Advertisement
Author: નોબત સમાચાર

વુમન્સ વન ડે વર્લ્ડ કપ મેળવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

હાલાર સહિત રાજ્યભરમાં લોકોએ રાતભર કર્યા વિજયના વધામણાઃ બાવન વર્ષે ભારત બન્યુ ચેમ્પિયનઃ દ. આફ્રિકાને બાવન રને હરાવ્યુઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩: નવી મુંબઈમાં રમાયેલી વુમન્સ વન ડે વર્લ્ડકપની ફાયનલમાં દ.આફ્રિકાને બાવન રને હરાવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યા પછી દેશભરમાં ખુશીનો આનંદ છવાઈ ગયો હતો અને જામનગર, હાલાર સહિત દેશભરમાં તેની ઉજવણી થઈ હતી. સૌ પ્રથમ વખત ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ મેળવતા ઈતિહાસ રચાયો છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર અભિનંદન ઉપરાંત ઈનામોની વર્ષા પણ થવા લાગી છે.

ઈન્ડિયા વુમન્સ ક્રિકેટ ટીમ રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને ૫૨ રનથી વન-ડે વર્લ્ડ કપની ફાયનલમાં હરાવીને વુમન્સ ક્રિકેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ તે પછી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને ક્રિકેટપ્રેમીઓએ રાતભર ઉજવણી કરી છે.

નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાયેલી વુમન્સ વર્લ્ડ કપની ફાયનલ મેચમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી. ભારતે ૭ વિકેટ ગુમાવીને ૨૯૮ રન બનાવ્યા હતાં. શેફાલી વર્માએ ૮૭, દીપ્તિ શર્માએ ૫૮, સ્મૃતિ મંધાનાએ ૪૫ અને રિચા ઘોષે ૩૪ રન બનાવ્યા હતાં. સાઉથ આફ્રિકા તરફથી આયબોન્ગા ખાકાએ ૩ વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે આવેલા આ મોટા ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ટીમ ૨૪૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ટે સદી ફટકારી, પરંતુ ટીમને જિતાડી શકી નહીં. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી.

ભારતે સૌપ્રથમ વખત આ કપ જીત્યો છે. વર્લ્ડ કપ વર્ષ ૧૯૭૩માં થઈ હતી, ત્યારે ભારતે ભાગ લીધો ન હતો. ૧૯૭૮માં ઈન્ડિયા વુમન્સે ડાયના એકડલ્જીની કેપ્ટનશિપમાં પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

આ પહેલાં પણ ૨૦૦૫માં ટીમ ઈન્ડિયા પહેલીવાર ફાયનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ૨૦૧૭માં ભારતે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ફાયનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડે ફાયનલમાં હરાવ્યું.

આ વખતે વર્ષ ૨૦૨૫માં ટીમે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવ્યુ અને ફાયનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી જ લીધી છે.

ઈન્ડિયા વુમન્સ સિનિયર ટીમની આ કોઈપણ ફોર્મેટમાં પહેલી આઈસીસી ટ્રોફી છે. મહિલા ટીમ એકવાર ટી-ટવેન્ટી વર્લ્ડ કપની ફાયનલમાં પણ હારી ચૂકી છે.

આ ટુર્નામેન્ટમાં નોંધપાત્ર બાબત એ રહી હતી કે બન્ને ટીમોની જે ખેલાડીઓની કિસ્મત ખરાબ માનવામાં આવતી હતી, તેમણે જ પોતાની ટીમની કિસ્મત બદલી હતી.

શરૂઆતની મેચમાં ખરાબ ફોર્મને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમેશન જેમિમાહને ડ્રોપ કરી દેવાઈ હતી. એ જ જેમિમાહએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાયનલમાં અણનમ ૧૨૭ રનની ઇનિંગ્સ રમીને ટીમને ફાયનલ સુધી પહોંચાડી હતી. જેમિમાહએ ફાઇનલ મેચમાં ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. તેણે ન્યૂઝીલેન્ડ સામેની 'કરો યા મરો'ની મેચમાં ૭૬ રન પણ બનાવ્યા હતા.

ફાયનલ મેચમાં ભારતીય ટીમની શેફાલી વર્મા ઈન્જરી રિપ્લેસમેન્ટ તરીકે આવી હતી. પ્લેયર ઓફ ધ ફાયનલ બની ગઈ હતી.

ઉલ્લેખનિય છે કે, ઓપનર શેફાલી વર્માને ખરાબ ફોર્મને કારણે એક વર્ષ પહેલાં જ વન-ડે ટીમમાંથી ડ્રોપ કરી દેવાઈ હતી. તેને આ વર્લ્ડ કપના સ્ક્વોડમાં પણ પસંદ કરવામાં આવી નહોતી. ૨૬ ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતની નિયમિત ઓપનર પ્રતિકા રાવલને ઈજા થઈ. શેફાલીને ઇન્જરી રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી. એ જ શેફાલીએ ફાયનલ મેચમાં ૮૭ રનની ઇનિંગ્સ રમી, પછી બોલિંગમાં ૨ મહત્ત્વની વિકેટ લીધી અને દેશને પહેલી ટ્રોફી જિતાડી દીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ ફાઈનલનો એવોર્ડ પણ મળ્યો, ટીમ ઈન્ડિયાએ ફાયનલમાં કરેલો આ ફેરફાર ખરેખર ટોપચેન્જર પુરવાર થયો હતો.

ઓવર ઓલ દૃષ્ટિએ ભારતીય ટીમોએ આઈસીસી કક્ષાએ અત્યાર સુધીમાં શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે. મેન્સ ટીમે બે ઓડીઆઈ વર્લ્ડ કપ, બે ટી-૨૦ વર્લ્ડ કપ અને ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. અંડર-૧૯ સ્તરે, બોય્ઝ ટીમે પાંચ વર્લ્ડ કપ અને ગર્લ્સ ટીમે બે જીત મેળવી છે. હવે, સિનિયર વુમન્સ ટીમે તેનું પહેલું આઈસીસી ટાઇટલ, ઓડીઆઈ વર્લ્ડ કપ જીતીને ભારતને તેની ૧૫મી આઈસીસી ટ્રોફી અપાવી છે. ભારત હવે ફક્ત ઓસ્ટ્રેલિયાથી પાછળ છે, જેણે ૨૭ આઈસીસી ટાઇટલ જીત્યા છે.

વુમન્સ વર્લ્ડ કપ ક્રિકેટ મેચની સાથે સાથે...

વિજેતા ટીમ પર અભિનંદન સાથે કરોડો રૂપિયાના ઈનામોની વર્ષા પણ થવા લાગી

વુમન્સ વર્લ્ડ કપની ફાયનલમાં ભારતે સાઉથ આફ્રિકાને ૫૨ રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ટ્રોફી લેવા પહોંચતા જ ભાંગડા કરવા લાગી હતી. ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલ પણ વ્હીલચેરમાં જીતની ઉજવણી કરવા પહોંચી હતી. અમનજોત કૌરના કેચથી મેચ ભારતની તરફેણમાં થઈ ગઈ. તેણે સદી ફટકારી રહેલી સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટનો કેચ પકડ્યો. ટ્રોફી લેતી વખતે આઈસીસી ચેરમેન જય શાહ સ્ટેજ પર ટ્રોફી આપવા ઉભા હતા. ત્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર સ્ટેજ પર ટ્રોફી લેવા ગઈ હતી. આ દરમિયાન તેણે પહેલા જય શાહ સાથે હાથ મિલાવ્યા અને પછી અચાનક જ તેને પગલે લાગી. જય શાહે તેને રોકી અને પછી ટ્રોફી આપી. મેચ પહેલા સિંગર સુનિધિ ચૌહાણે ભારતીય નેશનલ એન્થમ ગાયું હતું અને ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ તેમની સાથે મેદાન પર હાજર હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે રાષ્ટ્રગીત પહેલાં ટ્રોફી પ્રસ્તુત કર્યા પછી આખી મેચ નિહાળી હતી. તેમની સાથે આઈસીસી ચીફ જય શાહ પણ હાજર હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વીવીએસ લક્ષ્મણ ફાઈનલ મેચમાં હાજર રહ્યા હતા. રોહિત સાથે તેમની પત્ની રિતિકા અને પુત્રી સમાયરા પણ હતી. રોહિત શર્માને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કર્યો હતો.

મેચની કેટલીક ધ્યાનકર્ષક પળો

ભારતીય ટીમ બેટીંગ કરવા ઉતરી હતી. તે પછી ભારતની ઓપનર શેફાલી વર્માને ૨૧મી ઓવરમાં લાઇફ લાઇન મળી હતી. સુને લુસે ઓવરનો પહેલો બોલ ગુડ લેન્થથી ફેંક્યો, તે મોટો શોટ માર્યો, પરંતુ બોલ હવામાં ગયો. ડીપ મિડ-વિકેટ પર રહેલી એનેકે બોશે કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો. તે ત્યારે ૫૭ રન પર બેટિંગ કરી રહી હતી.

ભારતની શેફાલી વર્માને ૨૫મી ઓવરમાં બેટિંગ કરતી વખતે સ્નાયુઓમાં ખેંચાણ થઈ ગઈ, જેના કારણે રમત બંધ કરવી પડી. ટીમ ફિઝિયોએ તપાસ્યા પછી શેફાલીએ બેટિંગ ચાલુ રાખી.

૨૬મી ઓવરમાં, શેફાલી વર્માએ ફ્રી હિટ પર શોટ ન રમ્યો. અયાબોંગા ખાકાએ ઓવરનો પાંચમો બોલ ફેંક્યો, તેને ઓફ સાઇડ પર વાઇડ પીચ કર્યો. તેને લાગ્યું કે તે વાઇડ જશે, તેથી તે શોટ રમી નહીં, પરંતુ બોલ અંદર આવ્યો. જોકે, તેણે બીજા જ બોલ પર ફોર ફટકારી.

૩૭મી ઓવરના પહેલા બોલ નદીન ડી ક્લાર્કે ગુડ લેન્થ પર ફેંક્યો. બોલ દીપ્તિના પેડ્સ પર લાગ્યો. સાઉથ આફ્રિકાએ એલબીડબલ્યુની અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપી દીધો. દીપ્તિએ કેપ્ટન હરમન સાથે ચર્ચા કર્યા પછી રિવ્યૂ લીધો. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ લેગ-સ્ટમ્પની બહાર પીચ થયો હતો. ફીલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો અને દીપ્તિ નોટઆઉટ જાહેર કરી.

ભારતીય ઇનિંગ્સની અંતિમ ઓવરના છેલ્લા બોલ પર રાધા યાદવે પોતાના હાથમાં બેટ ગુમાવ્યું. તે નાદીન ડી ક્લાર્કની બોલિંગ પર એક મોટ શોટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ ફુલ ટોસ હતો, અને તેણે તેને માર્યો, પરંતુ બેટ તેના હાથમાંથી સરકી ગયું. બોલ કવર તરફ ગયો.

રાધા અને દીપ્તિ શર્માએ બે રન લેવાનો પ્રયાસ કર્યો. બંને બેટર્સ પીચની વચ્ચે હતા ત્યારે ક્લો ટ્રાયોને એક શાર્પ બોલ ફેંક્યો અને વિકેટકીપર સિનાલો જાફ્ટાએ બોલ પકડીને બેલ્સ ઉડાડી દીધા.

આઈસીસી વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમો

વર્ષ   વિજેતા ટીમ         રનરઅપ ટીમ

૧૯૭૩          ઈંગ્લેન્ડ   ઓસ્ટ્રેલિયા

૧૯૭૮          ઓસ્ટ્રેલિયા           ઈંગ્લેન્ડ

૧૯૮૨          ઓસ્ટ્રેલિયા           ઈંગ્લેન્ડ

૧૯૮૮          ઓસ્ટ્રેલિયા           ઈંગ્લેન્ડ

૧૯૯૩          ઈંગ્લેન્ડ   ન્યુઝીલેન્ડ

૧૯૯૭          ઓસ્ટ્રેલિયા           ન્યુઝીલેન્ડ

૨૦૦૦          ન્યુઝીલેન્ડ            ઓસ્ટ્રેલિયા

૨૦૦૫          ઓસ્ટ્રેલિયા           ભારત

૨૦૦૯          ઈંગ્લેન્ડ   ન્યુઝીલેન્ડ

૨૦૧૩          ઓસ્ટ્રેલિયા           વેસ્ટ ઈન્ડીઝ

૨૦૧૭          ઈંગ્લેન્ડ   ભારત

૨૦૨૨          ઓસ્ટ્રેલિયા           ઈંગ્લેન્ડ

૨૦૨૫          ભારત     સા. આફિક્રા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh