Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ તો... આપણું 'ગરવી ગુજરાત'
જામનગર તા. ૪: ભારતના ગુજરાત સિવાયના કોઈપણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે દેશમાં છેલ્લા ૧૧ વર્ષથી શાસન કરનાર ભાજપ દ્વારા એક રાજકીય પક્ષ તરીકે જે તે રાજ્યની જનતા માટે અનેક રાહતો/સહાયના વચનો સાથેનું સંકલ્પપત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કરવામાં આવે છે. ત્યાં જો ભાજપ (ભલે સાથી પક્ષોના જોડાણથી) સત્તા પર આવે તો જાહેર કરેલા સંકલ્પ પત્ર પ્રમાણે રાહત/સહાય આપવાનું પણ મહદ્અંશે ચાલુ કરી દેવામાં આવે છે અને તેવો દાવો કરવામાં આવે છે.
અત્યારે બિહાર વિધાન સભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે.
ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ રાજ્યની મહિલાઓને દસ-દસ હજાર આપવાની જાહેરાત ભાજપ-એનડીએ સરકારે કરી, અને તાબડતોબ લાભાર્થી મહિલાઓના ખાતામાં દસ-દસ હજાર જમા પણ થઈ ગયા...
ચૂંટણી પ્રચારમાં દર વર્ષે એક-બે લાખ બેરોજગારોને નોકરી, વીજળી બીલમાં રાહત, રાંધણ ગેસના બાટલામાં રાહત, મફત મુસાફરી જેવા અનેક વચનો ભાજપે વહેતા મૂક્યા છે, અને અગાઉની અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપે રૂા. પ૦૦ મા ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી હતી. વીજળી બીલમાં મોટી રાહત આપવાની જાહેરાત કરી હતી. અન્ય રોકડ સહાય તો વધારામાં...
આટલા 'પિષ્ટ પીંજણ' પછી માત્ર એટલો જ ઉલ્લેખ કરવાનો કે સાહેબ... ગુજરાતની પ્રજા, ગુજરાતના મતદારો તો તમારા ભાજપને જંગી બહુમતિ સાથે રપ-રપ વર્ષથી સત્તાનું સૂકાન સોંપી રહ્યા છે... અહીં ગુજરાતની જનતાને શા માટે રાંધણ ગેસના બાટલામાં રાહત નહીં, શા માટે વીજળી બીલમાં રાહત નહીં, શા માટે પેટ્રોલ-ડીઝલના જીએસટી દરોમાં રાહત નહીં, શા માટે ખેડૂતોને ખાતર, સાધનો, જંતુનાશક દવા, બિયારણના જીએસટીના દરોમાં રાહત નહીં, શા માટે બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરીની ગેરન્ટી નહીં, શા માટે ફીક્સ પગારની પ્રથા દૂર થતી નથી, શા માટે મહિલાઓ માટે દર મહિને રોકડ સહાય નહીં, શા માટે બાળકોની શિક્ષણ ફીમાં રાહત નહીં વિગેરે...વિગેરે..!
અરે સાહેબ, આ તો ખમીરવંતુ, સમૃદ્ધ ગુજરાત છે, સરકારી સહાય કે ખેરાતની ગુજ્જુ પ્રજાને જરૂર નથી, અને એટલે જ ભાજપ ગુજરાતીઓના આ મિજાજનો પૂરેપૂરો લાભ લઈને અન્ય રાજ્યોમાં જેવા પ્રલોભનો આપવાની જાહેરાતો કરે છે/અમલ પણ કરે છે, તેવી કોઈ દરકાર ગુજરાતમાં કરવામાં આવતી નથી.
ગુજરાતમાં તો બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી સેંકડો/હજારોની સંખ્યામાં ગરીબ લોકો/બેરોજગારો પરિવારો સાથે મજૂરી કામ/નોકરી માટે આવે છે તેથી ગુજરાત તો નોકરીદાતા રાજ્ય છે... અહીં બેરોજગાર છે જ નહીં!
ખેર... અત્યારે સમગ્ર રાજ્યમાં જગતના તાત ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યરે કમ-સે-કમ ખેડૂતોને સંપૂર્ણ સંતોષ થાય તેવી રાહત, ધિરાણ માફી જેવા પગલાં યુદ્ધના ધોરણે લેવાની જરૂર છે... ભાજપના નેતાઓ ખેતરો ખૂંદી રહ્યાના ફોટા છપાય છે, ખેડૂતોને રાહત આપોની રજૂઆત કરવાની હિંમત (કદાચ મોવડી મંડળના આદેશ મુજબ જ) કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉગ્ર આક્રોશ સાથે માગણી કરવામાં આવી છે, ત્યારે આ તમામ રાજકીય ફોટો સેશન, નિવેદનબાજી, રજૂઆતોની પ્રસિદ્ધિને સાઈડમાં રાખીને તાકીદે રેકર્ડરૂપ રાહત પેકેજ જાહેર કરી દેવાની જરૂર છે.
જો કે, કદાચ રાહત પેકેજ ખૂબ મોટું હોય તેવી સ્થિતિમાં સીએમના બદલે દિલ્હીથી પીએમ દ્વારા રાહત પેકેજની જાહેરાત થાય તેવી ગોઠવણી પણ થઈ રહી છે, અને જેવી રાહત પેકેજની જાહેરાત થશે કે ભાજપની સ્ટાઈલ મુજબ ગ્રામ પંચાયતના સભ્યથી લઈ કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદસભ્યો દ્વારા રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઝડપી કામગીરીને બિરદાવતા, રાજ્ય સરકારનો આભાર માનતા નિવેદનોનો મારો ચાલુ થશે. સસ્તી પ્રસિદ્ધિ તો ખરી જ, પણ સાથે સાથે મોવડીમંડળ પાસે વ્હાલા થવાની પણ 'હોડ' લાગશે.
જે હોય તે... ગુજરાતની પ્રજાને પણ અન્ય રાજ્યોમાં જાહેર થતી કે આપવામાં આવતી રાહતો/સહાય ભાજપે આપવી જોઈએ, તેવી લાગણી અસ્થાને તો નથી જ.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial