Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૬-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્ધનો નવો દોર શરૂ થવાના એંધાણે વચ્ચે આજે આરબીઆઈની મોનેટરી પોલિસીમાં વ્યાજદર ૫.૫૦% પર યથાવત્ રાખતા સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે ફંડો, મહારથીઓ તેજીના વેપારથી દૂર ફરી વેચવાલ બનવા લાગ્યા હતા.
ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા. ભારત પર ૨૫% અમેરિકી ટેરિફનો અમલ મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલો છતાં બજારમાં ગભરાટમાં વેચવાલી વધી હતી. ટ્રમ્પના ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવા બદલ પેનલ્ટીના નિર્ણયને લઈ ભારતે રશીયા પાસેથી ક્રુડની ખરીદી બંધ કર્યાના અહેવાલોએ ભારતનું આયાત બિલ વધવાના અંદાજોએ આજે સ્થાનિક બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૩%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૯% અને નેસ્ડેક ૦.૬૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૦ અને વધનારની સંખ્યા ૧૩૨૧ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર બેન્કેકસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, મેટલ અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં અદાણી પોર્ટ, ભારતી એરટેલ, ટ્રેન્ટ લિ., બીઈએલ લિ., કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને લાર્સેન લિ. જેવા શેરો ૨% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે સન ફાર્મા, ઇન્ફોસિસ લિ., ઇટર્નલ લિ., ઇન્ફોસિસ લિ., એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ લિ. અને આઈટીસી લિ. જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૧,૩૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૧,૩૨૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૧,૦૬૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૧,૧૫૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૩,૪૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૩,૪૮૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૩,૨૪૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૧૩,૪૨૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં એફએમસીજી સેક્ટર મોનસૂનના સારી રીતે આગળ વધતાં ગ્રામીણ ડિમાન્ડમાં સુધારાની આશા સાથે તેજી દર્શાવી શકે છે, જયારે ઘટાડો દર્શાવતા સેક્ટરોમાં મેટલ, રીયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરનું નામ લેવામાં આવે છે. મેટલ સેક્ટર પર ચીન તરફથી આવતી નરમાઈ અને કાચા માલની કિંમતમાં ઘટાડાની આશંકા દબાણ લાવી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટને કારણે ખરીદીમાં ધીમાપણું અનુભવ્યું છે. ઓટો સેક્ટરમાં ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટમાં વેચાણમાં માઠાશ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારો સાવચેતી જોવા મળી રહી છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતના માલસામાનની અમેરિકામાં નિકાસમાં ઘટાડાથી દેશને ઉત્પાદન ક્ષેત્રનું મથક બનાવવાની ભારતની તકો ઘટી જશે પરંતુ દેશની સ્થાનિક માંગ બહારી દબાણો સામે ભારતને ટકાવી રાખશે એમ રેટિંગ એજન્સી મૂડીસના એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારતના માલસામાન પર અમેરિકાએ ૨૫% ડયૂટી લાગુ કરી છે જેનો અમલ સાત ઓગસ્ટથી થનાર છે. આ ઉપરાંત ભારતને પેનલ્ટી લગાડવાની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ તેની રૂપરેખા હજુ સ્પષ્ટ થઈ નથી. એપીએસી (એશિયા-પેસિફિક)માંના મોટા નિકાસકાર દેશોની સરખામણીએ ભારત સામેના ટેરિફ દર ઊંચા છે. એપીએસીમાં આ દર ૧૫થી ૨૦% છે. વિશ્વના મોટા અર્થતંત્રમાં માલસામાનના વેચાણમાં ઘટાડાથી ઈલેકટ્રોનિક સ જેવા મૂલ્ય વર્ધિત ક્ષેત્રોમાં ઉત્પાદન મથક બની રહેવાની ભારતની યોજનાને ફટકો પડશે એમ મૂડીસના રિપોર્ટમાં જણાવાયું છે.
ભારત જે ચીનનો બજાર હિસ્સો મેળવવાની અપેક્ષા રાખતુ હતું તે પણ ઊંચા ટેરિફને કારણે સફળ નહીં થાય. ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં દ્વીપક્ષી વેપાર કરાર માટે વાટાઘાટો થઈ રહી છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર દેશ છે અને ૨૦૨૪માં ભારતની માલસામાનની નિકાસમાંથી ૧૮% નિકાસ અમેરિકામાં થઈ હતી. ગત નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતે ૮૬ અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. એપીએસીના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર નિકાસ પર ઓછું નિર્ભર હોવાથી આ બહારી દબાણ સામે સ્થાનિક માંગ સ્થિતિસ્થાપક જળવાઈ રહેશે. આ ઉપરાંત, ભારતના સેવા ક્ષેત્રનું સાનુકૂળ આઉટલુક અકબંધ છે કારણ કે અમેરિકા સાથેની વાટાઘાટમાં સેવાની નિકા સ સંદર્ભમાં કોઈ વિવાદનો મુદ્દો જણાતો નથી.