Advertisement
Author: નોબત સમાચાર

ગણપતિ માત્ર દેવતા નહી સૌથી મોટા શિક્ષક

                                                                                                                                                                                                      

સંસ્કૃતમાં એક વાક્ય છે, 'પ્રસન્ન વદનમ... ધ્યાયેત, સર્વ વિઘ્નોય શાંતયે' એટલે કે જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર હસ્તીઓને યાદ કરો ત્યારે વિઘ્નો દૂર થઈ જાય છે.' એટલા માટે દરેક પૂજા પહેલાં ગણેશજીનું આશ્વાન કરવામાં આવે છે. તેઓ સૌથી વધારે આનંદી હસ્તી ગણાય છે. આદિ શંકરાચાર્ય ગણેશજીને અજન્મા, નિરાકાર, નિર્વિકલ્પ, સર્વવ્યાપી, શક્તિ અને દરેક ઉમંગભર્યા પ્રસંગના આરંભે જે ઉપસ્થિત હોય છે તેવા દેવ તરીકે વર્ણવે છે. તેઓ તમામ ગણોના અધિપતિ છે. એટલે કે વિશ્વના તમામ પરમાણુઓના સમુદાયોના તેઓ એક વૈશ્વિક ચેતના છે, જેને જ્ઞાન દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે.

ગણપતિ જીવનનો આધાર છે, જ્યારે આપણે ગણેશજીની આરાધના કરીએ છીએ ત્યારે તેમનામાં જે સદ્ગુણો છે તે આપણી ચેતનામાં પ્રગટ થવા લાગે છે. તેમની તાકાત, સહનશક્તિ, ઉદારતા, સ્વીકારની ભાવના અને એકાગ્રતા આ તમામ ગુણ જીવનને સંતોષજનક બનાવે છે. ગણેશજીની ઉપાસનાથી જ્ઞાન, બુદ્ધિ અને વિશિષ્ટ ક્ષમતાઓ મળે છે.

આજે ગણેશ ચતુર્થી, આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ક્યાંક ત્રણ દિવસ, ક્યાંક પાંચ દિવસ તો ક્યાંક દસ દિવસ માટે ગણેશજીનું સ્થાપન થાય છે. તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં પૂજાતા ગણેશજી માત્ર દેવતા નથી, પણ સૌથી મોટા શિક્ષક છે. તેમનું જીવન ચરિત્ર આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે...

સૌથી પહેલાં કોની પૂજા થાય એ વાતનો વિવાદ થયો અને નક્કી થયું કે જે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને પહેલાં પરત થશે તે પરમ પૂજ્ય ગણાશે. કાર્તિકેય ઝડપથી વિશ્વનું ચક્કર લગાવવા નીકળી ગયા પણ ગણેશજી આવડા મોટા શરીર સાથે વિશ્વનું ચક્કર કેમ લગાવે? તેમણે માતા પાર્વતી અને પિતા મહાદેવજીની પરિક્રમા કરી લીધી અને માતા-પિતાને સંસાર-વિશ્વ સમાન ગણ્યા, એટલા માટે તેઓ દેવોમાં પ્રથમ પૂજ્ય ગણાય છે.

તેઓ સમજાવે છે કે ભૂલને માફ કરશો તો તમારૃં કદ વધશે. એટલા માટે તેઓ વિશાળ હૃદયના ગણાય છે. પોતાની સુંદરતાના ઘમંડમાં જ્યારે ચંદ્રમાએ ગણેશની હાંસી ઉડાવી, ત્યારે ગણેશજીએ નારાજ થઈને શ્રાપ આપ્યો કે ચંદ્રની ચાંદની કાલિમામાં બદલાઈ જશે, જ્યારે ચંદ્રને ભૂલ સમજાણી અને માફી માંગી ત્યારે ગણેશજીએ ક્ષમા આપી... એમ તેઓ કહે છે કે ભૂલ કરનારને પસ્તાવો થાય તો માફ કરી દો.

ગણેશજી કહે છે કે જે કાર્યને અંત સુધી પાર પાડી શકો એ જ કામ હાથ પર લેવું. ગણેશજીએ મહાભારત લખ્યું છે. લખવા બેસતી વખતે શરત રાખી કે તેઓ લખવાનું શરૂ કરશે, પછી રોકાશે નહીં. વેદવ્યાસજી બોલતા અને ગણેશજી લખતા... લખતા લખતા એકાએક કલમ તૂટી ગઈ.. લખતી વખતે રોકાવવાનું નથી એ શરત ગણેશજીની હતી... હવે? નવી કલમ આવે ત્યાં સુધી રોકાવું પડે, એ સ્થિતિમાં ગણેશજીએ તાત્કાલિક પોતાનો એક દાંત તોડ્યો અને તેનાથી લખવા લાગ્યા.. આથી તેઓ એકદંત કહેવાયા.

ગણેશજીના કાન મોટા છે. શૂર્પ-કર્ણની જેમ...જે રીતે સૂપડાની મદદથી અન્નમાંથી દૂષિત તત્ત્વોને દૂર કરી શકાય છે. તેમ મોટા કાન ખરાબ અને ખોટું સાંભળવાની કુટેવથી બચવાની અને તે પ્રકારે મગજમાંથી કચરો દૂર કરવાની પ્રેરણા આપે છે. તેમની નાની-ઝીણી આંખ એકાગ્રતા જાળવવાનો સંકેત આપે છે.

ગણેશજીએ ઋષિ પરાશારના આશ્રમમાંથી ઉપદ્રવી મુષકને પકડી લીધો અને વાહન બનવા માટે કહ્યું. મુષક તેમનો ભાર સહન ન કરી શક્યો અને તેણે ક્ષમા માંગી. ગણેશજીએ તેને ક્ષમા આપી અને પોતાની મૂર્તિમાં સ્થાન આપ્યું, ગણેશજીની દરેક પ્રતિમામાં મુષક હોય જ છે. ગણેશજીએ સમજાવ્યું કે જેને કોઈ ન સ્વીકારે તેનો સ્વીકાર કરો, તેને અપનાવો.

ગણેશચોથના દિવસે સ્થાપન-પૂજન થાય છે અને ત્રીજા, પાંચમા કે દસમા દિવસે ગણેશજીને જળમાં વિદાઈ અપાય છે. આ ગણેશ સર્જન, ગણેશ પૂજન અને ગણેશ વિસર્જનનું રહસ્ય સમજવા જેવું છે. સર્જન અને વિસર્જન તો પરમાત્માની લીલા છે. પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થાેની ઉત્પત્તિ થાય છે અને પુનઃ તેમનું વિસર્જન થતા પોતાના મૂળ તત્ત્વોમાં એ વિલીન થઈ જાય છે. ગણેશજીની વિદાય ઉત્સવ અને વિસર્જન પ્રકૃતિનું આવું સત્ય શીખવે છે. પાંચ દેવોના પૂજનમાં ગણેશજીનું સ્થાન સૌથી પહેલું છે. શિવ, ગણેશ, શક્તિ, સૂર્ય અને વિષ્ણુ એ પાંચ દેવોની ઉપાસના અનુક્રમે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સાથે જોડાયેલી છે. આ પાંચ તત્ત્વોમાં સૌથી પહેલું જળ ઉત્પન્ન થયેલું, ગણપતિ જળના અધિપતિ દેવ છે. તેથી તેમનું પૂજન સૌથી પહેલા કરાય છે અને વિસર્જન પણ જળમાં કરાય છે. જળ પ્રદૂષિત ન થાય, તેની શુદ્ધિ જળવાય એ માટે આપણા પૂર્વજોએ ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું કહ્યું છે.

ગણેશજી આપણા હૃદયમાં છે. એક બાળકની નિર્દોષતાથી તેમની ભક્તિ કરીશું તો તેઓ સુખ-સમૃદ્ધિ અને પરમાનંદના આશીર્વાદ અવશ્ય આપે છે.

ગણેશ ચોથની શુભેચ્છા...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh