Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મછલીવડથી અરલા વચ્ચે ધોરીમાર્ગ પર લૂંટની તૈયારી કરતા પાંચ શખ્સને દબોચતી એલસીબી

ધારદાર હથિયારો, ચાર વાહન, મોબાઈલ, ચોરાઉ વાયર કબજે કરી લેવાયાઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૦: જામનગર એલસીબીને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાલાવડના મછલીવડથી અરલા ગામ વચ્ચે પાંચ શખ્સ હથિયારોથી સજ્જ થઈ ધોરીમાર્ગ પર લૂંટ માટે તૈયાર બેઠા છે. બાતમીના આધારે ધસી ગયેલી એલસીબી ટીમે પાંચ શખ્સને દબોચી લીધા છે. તેઓના કબજામાંથી ત્રણ ટુ વ્હીલર, એક મોટર, ધારદાર હથિયારો, ચાર મોબાઈલ, ૨૨૦ મીટર કોપર કેબલ સહિત રૂપિયા સવા ચારેક લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા સંખ્યાબંધ ગુન્હાઓનો ભેદ ખૂલ્યો છે.

જામનગરની ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એએસઆઈ દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ, હિતેન્દ્રસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના મછલીવડ ગામથી અરલા ગામ તરફ જવાના રોડ પર કેટલાક શખ્સો હથિયારોથી સજ્જ થઈ ધોરીમાર્ગ પરથી પસાર થતા વ્યક્તિઓને લૂંટવાના પ્લાનમાં છે.

આ બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા પી.એન. મોરીના વડપણ હેઠળની એલસીબી ટીમ કાલાવડ તાલુકામાં ધસી ગઈ હતી. ત્યાંથી ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામનો નવાઝ જુમા દેથા, રાજકોટના ઘંટેશ્વરનો અજય કાળુ સોલંકી, પરા પીપળીયાનો અલ્તાફ ઈકબાલ  બેલીમ ઉર્ફે ભાયો, રાજકોટના રૈયાધાર પર રહેતો મીત દિલીપભાઈ વાઘેલા ઉર્ફે ગાંડો તથા વસીમ અબ્દુલ મુસાણી ઉર્ફે અંજુમ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.

આ શખ્સોની તલાશી લેવાતા ચાર મોબાઈલ, ૨૨૦ લીટર કોપર કેબલ, એક ગ્રાઈન્ડર મશીન, છરી, ધારીયુ, કોયતા જેવા ધારદાર હથિયાર અને ધોકા તથા પાઈપ તેમજ એક ઈકો મોટર અને એક એફઝેડ બાઈક, સ્પ્લેન્ડર અને એક્ટિવા સ્કૂટર મળી આવ્યા હતા.

આ શખ્સોને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ હાથ ધરાતા આ શખ્સોએ લૂંટની તૈયારી કરતા હોવાનંુ કબૂલી લીધુ છે અને સિક્કા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુન્હા ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુન્હાની કબૂલાત આપી છે. ઝડપાયેલા નવાઝ દેથા સામે લાલપુર પોલીસ મથકમાં ચોરીના સાત ગુન્હા ઉપરાંત સિટી એ ડિવિઝન, ખંભાળિયા, ભાણવડ અને દ્વારકા, મેઘપર, શેઠવડાળા, જામજોધપુર પોલીસ મથકમાં મળી કુલ ૩૯ ગુન્હા નોંધાયેલા છે.

બીજા આરોપી અલ્તાફ બેલીમ સામે રાજકોટમાં હત્યા, હત્યા પ્રયાસ, જુગાર, મારામારી, દારૂબંધી ભંગના સાત ગુન્હા નોંધાયેલા છે. વસીમ મુસાણી સામે રાજકોટમાં ત્રણ, મિત ઉર્ફે ગાંડા સામે રાજકોટમાં બે અને અજય સોલંકી સામે રાજકોટમાં એક ગુન્હો નોંધાયેલો છે.

આ ટોળકીના મુખ્ય આરોપી નવાઝ દેથા સામે અગાઉ જામનગર તથા દ્વારકા જિલ્લામાં પવનચક્કીના કેબલની ચોરી કરવામાં ઝડપાયો છે. આ શખ્સનું રાજકોટના પરા પીપળીયા ગામમાં રહેણાંક હોવાથી ઘંટેશ્વર નજીક ચાની હોટલે ઉઠલ બેઠક હતી જ્યાં અન્ય ચાર શખ્સ આવતા જતા હોય, ઓળખાણ થઈ હતી અને તે પછી કેબલ ચોરીમાં પૈસા મળે છે તેમ કહી બાકીના ચારને પોતાની સાથે ભેળવી નવાઝે કાલાવડ તાલુકામાં પવનચક્કીના સ્થળે જઈ વાયર ચોરી કરી કરાવી હતી. કેબલમાંથી કોપર વાયર અલગ કરી આ શખ્સો અવાવરૂ સ્થળે લઈ જતા હતા. એલસીબીએ કુલ રૂ.૪,૨૨,૯૮૦નો મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh