Advertisement
Author: નોબત સમાચાર

આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ સચોટ ભવિષ્યવાણી નહીં જ કરી શકે તેવી મારી આગાહી છે!

આગાહીઓની અકળ દુનિયામાં અગોચર જ્ઞાન અને ગણતરીઓનું બહુ મહત્ત્વ છે

                                                                                                                                                                                                      

કંસને આકાશવાણી સંભળાઈ હતી કે, દેવકીનું નવમું સંતાન તારૃં મોત કરશે!

ધરતી ઉપરની આ પ્રથમ આગાહી કહેવાય! સતયુગમાં આગાહીઓ મોટાભાગે આકાશવાણી દ્વારા થતી હોવાનું જાણવા મળે. સતયુગ પછી આ ૨૭મો કળયુગ ચાલે છે તેવું વિદ્વાનો કહે છે. યુગ બદલાતા રહૃાા તેમ તેમ આગાહી અને વર્તારાના પ્રકારો પણ બદલાતા રહયા. માણસ માત્રને ભવિષ્ય જાણવાની અત્યંત તાલાવેલી હોય છે. નોસ્ટ્રાડેમસથી લઈને અંબાલાલ પટેલ સુધીના લોકો સતત છવાયેલા રહે છે. ૨૦૦૧ માં કચ્છના ભૂકંપની આગાહી કરનાર અમરેલીના જ્યોતિષ જયપ્રકાશ માઢક રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા હતા. આજકાલ તે ક્યાં છે, શું કરે છે તે જાણમાં નથી!

મારૂ માનવું છે કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ બધું કરી શકશે, પરંતુ સચોટ ભવિષ્યવાણી તો નહીં જ કરી શકે? વિજ્ઞાન માટે પણ આગાહી કરવી અશક્ય છે. જે દિવસે એ.આઈ. મનુષ્યો માટે સચોટ ભવિષ્યવાણી કરશે તે દિવસ દુનિયાના ઇતિહાસમાં અમર થઈ જશે અને તેનો શોધક વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બની જશે તેવી મારી આગાહી છે!

સેલિબ્રિટી બેજાન દારૂવાલા દેશના પ્રસિદ્ધ જ્યોતિષ હતા અને 'ગણેશા સ્પીક્સ' તેમની બ્રાન્ડ હતી. તેમના ગ્રાહકોમાં ઉચ્ચ ધનીકો, નામી સિને તારકો, રાજકારણીઓ અને વિદેશીઓનો સમાવેશ થતો હતો.

આજની એન્જિઑગ્રાફીમાં આગાહીના અગમન નિગમની વાતો કરવી છે. જેમ ફેમિલી ડૉક્ટર હોય છે તેમ ફેમિલી જ્યોતિષ પણ હોય છે. ગુજરાતીઓ મોટાભાગે પુત્ર-પુત્રીના લગ્નપ્રસંગે ગ્રહ મેળાપ માટે જ્યોતિષીઓનો આસરો લેતા હોય છે.

નોસ્ટ્રાડેમસ

નોસ્ટ્રાડેમસ ૧૬ મી સદીના એક જાણીતા ફ્રેન્ચ જ્યોતિષી હતા. તે ચિકિત્સક અને લેખક હતા. તે સમયે જ્યોતિષવિદ્યાને અભ્યાસનું એક કાયદેસર અને ઉપયોગી ક્ષેત્ર માનવામાં આવતું હતું. તેમણે શ્રીમંત લોકો માટે જ્યોતિષીય સલાહકાર તરીકે કામ કર્યું અને ૧૫૫૦માં આગાહીઓ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. તમને વાર્ષિક પંચાંગ દ્વારા નોંધપાત્ર ખ્યાતિ મેળવી, જેમાં તેમની ગણતરીઓના આધારે આગામી વર્ષ માટે હવામાનની આગાહીઓ અને સામાન્ય જીવન માટેની આગાહીઓનો સમાવેશ થતો હતો.

ફ્રાન્સના રાજા હેનરી ૨ ના મૃત્યુ (૧૫૫૯)ની આગાહીએ નોસ્ટ્રાડેમસને બહુ ખ્યાતિ આપવી. તેમણે રાજાના મૃત્યુની સીધી આગાહી નહોતી કરી, પરંતુ સાંકેતિક ભાષામાં કરી હતી. તે સમયે રાજાના મૃત્યુ બાબતે બોલનારને મૃત્યુદંડ આપવામાં આવતો હતો તેથી તેમને સાંકેતિક ભાષા વાપરી હતી. નોસ્ટ્રાડેમસે તેમની પ્રકાશિત આગાહીઓ ''ન્યાયિક જ્યોતિષ'' પર આધારિત હોવાનો દાવો કર્યો હતો. અવકાશી ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાની કળામાં તે માહિર હતા. જોકે, તેમના સમયના વ્યાવસાયિક જ્યોતિષીઓ દ્વારા તેમના અભિગમની ટીકા કરવામાં આવી હતી.

''ધ પ્રોફેસીસ'' તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે. તે રહસ્યમય, ચાર-પંક્તિના કાવ્યાત્મક શ્લોકો (ક્વાટ્રેન)નો સંગ્રહ છે, જે કથિત રીતે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરે છે. આ ભવિષ્યવાણીઓ અસ્પષ્ટ, પ્રતીકાત્મક ભાષાનો ઉપયોગ કરીને લખવામાં આવી હતી. જેને ઉકેલવું બહુ કપરૃં રહૃાું. એમને ફ્રાન્સનો બળવો, નેપોલિયન બોનારપાર્ટ અને એડોલ્ફ હિટલરનો ઉદય, હિરોસીમામાં અને નાગાસાકી ઉપર પરમાણુ હુમલો, જોન એફ કેનેડીની હત્યાની આગાહીઓ પણ કરી હતી. એ ૧૫૦૩ થી ૧૫૬૬ એટલે કે ૬૩ વર્ષ જીવ્યા હતા.

બાબા વાંગા

અત્યારે બાબા વાંગા ભવિષ્યવાણીઓ બાબતે ટ્રેન્ડમાં છે. તેમના નામે ચિત્ર વિચિત્ર આગાહીઓ પણ ચલાવવામાં આવી રહી છે.

બાબા વાંગા કોણ છે? બાબા વાંગા (વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા), અંધ બલ્ગેરિયન રહસ્યવાદી વ્યક્તિ હતા. જેને ઘણીવાર ''બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ'' કહેવામાં આવે છે, તેઓ ૧૯૧૧ થી ૧૯૯૬ સુધી જીવ્યા અને ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાનો દાવો કર્યો. તેમની આગાહીઓ, જે મૌખિક રીતે પસાર થઈ અને પછી અનુયાયીઓ દ્વારા અર્થઘટન કરવામાં આવી, તે રહસ્યમય છે અને ચોકસાઈ માટે ચર્ચામાં છે. ઘણી આગાહીઓનો સફળતા દર ૮૫ ટકા હોવાનું કહેવાય છે, જેમાં અમેરિકામાં ૯/૧૧ હુમલા, કુર્સ્ક સબમરીન દુર્ઘટના, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને ચેર્નોબિલ પરમાણુ અકસ્માત જેવી ઐતિહાસિક ઘટનાઓ સાથે સુસંગત છે. આગામી વર્ષો અને તે પછીની તેમની કેટલીક સૌથી નોંધપાત્ર ભવિષ્યવાણીઓ છે, જે મુખ્ય વૈશ્વિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય ભવિષ્ય આગાહીઓમાં શક્ય હોય ત્યાં તેમની સૌથી વધુ ચર્ચિત આગાહીઓને કાલક્રમિક રીતે ગોઠવી છે.

૨૦૨૫ના આગામી સમયમાં યુરોપમાં એક વિનાશક યુદ્ધ અથવા સંઘર્ષ ખંડને તબાહ કરશે, જેના કારણે વસ્તીમાં ભારે ઘટાડો અને ભૂ-રાજકીય ઉથલપાથલ થાય છે. આ ઘટના વર્તમાન સંઘર્ષ, તણાવ સાથે જોડાયેલી છે, જે વર્તમાન પ્રાદેશિક વિવાદોથી ભરપુર છે.

દવા અને ટેલિપેથીમાં સફળતાઓની વિપુલ તકો છે. લેબ-વિકસિત માનવ અંગો વ્યવહારૂ બનશે, ટ્રાન્સપ્લાન્ટમાં ક્રાંતિ આવશે. માનવીઓ ટેકનોલોજી અથવા ઉત્ક્રાંતિ દ્વારા ટેલિપેથિક ક્ષમતાઓ વિકસાવશે અને  મન-થી-મન વાતચીતને સક્ષમ બનાવશે. માનવતાને એલિયન જીવનના પુરાવા મળશે, સંભવતઃ એક વિશાળ અવકાશયાન આગમન દ્વારા, વૈશ્વિક આકર્ષણ અને અસ્તિત્વના પ્રશ્નો ઉભા કરશે. દરિયાઈ સ્તરમાં વધારો થશે જેથી પર્યાવરણીય સંકટ વધશે.

૨૦૨૬ના વર્ષ માટે બહુ નિરાશાજનક અગાહીમાં તે કહે છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે, પૂર્વમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે, જેમાં પરમાણુ જોખમો સામેલ છે અને વ્યાપક વિનાશ તરફ દોરી જાય છે. આ વર્ષમાં કૃત્રિમ બુદ્ધિ (એ.આઈ.) અનિયંત્રિત રીતે વધે છે, અસ્તિત્વના જોખમો ઉભા કરે છે કારણ કે, તે માનવતા માટે ખૂબ શક્તિશાળી બની જાય છે. બાબાએ ૪૦-૫૦ વર્ષ પહેલાં એ.આઈ. બાબતે વાત કરી હતી તે પણ બહુ મોટું આશ્ચર્ય છે. આ વર્ષમાં આપત્તિજનક કુદરતી આફતો આવશે. મોટો, ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવો અને ભારે હવામાન પૃથ્વીના ભૂમિભાગના ૧૦% સુધીનો નાશ કરી શકે છે, જે આબોહવા પરિવર્તનને કારણે વધુ ખરાબ થશે.

નોસ્ટ્રાડેમસ અને બાબા વાંગા પાસે કોઈ આધુનિક જ્ઞાન કે સાધનો ન હતા, આમ છતાં તેમની આગાહીઓ મોટા આશ્ચર્યો સર્જે છે. તેમની પાસે કોઈ અગોચર જ્ઞાન અને ગણતરીઓ હતી.

સાધનો

ભવિષ્યવાણી કરવા માટે પ્રાચીનથી લઈ અર્વાચીન સુધીના અનેક સાધનો અને પદ્ધતિઓ અમલમાં છે. હવે તો સેટેલાઈટ પણ મૌસમની આગાહીઓ કરવા લાગ્યા છે. જે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ગ્રહો, નક્ષત્રો, જન્મ સમય, ગામ, જન્મ કુંડળી, પોપટ, ટેરો કાર્ડ, પાસા, અંક ગણિત, હસ્તરેખા જેવા અનેક સાધનો દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. જન્મ કુંડળીઓ હવે કોમ્પ્યુટરમાં બને છે અને કોમ્પ્યુટર જ ફળાદેશ આપે છે. જો કે તેની ચોક્કસતાની ટકાવારી બહુ જૂજ હોય છે. કેટલાંક અગાહીકારો માતાજીનો આશરો પણ લેતા હોય છે. ભવિષ્યવાણીઓ કેટલા પ્રમાણમાં સાચી પડે છે તે બાબતે પણ કોઈ આધારભૂત સર્વે ઉપલબ્ધ નથી.

દેશમાં આ ક્ષેત્રના કેટલાંક નામાંકિત લોકોની નામાવલી અત્રે પ્રસ્તુત છે.

વરાહમિહિરઃ ભારતીય જ્યોતિષશાસ્ત્રના પિતા તરીકે માનવામાં આવે છે. વરાહમિહિર છઠ્ઠી સદીના અગાહીકાર હતા જેમનું સ્મારક કાર્ય, બૃહત સંહિતા, અને બૃહત હોરા શાસ્ત્રમાં આગાહીયુક્ત જ્યોતિષ પરના તેમના કાર્યથી આ ક્ષેત્ર માટે પાયાના સિદ્ધાંતો સ્થાપિત થયા.

કે.એન. રાવ (કોટામરાજુ નારાયણ રાવ): આધુનિક ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં એક આદરણીય વ્યક્તિ, તેમના વ્યાપક સંશોધન, અસંખ્ય પુસ્તકો અને દેશમાં જન્માક્ષરોના સૌથી મોટા વ્યક્તિગત સંકલન માટે જાણીતા છે. તેઓ નવી દિલ્હીમાં ભારતીય જ્યોતિષ વિજ્ઞાન પરિષદ (આઈસીએએસ)ના સ્થાપક સભ્ય અને સલાહકાર છે.

બેજન દારૂવાલાઃ એક સ્વર્ગસ્થ, વ્યાપકપણે લોકપ્રિય સેલિબ્રિટી જ્યોતિષી જે વૈદિક, અંકશાસ્ત્ર અને ટેરોટ સહિત વિવિધ જ્યોતિષ પ્રણાલીઓના મિશ્રણ માટે જાણીતા છે. તેઓ તેમની સચોટ સામાન્ય અને સેલિબ્રિટી આગાહીઓ માટે પ્રખ્યાત હતા.

ડો. સોહિની શાસ્ત્રીઃ વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં તેમની કુશળતા માટે જાણીતા એક પુરસ્કાર વિજેતા જ્યોતિષી. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે અને તેઓ ઘણા અગ્રણી વ્યક્તિઓ માટે વિશ્વસનીય સલાહકાર છે.

અજય ભામ્બીઃ ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતું ભારતમાં ઘરગથ્થુ નામ, રાષ્ટ્રીય ઘટનાઓ પર તેમના નિયમિત ટેલિવિઝન દેખાવ અને સચોટ આગાહીઓ માટે જાણીતા છે.

ડો. હેમંત બરૂઆઃ તેમની નવીન ''ત્રિમાયાશા ઉપાય તકનીક'' અને વૈદિક જ્યોતિષ પ્રત્યે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અભિગમ માટે જાણીતા.

પરાશરઃ વૈદિક પરંપરામાં એક આદરણીય ઋષિ, તેમને બૃહત પરાશર હોરા શાસ્ત્રના લેખક માનવામાં આવે છે, જે વૈદિક જ્યોતિષ (જ્યોતિષ) માટે એક પાયાનો અને વ્યાપક ગ્રંથ છે.

જ્યોતિષ માન્યતા અને લાગણીઓનો વિષય છે. નેતાઓ, ફિલ્મ સિતરાઓથી લઈને એન્જિઑગ્રાફીના લેખક સુધીના લોકો વારે તહેવારે જ્યોતિષીઓ અને અગાહીઓનો આશરો લેતા હોય છે. પનોતી કે તકલીફોના નિવારણ માટે નાની  મોટી વિધિઓ પણ સૂચવવામાં આવતી હોય છે. લાખો કરોડોના નંગ પહેરવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે. કાળ સર્પ દોષ નિવારણ પણ કરી આપવામાં આવે છે. લગ્ન માટે મંગળને ભારે માનવામાં આવે છે. માંગલિક વર હોય તો કન્યા પણ માંગલિક હોવી જરૂરી છે. જો કે, આના નિવારણ પણ કરી આપવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધિના લેખ લખવામાં આવતા હોય છે.

લલાટે લખ્યા લેખ મિટાવી કે બદલવી શકાતા નથી એવી માન્યતા હોવા છતાં આપણે તકલીફોના નિવારણ માટે દોડધામ કરતા રહીએ છીએ.

વાસ્તવિકતા એ છે કે મુશ્કેલ સમયમાં માનસિક શાંતિ રાખવી, મૌન પાળવું અને દેવું કરીને ઘી ન પીવું! ભગવાન રામ અને કૃષ્ણને પણ જીવનમાં તકલીફો આવી હતી. આયોધ્યાના રાજકુંવર રામે ૧૪ વર્ષ વનમાં ગાળવા પડ્યા હતા. રાજકુંવરને પરણી હોવા છતાં સીતા માતાએ મહેલ છોડી જંગલમાં ભટકવું પડ્યું હતું, વિષ્ણુ અવતાર રામની પત્ની હોવા છતાં રાક્ષસ રાવણને ત્યાં રહેવું પડ્યું હતું.

વિધિના લેખ અને કર્મના ફળમાંથી કોઈ છૂટી શકતું નથી.

'નોબત'ના વાચકો અને ચાહકોના જીવનમાં સદાકાળ શાંતિ રહે અને અશાંતિના સમયમાં મગજ શાંત રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

૫ેરશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh