Advertisement
Author: નોબત સમાચાર

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારઃ ઉમરેઠમાં સાડા ચાર ઈંચ વરસાદઃ રાજ્યના ૪૦ તાલુકાઓમાં વરસાદઃ

પંચમહાલના હાલોલમાં આભ ફાટયુઃ ચાર કલાકમાં ૯ ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૦: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદના કારણે સમગ્ર હાલોલ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં ૯ ઇંચ વરસાદ નોંધાતા હાલોલ શહેરના હવેલી શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ, કંજરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ હાલોલ શહેરમાંથી પસાર થતાં બાયપાસ વનવેમાં પાણી ફરી વળતા આખા રોડ રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ ગયા છે.

હાલોલ શહેરમાં અવિરત પડી રહેલા વરસાદના પગલે હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલ જ્યોતિ સર્કલ ફાયર સ્ટેશન સામે આવેલ સીએનજી પંપ પાસે ચારથી પાંચ મજૂરો પાણીમાં ફસાયા હતા, જેને હાલોલ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી બચાવ કર્યો હતો.

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં આજે સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ ૧૧૦ મિમી એટલે કે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને પગલે ઉમરેઠ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઉમરેઠ બસસ્ટેન્ડથી લાલ દરવાજા થઈ ઓડ ચોકડી સુધીના હાઈવે પર પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતાં.

સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહમાં ૨૫ જેટલા શાળાના બાળકો ફસાયા હતા. ગ્રામજનોએ ૨૫થી વધુ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ છે.

આ ઉપરાંત અંકલેશ્વર પંથકમાં ત્રણ યુવક પર વિજળી ત્રાટકતાં એકનું મોત થયું હતું. જયારે અન્ય બે ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાસકાંઠાના વરસાદી માહોલ ચાલુ રહ્યો હતો. હિમ્મતનગર શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દૌણ ગામે આવેલા ગૌમુખ ધોધમાં નવસારીની ત્રણ મહિલા નાહવા ઉતરી હતી. આ દરમિયાન ઉપરવાસમાંથી પાણીનો અચાનક પ્રવાહ વધી જતા ત્રણેય મહિલા તણાઈ ગઈ. સ્થાનિક લોકોના પ્રયત્નોથી બે મહિલાઓને બચાવી લેવામાં આવી હતી, જ્યારે ૬૮ વર્ષીય ભાનુબેન ગોરાસેનું દુર્ભાગ્યે મોત નિપજ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને મોડી રાત બાદ હિંમતનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદને કારણે હિંમતનગર શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, જ્યારે પોશ વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાત્રિના સમયે શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસતા રહૃાો હતો, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીંના પોશ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, અને કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. વરસાદના પાણીમાં અનેક મોંઘી કાર પણ ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, શહેરમાં અનરાધાર વરસાદથી ઉભી થયેલી સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો ૮૮ ટકા વરસાદ

ગુજરાતમાં હજુ સુધી સિઝનનો ૮૮ ટકા જેટલો વરસાદ વરસી ચૂકયો છે. જેમાં ૪૩ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજયના ૧૦૩ તાલુકામાં ગુરૂવારે મેઘમહેર થઈ હતી. જેમાં તાપીના ડોલવણમાં બે કલાકમાં પાંચ સહિત સૌથી વધુ ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh