Advertisement
Author: નોબત સમાચાર

મોટી રાહત મળશે કે પછી કોથળામાંથી બિલાડુ નીકળશે ?

                                                                                                                                                                                                      

શ્રાવણીયા મેળાઓની મોજ બધાએ માણી પરંતુ હજુ મેળાઓની મોસમ પૂરી થઈ નથી. સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો તા. ૨૯ ઓગષ્ટ સુધી ચાલશે, તો તેને સમાંતર સમયગાળામાં જામખંભાળીયાના શક્તિનગર ગ્રામપંચાયત દ્વારા સંચાલિત ચાર દિવસીય શિરેશ્વરનો મેળો પણ મીની તરણેતરના મેળા તરીકે ઓળખાય છે. આપણી બહુવિવિધા સંસ્કૃતિના વારસો જાળવતી તથા ઐતિહાસિક ઘટનાઓને સાંકળતી ઘણી કથાઓ અને માન્યતાઓ આ મેળાઓ સાથે સંકળાયેલી છે.

પાંડવોએ જ્યાં શ્રાદ્ધ કર્મ કર્યું હતું તેવા પીંડારા ગામમાં તો આપણી પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધાઓ યોજાતી રહે છે, અને તેમાં રાજ્યનો યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ પણ પ્રોત્સાહક બને છે. શ્રાવણી અમાસના દિવસે પીંડતારક અથવા પીંડારામાં દરિયો થોડો ખસી જાય છે. અને ત્યાં લોકમેળો પણ ભરાય છે, અને વિવિધાસભર પ્રવૃત્તિઓમાં ધર્મ, સંસ્કૃતિ,શૌર્ય, ખેલભાવના અને મનોરંજનનો અનોખો સંગમ રચાતો હોય છે. દુર્વાસા ઋષિ સાથે સંકળાયેલા પીંડતારકમાં પુષ્ટિમાર્ગીય બેઠકજી, મહાદેવનું મંદિર અને શ્રાદ્ધ કુંડ આવેલા છે. આ સ્થળ દ્વારકાધીશ મંદિર અને યાત્રાધામ દ્વારકા સાથે પણ સંકળાયેલું છે અને વિવિધ સાંસ્કૃતિક વારસાને જાળવી રહ્યું છે.

આ વખતે મેળાઓમાં ઓપરેશન સિંદૂર અને આત્મનિર્ભર ભારતના સંદેશને સાંકળતી પ્રવૃત્તિઓ તથા ચીજવસ્તુઓએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું, અને તદ્વિષયક સ્પર્ધાઓ, ક્વિઝ વગેરે પણ યોજાયા હતાો. આત્મનિર્ભર ભારત જેવી જ ચળવળ ભૂતકાળમાં આપણાં દેશમાં ગાંધીજીએ વિદેશ (ખાસ કરીને બ્રિટન) માં બનતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી એટલે કે આપણાં દેશમાં જ ઉગતી, બનતી કે મૂલ્યવર્ધિત કૃષિ-ઉદ્યોગના માધ્યમથી રૂપાંતર પામતી ચીજવસ્તુઓને જ અપનાવવાની દેશવાસીઓને હાકલ કરી હતી. આવું કરવાની પાછળ બહુહેતુક ઉદૃેશ્યો હતા, તે પૈકી એક ઉદૃેશ્ય પ્રબળ દેશપ્રેમ જગાવીને સ્વાતંત્ર્ય ચળવળને વધુ મજબૂત બનાવવાનો પણ હતો.

મેળાઓની મોસમ પછી હવે ગણેશ સ્થાપનાના પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી છોટી કાશી તરીકે ઓળખાતું આપણું જામનગર પણ ગણેશમય બની જશે, જામનગરના તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ ધરાવતા રંગોની પ્રતિમાઓને નદી, જળાશયો, તળાવો કે દરિયામાં વિસર્જિત નહીં કરતા તંત્ર દ્વારા નિયત કરેલા (કુંડો) સ્થળોએ જ વિસર્જિત કરવા ફરમાવાયુ છે. તો ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવીને સંલગ્ન વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે માત્ર શહેરી નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી, તળાવ, કૂવા, દરિયો, ઝરણા કે ડેમોમાં ગણપતિ વિસર્જન કરીને કુદરતી જળસ્ત્રોતોને પ્રદુષિત નહીં કરવા અંગે લોકજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને હવે લોકોમાં પણ આ અંગે જાગૃતિ વધી રહી છે. આ બધી સાવધાનીઓ આપણે સૌ કોઈના હિત માટે રાખવી જ જોઈએ ને ?

આ વખતે ગણપતિ પંડાલોમાં પણ ઓપરેશન સિંદૂર અને આત્મનિર્ભર ભારત જેવા વિષયોનો પ્રભાવ જોવા મળશે, તો હાઈટેક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ ગણેશોત્સવને સંબંધિત વિવિધ થીમ્સ અને મીમ્સ, તથા કોમેન્ટો પોષ્ટ થાય, તેમ જણાય છે. આ તમામ પ્રવૃત્તિઓ સકારાત્મક સંદેશ તથા સ્નેહ-પ્રેમ અને સૌહાર્દ ફેલાવવાની જ બની રહે, તેની જાગૃતિ પણ આપણે બધાએ રાખવી પડશે.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાને પણ આત્મનિર્ભર ભારતનો સંદેશ વહેતો કર્યો છે, અને આત્મનિર્ભર ભારતના નારા સાથે ગાંધીજી ફેઈમ સ્વદેશી ચળવળની ભાવનાઓ પણ જોડવામાં આવી રહી છે. અને આ બધું ટ્રમ્પ ટેરિફ અને પ્રવર્તમાન અમેરિકન નીતિરીતિ (વાઈડાઈ) ના કારણે જ થઈ રહ્યું છે, તે ઓપન સિક્રેટ છે. જો કે, આ સ્વદેશી ચળવળ પણ શુદ્ધ, રાજનીતિથી પર અને દેશભાવનાથી તરબરતર જ હોવી જોઈએ, તેની ખાસ કાળજી રાખવી પણ જરૂરી છે, જો અમેરિકન ચીજવસ્તુઓ અથવા અમેરિકન કંપનીઓની સહભાગિતાથી બનેલી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટે ચીનની તદૃન તકલાદી ચીજવસ્તુઓ, એપ્સ અને ચીની ઈન્વેસ્ટરો માટે આપણાં દેશનું માર્કેટ એકદમ ખૂલ્લું મુકી દઈશું, તો બકરૃં કાઢતા ઊંટડુ ઘૂસી જશે, અને તેનાથી આપણા દેશને ફાયદો નહીં થાય, તેથી શક્ય તેટલા ઉત્પાદનો આપણાં દેશમાં જ થાય અને અન્ય દેશોની ચીજવસ્તુઓ પણ નિર્ભરતા ક્રમશઃ ઘટતી જ રહે, તો જ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની ચળવળના અસ્સલ ઉદૃેશ્યો સિદ્ધ થશે, અન્યથા આપણે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતા રહીશું અને આપણો લાભ લુચ્ચી શક્તિશાળી વિદેશી સત્તાઓ સતત ઉઠાવતી જ રહેશે. હવે માત્ર નારેબાજી, જુમલેબાજી કે તેજાબી ભાષણોથી કામ નહીં ચાલે, ઈઝરાયલની જનતાની જેમ પ્રત્યેક ભારતીયે "સ્વદેશ" ની વાસ્તવિક ભાવના આત્મસાત કરવી પડશે.

વડાપ્રધાને દિવાળી પહેલા જીએસટી ક્ષેત્રે રિફોર્મ્સના સંકેતો આપ્યા છે, ત્યારે હવે કઈ ચીજવસ્તુઓને લક્ઝરીયસ ગણવી અને કઈ ચીજવસ્તુઓ કે પેઈડ સર્વિસિઝને જીવનજરૂરી ગણવી જોઈએ, તે અંગે એક વિશેષ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કેટલીક બાંધકામને સંબંધિત ચીજવસ્તુઓ, સેનેટરી આઈટેમ્સ તથા કેટલીક સંચાર અને સંદેશાવ્યવહાર અને ઘર ઉપયોગી સુશોભનની અદ્યતન ચીજવસ્તુઓ તથા સેવાઓને લકઝરિયસ નહીં ગણવાની માંગણી પણ ઉઠી રહી છે, ત્યારે જોઈએ, દિવાળી પહેલા વાસ્તવમાં મોટી રાહત મળે છે કે પછી કોથળામાંથી બિલાડુ નીકળે છે તે...!



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh