Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમઃ 'એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી'
પ્લાસ્ટિક આપણા રોજબરોજનાં જીવનમાં વણાઈ ગયેલું છે. આપણા ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી છે. પ્લાસ્ટિક તેના હળવા વજન, મજબૂતાઈ, ટકાઉપણું, ઉચ્ચ થર્મલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન, કાટ સામે પ્રતિકાર અને ઓછો ખર્ચ જેવા સહજ ગુણધર્મોને કારણે અનેક ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે અને લોકપ્રિય બન્યું છે. પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે તેનું વૈશ્વિક ઉત્પાદન પણ સતત વધી રહૃાું છે. મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ (જેવી કે થેલીઓ ખાણીપીણીના પેકેટ તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ-ડીશ-ચમચીઓ) એક વખત ઉપયોગ માટે બનાવવામાં આવે છે અને તેથી તે અંતે પ્લાસ્ટિકના કચરામાં પરીણમે છે. આ પ્લાસ્ટિક કચરો અન્ય કચરા(જેવા કે કાપડ, ખાદ્ય કચરો, બગડેલ ખેતપેદાશો)ની માફક સમય સાથે પ્રાકૃતિક રીતે સડીને વિઘટન પામતો નથી, આથી પ્લાસ્ટિક કચરાનો ભરાવો અને તેનાથી થતું પ્રદૂષણ એ પર્યાવરણ માટે એક ગંભીર સમસ્યા બની છે.
આ વર્ષે થીમ 'એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી' (સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નાબુદી) આધારિત 'વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫'ની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિક પ્રદૂષણની નાબુદી માટે પ્લાસ્ટિક પ્રદૂષણ તેમજ પર્યાવરણ પર તેની હાનિકારક અસરને જાણવી જરૂરી બની છે. પ્લાસ્ટિક પ્રદૂષણ જાગૃતિ કેળવીએ તો જ તેની ગંભીરતા સમજી શકાય તેમ છે. પ્લાસ્ટિક કચરો પર્યાવરણને અનેક રીતે નુકસાન કરે છે અને પ્રદૂષણ ફેલાવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ જમીન, પાણી તેમજ વન્યજીવોને માટે ખૂબ હાનિકારક અસરો પેદા કરે છે.
પ્લાસ્ટિક ઉત્પાદન વખતે કાર્બન મોનોક્સાઈડ, ફોર્માલડિહાઇડ જેવા વિવિધ હાનિકારક વાયુઓનું ઉત્સર્જન થાય છે. પ્લાસ્ટિક બાળવાથી કાર્બન મોનોક્સાઇડ, ક્લોરિન, હાઇડ્રોક્લોરિક એસિડ, ડાયોક્સિન, ફ્યુરાન્સ, એમાઇન્સ, નાઇટ્રાઇડ્સ, સ્ટાયરીન, બેન્ઝીન, ૧, ૩- બ્યુટાડીન, સીસીઆઈ૪ અને એસિટાલ્ડીહાઇડ જેવા ઝેરી તત્ત્વોનું ઉત્સર્જન થાય છે. કેટલાક ખાસ પ્રકારના પ્લાસ્ટિકમાં ઉમેરાતા સીસા અને કેડમિયમ જેવાં અત્યંત નુકસાનકારક દ્રવ્યો છુટાં પડી વાતાવરણમાં ભળે છે. આ તમામ વાયુઓ અને રસાયણો જીવસૃષ્ટીને ગંભીર નુકસાન પહોંચાડે છે.
એવું માનવામાં આવે છે કે પ્લાસ્ટિકને વિઘટિત થવામાં હજારો વર્ષ લાગે છે. આથી આડેધડ ફેંકવાથી પ્લાસ્ટિક કચરો જમીન પર એકત્ર થતો જાય છે. આ પ્લાસ્ટિક જમીનનો બાહરના વાતાવરણ સાથે સંપર્ક તોડી અવરોધક બને છે અને તે જમીનને બિનઉપજાઉ બનાવે છે. કેટલાંક કિસ્સાઓમાં પાણી અથવા ખોરાકમાં માઈક્રોપ્લાસ્ટિકનું અસ્તિત્વ માનવ શરીરમાં પ્લાસ્ટિકની હાજરી અને નવી આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી રહૃાું છે. પોલેથીન ખાવાથી પશુઓના મૃત્યુ થયાના પણ દાખલા સામે આવેલા છે.
નોન રિસાયકલેબલ પ્લાસ્ટિકના ઉપયોગને લીધે તેના નિકાલની સમસ્યા ઊભી થાય છે. હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક કેરી બેગ, પેકેજિંગ ફિલ્મ વગેરે એકત્ર કરવામાં અને રિસાયક્લિંગ કરવા મુશ્કેલ હોય છે. પ્લાસ્ટિક કચરો શહેરોમાં પાણી નિકાલના નાળા કે ગટર બ્લોક કરી દે છે, જેનાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. પ્લાસ્ટિક સાથે અન્ય કચરો મિશ્રિત થઈ જવાથી તેના પ્રોસેસીંગ કે રિસાયકલિંગમાં સમસ્યાઓ ઉભી થાય છે.
પ્લાસ્ટિકનો કચરો શહેરની શોભા બગાડે છે અને તે પર્યટન પર નિર્ભર દેશોના (જીડીપી) પર અસર કરવાની સંભાવના ધરાવે છે. મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની પર્યટન, શિપિંગ અને માછીમારી ઉદ્યોગો પર મોટી આર્થિક અસર પડે છે.અયોગ્ય વિસ્તારોમાં કાર્યરત રિસાયકલિંગ ઉદ્યોગો અયોગ્ય રિસાયક્લિંગ પ્રથાઓને કારણે પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે.
આમ, પ્લાસ્ટિક હવા, પાણી અને જમીન ઉપરાંત સ્વાસ્થ્ય અને ઈકોનોમી ઉપર હાનિકારક અસર કરતું હોવાથી પ્લાસ્ટિક પ્રદૂષણથી જાગૃતિ કેળવી પ્લાસ્ટિકની જગ્યાએ બાયો ડીગ્રેડેબલ ઉપાયો અપનાવવા, બને ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક્નો ઉપયોગ ટાળી તેમજ પ્લાસ્ટિક કચરો અલગ કરી રિસાયકલિંગ માટે સહકાર આપી આપણે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબુદીમાં આપણું યોગદાન આપી શકીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial