Advertisement
Author: નોબત સમાચાર

વોટ ચોરી, કર ચોરી અને ઘરફોડ ચોરી... છે કોઈ નક્કર ઉપાય ?

                                                                                                                                                                                                      

જીએસટીમાં ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબ રદ કરીને માત્ર પ ટકા અને ૧૮ ટકાના સ્લેબ રાખવા તથા મોજશોખ-વ્યસનોની લકઝરિયસ ચીજવસ્તુઓ પર ૪૦ ટકા જેટલો જીએસટી રાખવા ગ્રુ૫ ઓફ મિનિસ્ટર્સની ભલામણો પછી હવે આખરી નિર્ણય જીએસટી કાઉન્સીલ લેશે. આ પ્રકારના ફેકટરોના સંકેતો ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણ પછી જ મળવા લાગ્યા હતા. હવે સર્વપક્ષીય જીએસટી કાઉન્સીલના અંતિમ નિર્ણય પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

અત્યારે જીએસટીના જે સ્લેબ છે, તેની વિસંગતતાઓ તથા પ્રક્રિયાત્મક ગુંચવણો હટાવીને સરળ અને વેપારીઓ તથા ગ્રાહકોને રાહત થાય, તે પ્રકારના રિફોર્મ્સની જરૂર જણાવાઈ રહી હતી, કારણ કે હાલમાં જીએસટીમાં કરચોરીના જે પ્રયાસો થાય છે, તેમાં ઘટાડો કરીને આવક વધારવાની દિશામાં કેન્દ્ર-રાજ્ય સરકારો અને જીએસટી કાઉન્સીલનું એ ઉપયોગી તથા અસરકારક કદમ પૂરવાર થશે, આજે દેશમાં કરચોરીના મુદ્દે જીએસટીના દાયરામાં નથી તેવી ચીજવસ્તુઓ, ઈન્કમટેક્સ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાનિક કરવેરાઓને સાંકળીને વ્યાપક રિફોર્મ્સની જરૂર છે, ત્યારે તેવા મુદ્દાઓ વિધાનસભા અને સંસદ સુધી પડઘાવા જ જોઈએ.

કરચોરી ઉપરાંત ક્રાઈમની દુનિયામાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, દેશમાં ચોરી, લૂંટ અને સાયબર ક્રાઈમના આર્થિક ગૂન્હાઓ પર નજર કરીએ તો એવું જણાય છે કે હાયર એજ્યુકેશન મેળવેલો વર્ગ જો આર્થિક ગૂન્હાખોરી અને હાઈટેક ચોરી-છેતરપિંડીના રવાડે ચડ્યો હોય, તો તેની પાછળ શોર્ટકટથી ઝડપભેર અમીર બનવાની ઘેલછા તથા શિક્ષિત બેરોજગારોની સમસ્યા બંને પરિબળો જવાબદાર છે.

આજે દેશમાં ઘરફોડ ચોરી, લૂંટ, હત્યા, મારામારી, લુખ્ખાગીરી, દાદાગીરી, વ્યાજંકવાદ, છેતરપિંડી જેવા ગૂન્હાઓના વધી રહેલા પ્રમાણની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, અને તે પૈકીનું એક કારણ બેરોજગારી પણ છે.

કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ફરીથી એક વખત બેરોજગારીનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો છે. બિહારની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં બેરોજગારી સહિતના જે ૬ મુદ્દા કોંગ્રેસે જોરશોરથી ઉઠાવ્યા છે, તેમાં વોટચોરીનો મુદ્દો મુખ્ય છે. વોટચોરીના મુદ્દે મહારાષ્ટ્રના ડેટાના મુદ્દે રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય ચૂંટણીપંચ સામસામે આવી ગયા હોવાથી આ મુદ્દે હવે બંધારણીય ગૂંચ ઊભી થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.

રાહુલ ગાંધીએ બિહારમાં કાઢેલી વોટ અધિકાર યાત્રામાં કહ્યું કે જે સરકાર વોટચોરીથી બની હોય, તેમના ઈરાદાઓ જનસેવા કરવાના ન હોય. રાહુલે ટ્વીટ કરીને બેરોજગારી અને તેની આડઅસરોથી વધતી ગુનાખોરી તરફ પણ સંકેત કર્યો છે. તે ઉપરાંત પેપરલીક, આર્થિક કૌભાંડો, મોંઘવારી, ટ્રેન-પુલ-માર્ગોની જીવલેણ દૂર્ઘટનાઓ, નોટબંધી, ખેડૂત આંદોલન, કોવિડ મહામારી અને હિંસક તથા આતંકી ઘટનાઓમાં જીવ ગુમાવતા લોકો પ્રત્યે મોદી સરકારની સંવેદનહીનતા સહિતના મુદ્દાઓ ઉઠાવીને બિહારમાં રાહુલ ગાંધી તડાપીટ બોલાવી રહ્યા છે, અને તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ પ્રતિપ્રહારો કરી રહ્યા હોવાથી દેશનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.

મીડિયામાં અત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોની સામે ટ્રમ્પ ટેરિફ પછી ભારત-અમેરિકા વચ્ચે વધેલી ખટાશના કારણે ઊભી થયેલી સ્થિતિનો પડકાર ઊભો થયો છે, તેની ચર્ચા થઈ રહી છે, તથા ટ્રમ્પ હવે સાડાપાંચ કરોડ જેટલા વિઝાધારકોને દેશમાંથી તગેડી મુકવાનો નિર્ણય લઈ શકે છે, તેવી આશંકા જાગ્યા પછી ઘણાં વયોવૃદ્ધ લોકો આફ્રિકામાંથી ઈદી અમીનના શાસન સમયે ભારતીયોના થયેલા સામૂહિક દેશનિકાલને યાદ કરીને વિકટ સ્થિતિની ભયાનકતા વર્ણવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષો મોદી સરકારની વિદેશનીતિની ટીકા કરતા કટાક્ષ કરવા લાગ્યા છે કે બધાને વહાલા થવા જતા ઘણી વખત આપણે કોઈના રહેતા નથી. !

એક તરફ પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાખવાની દિશામાં આગળ વધવુ અને બીજી તરફ એશિયા કપમાં તટસ્થ સ્થળે પાકિસ્તાન સાથે ભારતીય ટીમને રમવાની છૂટ આપવા અંગે પણ સરકાર અને બીસીસીઆઈ પર તડાપીટ બોલી રહી છે.

સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમીંગના જુગાર પર પ્રતિબંધ અને નિર્દોષ ગેમીંગ અંગે સુધારા-વધારા સૂચવતુ બિલ પસાર થઈ ગયું, તે અંગે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે, પરંતુ એકંદરે આ કદમને આવકાર પણ સાંપડી રહ્યો છે.

દેશની રાજનીતિમાં વ્યસ્ત ભાજપના હાઈકમાન્ડનું ધ્યાન ગુજરાત પરથી હટી ગયું હોય તેમ જણાય છે. વિસાવદરમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા પછી ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમઆદમી પાર્ટી તરફ ઢળી રહ્યા હોય તો તે બંને મુખ્ય પક્ષો માટે સારા સંકેત નથી. જોઈએ, હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh