે કોણ રહે છે? એ બહેન કહે કે જવા દ્યો ને, ઝગડાળું છે. એમના માં બાપ ને ય ગમે તેમ બોલે છે. એ વડીલને થયું કે એટલે જ છોડ કરમાયેલા છે. વનસ્પતિ પર વાતાવરણની અસર થાય. અથવા એમ કહી શકાય કે વનસ્પતિ ને જોઈ ઘરના વાતાવરણની ખબર પડી જાય. હવે એક છેલ્લી વાત વનસ્પતિ માટે. સૌ જાણતા હોય છે કે સંગીત એક થેરાપી છે . સંગીત સાંભળો તબિયત સરસ રહેશે. મન હ્ય્દય પ્રસન્ન રહેશે. એ અસર દરેક જીવ પર રહે છે. આપણા નગરમાં જ એક નીરવ ફાર્મ હતું. ત્યાં ઘણાં બધા આંબા હતા. એ ફાર્મના માલિક એ આંબાના વનમાં અમુક અંતરે થાંભલા ૫ર વાજીંત્ર રાખેલા સવાર સાંજ એમાં હળવું સંગીત વાગે. એને કારણે આંબાના ફળ ખૂબ ભરાવદાર અને મોટા આવતા હતા. આ જ પ્રયોગ તામિલનાડુના બે બગીચામાં થયો હતો. એ બગીચાના છોડ વૃક્ષ ભરાવદાર અને કેટલા ફૂલો લહેરાતા હોય. સંગીતનો આ પ્રયોગ ગૌશાળા માં પણ થાય છે સવારે (વહેલી પરોઢે સંગીત વગાડે એને કારણે ગાય ભેંસ દૂધ બે ગણું આપે. ( એક ગામમાં આ જોયેલું છે) કોઈપણ જીવમાં સંગીત અસર કરે જ છે.
પ્રેમ વ્હાલ વર્તનની અસર પ્રાણીઓ પર થાય છે. ગાય કૂતરા ને પ્રેમથી બોલાવો રોટલી આપો પ્રેમથી ખાશે. અને ફરી એ જ સમયે આવશે. તમે બે રોટલીની આદત રાખી હશે તો એ ત્રીજી માટે નહીં ઊભું રહે અને એ આવે પાછી જ્યાં સુધી નહિ આપો જશે નહિ જેવું આપશો એટલે જતું રહેશે અને આપ્યા વગર હડધૂત કરી કાઢી મુકશો તો ફરી ક્યારેય નહિ આવે. એનેય ખરાબ લાગે સ્વમાન ઘવાય. હમણાં એક વિડીયો જોયો હતો. એક બહેન ગાયને રોજ ટોટલી આપે એ બહેન બાર વાગે એટલે ગાયની રાહ જોઇને ઊભા હોય એ ગાય આવીને જાય પછી એ બહેન જમે. વચ્ચે એવું થયું કે કોઈપણ કારણસર એ ગાય ન આવી સળંગ બે દિવસ. પેલા બહેન વિચારે કે એ ક્યાં ગઈ? એ રોજ એના ટાઈમે ઊભા રહે. ત્રીજા દિવસે એ અંદર હતા અને ગાય આવી , એણે અવાજ કર્યો , એ બહેન બહાર આવ્યા અને ગાયને બોલવા માંડ્યા કે કેમ બે દિવસ ન આવી? હું તારી સાથે નહીં બોલું. જ ચાલી જ. ગાય એની સામે જોયા કરે. પેલા બહેન કહે , આમ જોવાની જરૂર નથી અને રોવા ની જરૂર નથી. (એ ગાયની આંખમાં આંસુ હતા) હું નહીં બોલું પેલી ગાયએ બહેનના પગમાં માથું અડાડે , પેલા બહેન કહે નાટક નહીં, એમ કહી એ બહાર આવ્યા અને કહે અહીં મારી બાજુમાં બેસ પછી વાત કરીએ. અને એ ગાય બેઠી, બહેનની આંખો ભીંજાઈ ગઈ એને ભેટ્યા ગાયે માથું એ બહેનના ખોળામાં મૂક્યું એ પછી એને રોટલી આપે , એ ખાઈ ને ચાલી ગઈ જતા જતા બહેન સામે ફરી સિંગડા નમાવ્યા . બહેને એના માથે હાથ ફેરવી પ્રણામ કર્યા. જોવાનું એ છે કે જીવનમાં લાગણી કેટલી છે?
એવું જ કૂતરાનું છે, કૂતરું શેરીનું હોય કે ઘરનું લાગણી હોય જ. એને ખોટું લાગે, રિસાઈ જાય. તમે શેરીના કૂતરાને બિસ્કિટ વગેરે આપજો એ તમારા ઘર આંગણે આવશે જ. એ વફાદારી દેખાડશે જ. તમને જો કોઈ હાથ પણ લગાડે તો એને ફાડી નાખશે. ઘરમાં પાળેલા કૂતરાનું પણ એ જ. તમે સ્કૂલ ઓફિસ જાવ એટલે બારણા સુધી આવે.સાંજે પાછા આવી ત્યારે એ રાહ જોતું ઊભું જ હોય તમને જોઈ નાચવા માંડે . તમારે એને સહેજ વહાલ કરવું પડે જો એમને એમ ગયા તો એ રિસાઈ જાય, એક બાજુ જઈને બેસી જાય. તમારે એને માનવું પડે , એના જમવાના સમયે એને ન આપો તો એ તમારી પાસે આવીને ઊભું રહે. તમે કહો કે આપું હમણાં એટલે બેસી જાય. તમે પરિવારના કોઈ નો જન્મદિવસ મનાવો તો એને એ જોઈને થતું હોય કે આવું મને કેમ નથી કરતા? ઘણાં એને પરિવારના સદસ્ય જ ગણે , એના જન્મદિવસે કેક કપાય હોંશથી મનાવે, એ રાજી પણ થાય. અરે એક ઘરમાં તો નવી કાર લીધી ત્યારે એની પાસે પૂજા કરાવડાવી . આમાં ફોટો છે. જુવો. એ અબોલ જીવ બહુ જ સમજે.બધું જ સમજે. વફાદારી એ અબોલ જીવો જેવી માનવીમાં નહિ. માનવી હવે સ્વાર્થી વધુ થઇ ગયા છે.
અબોલ જીવ પશુ પક્ષી વિશે દૃષ્ટાન્તો સાથે ઘણું લખી શકાય એમ છે, જે ક્યારેક પછી લખશું. પણ એટલું કહીશ કે એમની લાગણી સાચી હોય છે. કોઈ સ્વાર્થ વગરની. એક વાત ધ્યાનમાં રાખજો કે અબો જીવ તમારા પર હુમલો કરે તો એ ગભરાટમાં સ્વ બચાવ માટે કરે છે. એને પ્રેમથી બોલાવો કે થોડું વર્તન આત્મીય દેખાડો તો કાંઈ ન કરે. આ બધી બાબત ઘણું લખીશું પછી ક્યારેક.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial