Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રાયઠઠ્ઠા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું અલૌકિક આનંદ સાથે સમાપન

પૂ. પાદ કાલિન્દીવહુજી, ધારાસભ્ય, મોટાભાઈ, સંતો, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: યાત્રાધામ દ્વારકામાં સ્વ. વાલજીભાઈ હરિદાસ આણંદજી રાયઠઠ્ઠા પરિવાર દ્વારા તા. રપ થી ૩૧ ઓગસ્ટ સુધી યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ ભગવાનના વિવિધ અવતારો, જન્મતિથિઓ, પ્રસંગો વગેરેની ધામધૂમથી ઉજવણીઓ, દૈનિક પૂજન, આરતી, ભોગ અને સમૂહપ્રસાદ સાથે અલૌકિક આનંદથી સંપન્ન થઈ હતી. પ્રથમ તથા અંતિમ દિવસે ધામધૂમથી પોથીયાત્રા નીકળી હતી. જૂનાગઢના પુષ્ટિમાર્ગિય કથાકાર પ.પૂ. શાસ્ત્રીજી કેતનભાઈ પુરોહિતે વ્યાસાસનેથી પોતાના મધૂર અને હવેલી સંગીતના સંયોજન સાથે સુરીલા કંઠે સાજીંદાઓના સહયોગથી કર્ણપ્રિય ગીત-સંગીત-ધૂન-ભજન-શ્લોકોચ્ચાર-રાસ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કરાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

આ કથામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો, આમંત્રિતો, અતિથિઓ, મહાનુભાવો તથા દ્વારકાના નગરજનોએ ઉપસ્થિત રહીને કથામૃતનો રસાશ્વાદ માણ્યો હતો. રાયઠઠ્ઠા પરિવાર દ્વારા પૂરેપૂરા સમર્પિત ભાવથી હોટલ દેવાંગના પટાંગણમાં યોજાયેલી આ ભાગવત સપ્તાહમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાસ, સંકીર્તન અને નૃત્યનાટિકા રજૂ થયા હતાં, જેમાં રાધે ગ્રુપના દિવ્યાંગ બાળકોના કૃષ્ણરાસે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

શ્રીનાથજીબાવા અને વલ્લભાધીશજીની અસીમ કૃપાથી તથા નિ.લિ.ગો. પૂ.પાદ ૧૦૮ શ્રી નટવરગોપાલજી મહારાજ (દ્વારકાવાળા), પ.પૂ.પાદ ગૌસ્વામી શ્રી કાલિન્દીવહુજીની કૃપાદૃષ્ટિ હેઠળ પ.પૂ. ૧૦૮ શ્રી નૃસિંહલાલજીના સાનિધ્યમાં યોજાયેલી આ ભાગવત સપ્તાહની સફળતા માટે રમણિકભાઈ અને સુભાષભાઈ રાયઠઠ્ઠા પરિવાર તથા 'વાહ' પરિવારે ખૂબ જ જહેમત ઊઠાવી હતી. આ સપ્તાહ દરમિયાન નવી હવેલી, હોટલ ગોકુલ અને હોટલ દેવાંગમાં જાણે ગોકુલ-મથુરા રચાયા હોય, તેવા શ્રીકૃષ્ણના જીવન-કવન આધારિત અલૌકિક દૃશ્યો પડા થયા હતાં.

આ સપ્તાહ દરમિયાન અભૂતપૂર્વ કહી શકાય અને રાયઠઠ્ઠા પરિવાર પર શ્રીનાથજી અને શ્રી વલ્લભની કૃપા ઉતરી હોય તેમ પૂ.પાદ ગૌસ્વામીશ્રી કાલિન્દીવહુજી મહારાજે દરરોજ ઉપસ્થિત રહીને વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા હતાં.

આ સપ્તાહ દરમિયાન દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક, બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), દ્વારકા-ઓખામંડળ-બારાડી-હાલાર સહિત દેશભરમાંથી પધારેલા મહાનુભાવો, વૈષ્ણવો, વિવિધ જ્ઞાતિ-સમાજ-સંગઠનો-સંસ્થાઓના આગેવાનો તથા નગરજનોએ મોટી સંખ્યામાં કથામૃતનો લાભ લીધો હતો.

સમસ્ત રાયઠઠ્ઠા પરિવારે આ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહેનાર પૂ.પાદ ગૌસ્વામી કાલિન્દીવહુજીને દંડવત અને વ્યાસાસને બિરાજનાર શાસ્ત્રી શ્રી કેતનભાઈ પુરોહિતને વંદન સાથે આ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહેનાર તમામ વૈષ્ણવો, શ્રોતાઓ, સાધુ-સંતો, ભૂદેવો, દ્વારકાધીશ મંદિરનો પૂજારીગણ, વિવિધ ક્ષાતિ-સમાજોના હોદ્દેદારો, સંસ્થાકીય પ્રતિનિધિઓ, પત્રકારો-મીડિયાના મિત્રો, શુભેચ્છકો, કાર્યક્રમના સહયોગીઓ, સ્વયંસેવકો, સગા-સંબંધી-મિત્રમંડળ સહિત આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો અને સૌ કોઈને ધન્યવાદ પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh