Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ૧૧ આંગણવાડીમાંથી રાંધણગેસના બાટલા ઉઠાવી જનાર સસ્પેન્ડ શિક્ષક ઝડપાયા

દ્વારકા તથા પોરબંદરમાંથી પણ ૧૫ બાટલાની ચોરીની કબૂલાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાની ૧૧ આંગણવાડીમાંથી છેલ્લા છ મહિનામાં રાંધણગેસના ૧૧ બાટલાની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ ખંભાળિયાના એક સસ્પેન્ડ શિક્ષકને પકડી પાડ્યો છે. તેણે જામનગરની ૧૧, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦ તથા પોરબંદરની પાંચ આંગણવાડીમાંથી રાંધણગેસના બાટલાની ચોરી કર્યાની કબૂલાત કરી છે. ૧૮ બાટલા, બાઈક, મોબાઈલ કબજે કરાયા છે.

જામનગરના લાખાબાવળ ગામ ઉપરાંત સિક્કા, રાવલસર, સરમત અને લાલપુરના દલતુંગી, જસાપર, નવી પીપર, પડાણા, મોટા લખીયા, મીઠોઈ, ખટીયા ગામમાં આવેલી ૧૧ આંગણવાડીમાંથી છેલ્લા છએક મહિનામાં રાંધણગેસના બાટલાઓની ચોરી થઈ હતી. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ખોટડી ઉપરાંત ખંભાળિયાના શેઢા ભાડથર, દ્વારકા નજીક ચરકલા, કુરંગા, વાડીનાર, કલ્યાણપુરના હર્ષદ-ગાંધવી, ગુરગઢ, આશિયાવદર, ચપર ગામમાં દસ આંગણવાડીમાંથી અને પોરબંદરના ભોમીયાવદર, અડવાણા, સોઢાણા, બગવદર, ખાંભોદર ગામમાં પાંચ આંગણવાડીમાંથી રાંધણગેસના બાટલા ચોરાઈ ગયા હતા.

આ ગુન્હાની તપાસ જામનગર પોલીસ દ્વારા શરૂ કરાયા પછી એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. જેમાં અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, ઘનશ્યામ ડેરવાડીયા, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે દરેડ નજીકથી મૂળ ખંભાળિયાના ગાયત્રીનગરમાં રહેતા કાંતિલાલ ડાયાભાઈ નકુમ નામના શખ્સને દબોચી લેવાયો છે.

આ શખ્સની શરૂ કરાયેલી પૂછપરછમાં તેણે છેલ્લા છ મહિનામાં જામનગર જિલ્લામાં ૧૧, દ્વારકા જિલ્લામાં ૧૦ અને પોરબંદર જિલ્લામાં ૫ાંચ આંગણવાડી મળી કુલ ર૬ આંગણવાડીમાંથી રાંધણગેસના બાટલા ચોર્યાની કબૂલાત કરી છે. આ શખ્સ દરેડમાં એક અવાવરૂ ઓરડીમાં ગેસના બાટલા સગેવગે કરતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી ૧૮ બાટલા, એક મોબાઈલ તથા બાઈક અને લોખંડનો સળીયો, ડીસમીસ કબજે કરાયા છે.

ઉપરોક્ત આરોપીની પૂછપરછમાં ખૂલ્યા મુજબ આ શખ્સ અગાઉ ખંભાળિયાના કોટા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. આ શખ્સ ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતા તેણે પોતાની જ શાળામાંથી લેપટોપની ચોરી કરી હતી. તે પછી ચોરીના રવાડે ચઢી ગયેલા કાંતિલાલ નકુમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેની સામે ગયા વર્ષે ખંભાળિયા પોલીસ મથકમાં ચોરીનો એક ગુન્હો અને જુગારનો એક ગુન્હો નોંધાયેલો હતો.

આજે આ શખ્સને લાલપુરના એએસપી પ્રતિભાએ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફને સાથે રાખી પત્રકારો સમક્ષ રજૂ કરી વિગતો આપી હતી. આ શખ્સે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક હોટલ સંચાલકોને આઠ જેટલા બાટલા આપી દીધાનું કબૂલ્યું છે તે બાટલા પણ કબજે કરવાની તજવીજ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh