Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઋણ સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન
આજે તા. ૧૭ મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ લેખ પ્રસ્તુત કરી અમૃતકાળના સ્વપ્ન દૃષ્ટા મોદીજીનો તમામ ગુજરાતીઓ વતી 'આભાર મોદીજી'ના ઉલ્લેખ સાથે ઋણ સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન પાઠવ્યા છે.
નરેન્દ્ર મોદીજી... માત્ર એક નામ નથી, પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવે, ત્યારે તેના આત્મવિશ્વાસનો આધાર છે. આયુષ્માન ભારત યોજનાથી વગર કોઈ ખર્ચે શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત કરનારા વ્યક્તિના ભાવાશ્રુનું કારણ છે મોદીજી.
પોતે સંઘર્ષ વેઠીને અને પડકારો ઝીલીને પણ રાષ્ટ્રના જન-જનના જીવનને સમૃદ્ધ કરનારા અને વિકસિત ભારત ૨૦૪૭ માટેનો સંકલ્પ લઈને ચાલતા નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત જીવનનું ૭૫મું વર્ષ એ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે એક અમૃતમય બાબત ગણી શકાય.
ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા-જતા સેનાના જવાનોની સેવાના અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવનારા બાળ નરેન્દ્રથી લઈને વડાપ્રધાન તરીકે જીવનની પ્રત્યેક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર નરેન્દ્રભાઈની આ રાષ્ટ્રસેવા જ સાચા અર્થમાં તેઓનું વ્યક્તિગત જીવન છે. મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે. પરંતુ તેમના ૭૫માં જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 'આભાર મોદીજી' કહેવાની તક મળી છે.
ભાજપમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીની જવાબદારીથી લઈને આજે ભાજપને વિશ્વના સૌથી મોટા પક્ષ સુધી પહોંચાડવાના આ મહાયજ્ઞમાં મોદી સાહેબે પણ પોતાના સમય અને શક્તિની આહુતિ આપવાનું કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી
જ્યારે મોદીજીએ ગુજરાતમાં શાસનધૂરા સંભાળી ત્યારે કચ્છમાં આવેલા ભૂકંપ, વાવાઝોડા, પ્રજાનો શાસન વ્યવસ્થામાં અવિશ્વાસ, નિરાશાનું વાતાવરણ, અસંતુલિત અર્થવ્યવસ્થા જેવી બાબતોથી ગુજરાત ઘેરાયેલું હતું અને સબળ તથા સક્ષમ નેતૃત્વની લોકોને અપેક્ષા અને આશા હતી.
૭મી ઓક્ટોબર ૨૦૦૧ના ગુજરાતને એક એવું નેતૃત્વ મળ્યું જેણે ટેન્કર રાજ, માફિયા રાજ, કર્ફ્યુ રાજ જેવા બધા 'નકારાત્મક રાજ'ને વિદાય આપી અને સાચા અર્થમાં 'વિકાસરાજ'ને પ્રસ્થાપિત કર્યું.
ગુજરાત બન્યું ગ્રોથ એન્જિન
વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૧૪ સુધીનો સમયગાળો ગુજરાત માટે અનોખો રહૃાો. વિકાસનાં ઉચ્ચત્તમ ધોરણો પ્રસ્થાપિત કરવાની શરૂૂઆત મોદીજી એ પંચશક્તિ (જળ, જન, રક્ષા, ઊર્જા અને જ્ઞાન)ના સફળ આયોજન થકી કરી. જેના કારણે પ્રજાને સ્પર્શતા અગત્યના ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું.
જો નિયત સાફ હશે તો પ્રજાનો સાથ હંમેશા મળી રહેશે. સક્રિય રાજનીતિના આ ૨૪ વર્ષ અને એકપણ કાળી ટીલી નહીં. આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આવું વ્યક્તિત્વ અને આવી લોકપ્રિયતા ભાગ્યે જ અન્ય કોઈ નેતાએ પ્રાપ્ત કરી હશે અને તેની પશ્ચાદભૂમાં છે, અથાક પ્રયત્ન, કઠોર પરિશ્રમ, અદના માનવીનું કલ્યાણ કરવાની વૃત્તિ, ટેક્નોલોજીનો પારદર્શિતા સાથે મહત્તમ ઉપયોગ અને નાવિન્યપૂર્ણ બાબતોને અપનાવવાની માનસિકતા.
ગુજરાતમાં ઉર્જા ક્રાંતિથી અંધારા ઉલેચ્યા
મોદીજીએ જ્યારે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે અપુરતી વીજળી, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓનો અભાવ અને મર્યાદિત આંતરમાળખાકિય સુવિધાઓનો પડકાર હતો. નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામ યોજનાથી ચોવિસ કલાક વીજળી છેક ગામડાઓ સુધી પહોંચાડી.
સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્ક અને ગ્રીન ગ્રોથને વેગ આપ્યો એટલું જ નહિ, પર્યાવરણના પડકારોને પહોંચી વળવા દેશ ભરમાં પહેલીવાર ક્લાયમેટ ચેન્જ વિભાગ પણ તેમણે કાર્યરત કરાવ્યો.
ગુજરાતમાં વાવ્યાં કૃષિક્રાંતિના બીજ
મોદીજીએ ગુજરાતના કૃષિ વિકાસ દરને ડબલ ડિજિટ પર પહોંચાડ્યો. 'સુજલામ સુફલામ' અને 'સૌની' યોજના અને રાજ્યવ્યાપી વિરાટ કેનાલ નેટવર્ક તૈયાર કરીને મા નર્મદાના નીર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડ્યા.
'કૃષિ મહોત્સવ'ની પહેલ તો સમગ્ર દેશ માટે અનુસરણીય બની રહી. લેબ ટુ લેન્ડના સૂત્ર સાથે કૃષિ વૈજ્ઞાનિકોના જ્ઞાનનો સીધો લાભ ખેડૂતોને મળવા લાગ્યો. સાથે જ, સોઈલ હેલ્થ કાર્ડ થકી ખેડૂતો પોતાની જમીનની પ્રકૃતિ અને ગુણવત્તાના આધારે ખેતી કરતા થયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે એક સમયે ગુજરાતના અનેક ખેડૂતો, જે માત્ર વરસાદ પર આધારિત રહેતા, તે વર્ષમાં ત્રણ-ત્રણ પાક લેતા થયાં.
આજે તો સમગ્ર દેશમાં કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોના ખાતામાં પ્રતિવર્ષ રૂ. ૬૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે જ, લઘુત્તમ ટેકાના ભાવમાં માતબર વધારો કરીને મોદીજીએ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે.
યુવા બન્યા 'નૂતન ગુજરાત નૂતન ભારત'ના ઘડવૈયા
મોદીજીએ યુવાનોમાં પડેલી નૈસર્ગિક ક્ષમતાઓને વિકસાવીને તેમના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂક્યો. તેમના નેતૃત્વમાં ગુજરાતમાં એક બાજુ સેક્ટર-સ્પેસિફિક યુનિવર્સિટીઝનું નિર્માણ શરૂ થયું, તો બીજી બાજુ, રોજગાર મેળાઓ શરૂૂ કરીને સરકાર ઉદ્યોગગૃહો અને યુવાનો વચ્ચેનો સેતુ બની.
આજે તો ભારતના યુવાનોને જોબ સીકર નહીં, પરંતુ જોબ ગીવર બનાવવાના લક્ષ્ય સાથે મોદીજીએ સમગ્ર દેશમાં 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા'ના માધ્યમથી યુવાનોને ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ શરૂૂ કરવા તમામ પ્રકારની મદદ પૂરી પાડી છે. ગુજરાત પણ આઈ-ક્રિએટથી લઈને આઈ-હબ જેવી સંસ્થાનોના માધ્યમથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં મોખરે રહૃાું છે.
ખેલ મહાકુંભ/ ખેલો ઈન્ડિયા
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે 'ખેલ મહાકુંભ'નો પ્રારંભ કરાવીને ગુજરાતમાં સ્પોર્ટ્સની ઈકો-સિસ્ટમ વિકસાવી, અને આજે, 'ખેલો ઈન્ડિયા' પહેલના કારણે ભારતના અનેક પ્રતિભાશાળી રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશને મેડલ્સ અપાવીને ભારતનું ગૌરવ વધારી રહૃાા છે. અમૃતકાળની આ અમૃતપેઢી માટે મોદીજીએ આસમાન આંબવાના અવસરો પૂરા પાડ્યા છે.
નારીશક્તિનું સાચા અર્થમાં સન્માન
મોદીજી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલાઓ માટે અલાયદો વિભાગ સરકારમાં શરૂ કર્યો. ચિરંજીવી યોજના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ૫૦ ટકા અનામત, મહિલા ઔદ્યોગિક પાર્કની સ્થાપના જેવી પહેલથી 'નારીશક્તિ'ને સાચા અર્થમાં શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી.
આમ, તેમણે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ 'જીવાયએએન'થી ગુજરાતના સર્વાંગી વિકાસનો સંગીન પાયો નાખ્યો છે.
પ્રવાસન ક્ષેત્રને મળી નવી ઊંચાઈઓ
મોદીજીના શાસનકાળ પહેલા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર સુયોગ્ય સ્થિતિમાં ન હતું, પરંતુ આજે કચ્છનું ધોરડો અને રણોત્સવ વૈશ્વિક ફલક પર બિરાજમાન છે. ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે.
કચ્છમાં ભૂકંપ પછીના ઝડપી પુનર્વસનની સ્મૃતિમાં નિર્માણ થયેલું સ્મૃતિવન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત સાસણ ગીર, સાપુતારા, ધરોઈ, ધોળાવીરા જેવાં સ્થળો આજે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહૃાા છે. સરદાર વલ્લભભાઈ પટેલની મહાનતા અને એમના કર્તૃત્વની ઓળખ સમગ્ર વિશ્વને થાય તે માટે નર્મદા જિલ્લાના એક્તા નગર ખાતે બનાવેલ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પર્યટનનો પર્યાય બન્યું છે. આજે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે, તેના મૂળમાં નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ કારણભૂત છે.
વિકાસ પણ, વિરાસત પણ મંત્ર
વાઈબ્રન્ટ નવરાત્રિ, વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમદાવાદનો સમાવેશ, સોમનાથ મંદિરની કાયાકલ્પ, અંબાજી, પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ વગેરે મોદીજીના 'વિકાસ પણ, વિરાસત પણ'ના મંત્રનો ઉદઘોષ અને વાસ્તવિક અમલીકરણ પણ છે.
વાઈબ્રન્ટ ઔદ્યોગિક ક્ષેત્ર, એક આગવું પ્રદાન
વાઈબ્રન્ટ શબ્દ જાણે ગુજરાત માટે જ બન્યો હોય એવી પ્રતીતિ થાય છે. વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં લાખ્ખો લોકોને રોજગારી મળી અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઊભી થઈ. ગિફ્ટ સિટી, ધોલેરા, એસ.આઈ.આર., ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેવી પહેલો થકી ગુજરાત આજે ઉદ્યોગ જગત માટે પસંદગીનું રાજ્ય બન્યું છે.
અવિરત વિકાસની દિશા ખોલી આપતી અનેક વિકાસ ભેટ ગુજરાતને આપી છે
વડાપ્રધાન તરીકેનો કાર્ય સંભાળ્યા બાદ ૧૭ જ દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી તથા ગુજરાતની જનતાને બૂલેટ ટ્રેનની ભેટ આપી.
આ ઉપરાંત લોથલ ખાતે નિર્માણાધિન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે તૈયાર થયેલ અને તાજેતરમાં જ લોકાર્પિત થયેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, રાજકોટને મળેલ હિરાસર એરપોર્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને એઈમ્સ જેવી સુવિધાઓ માટે, કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફ્ટના ઉત્પાદનની સુવિધા, મેટ્રો ટ્રેન, ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ એવા સુદર્શન સેતુ, નવસારીમાં પી.એમ. મિત્ર પાર્ક અને ભાવનગરના વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી. ટર્મિનલ પોર્ટ વગેરે માટે ગુજરાતની જનતા તેમની આભારી છે.
મોદીજી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, જો સ્વયંમાં વિશ્વાસ અને જનતા જનાર્દનનો પ્રેમ સાથે હોય તો કલ્પનાતિત પરિણામો હાંસલ કરી શકાય છે. આજે ભારતના લોકો મોદીજીને એક નેતા તરીકે નહીં પરંતુ વિકસિત ભારતના ઘડવૈયા તરીકે જોઈ રહૃાા છે. તેમના ૭૫મા જન્મદિવસ અવસરે મોદીને આપણે એટલું અવશ્ય કહી શકીએ કે, આપે કંડારેલા વિકાસના રાજમાર્ગ પર ગુજરાત અવિરતપણે આગળ વધતું રહેશે અને વિકાસના અસીમ અજવાળા જગમાં પાથરતું રહેશે. મોદીજીના જ શબ્દોમાં કહીએ તો.. અમે અજવાળા પાથરશું, જગમાં અજવાળા પાથરશું. એકતા, સમતા, મમતાને અમે જતન કરી જાળવશું, અમે અજવાળા પાથરશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial