Advertisement
Author: નોબત સમાચાર

શાંતિ રાખવા મુદ્દે ધીંગાણું થયું

                                                                                                                                                                                                      

મૌનનું મહત્ત્વ સમજાવવા દોઢ કલાક ભાષણ કરે. અને ''બાળકોને પ્રેમથી કેમ સમજાવવા'' તે ન સમજતા લોકોને કાન આમળી, ટાપલિઓ મારી મારી સમજાવતા ચાર પાંચ વડીલો મારા ધ્યાનમાં છે.

મારા ત્રીજા ઘરે રહેતા ત્રંબક સુંવાળીયા 'ધીરૂ બોલવું, મીઠું બોલવું' વિશે તેના દીકરાના દીકરાને સમજાવતા હતા. પરંતુ મારા ઘરે છણકા સહિત બધું સંભળાતું હતું.

સમાધાન માટે મળ્યા હોય અને ધબધબાટી બોલી ગઈ હોય તેવું તો ઘણા કિસ્સામાં જોવા મળે છે.

અમારા બિલ્ડિંગમાં ૩૫ થી ૪૦ ફ્લેટ છે હું કાર્યક્રમમાં હતો છતાં ફ્લેટના પાર્કિંગમાં ધબધબાટી બોલી ગઈ.

મનુ ચિંગુશ, જતીન જોર, ચુનિયો, દિનુ દાઢી,હું... બીજા સભ્યો પણ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા ભેગા થયા હતા.

શરૂઆતમાં તો બધા મૂંગા મંતર બેઠા કારણ ભેગા થયા છીએ તો ચા કોણ પીવડાવશે તે હજુ નક્કી થયું ન હતું.

મારે નીકળવાની ઉતાવળ હતી અને જો ચા નુ નક્કી કરવામાં બે કલાક થશે તો આખો મુદ્દો ઉકેલતા બીજી બે ત્રણ કલાક નીકળી જાય.પથારી કરતા રાત નીકળી જાય તો સુવું ક્યારે? એટલે 'ચા હું પીવડાવીશ' તેટલી જાણ કરતા જ સહર્ષ મને બિરદાવી લેવામાં આવ્યો અને અભિવાદન કર્યું.

મેં કહૃાું ''તાત્કાલિક મુદ્દા પર આવો કાલે કોના કારણે ઝઘડો થયો? અને ઝઘડો શરૂ થાય કે તરત જ તમારે હાજરમાંથી કોઈએ કહી દેવાય ને કે 'શાંતિ રાખો' .''

ચુનિયો કહે શાંતિનો તો ડખો છે. અને હું હાજર હતો મેં કહૃાું 'શાંતિ ન રાખો'.

એટલે મેં તો ચુનિયાને ખખડાવ્યો કે 'તું ખરેખરો છે આપણા નેતાઓ શાંતિ સ્થાપવા માટે અડધાથી ઉપર સમય વિદેશોમાં ફરે છે અને તને શાંતિની કદર નથી?'

''મિલનભાઈ તમે સમજતા નથી આ લલિત્યો લખાણખોટો શાંતિ રાખે તો ઘરે મોટું મહાભારત સર્જાય.

તમને ખબર નથી લલિતિયાની ઘરવાળી જ્યારે કોલેજમાં ભણતી ત્યારે કુસ્તીમાં રાજ્ય કક્ષા સુધી નંબર લાવતી લગ્ન પહેલા લલિતિયાને ખબર ન હતી પણ એકવાર સામે બોલી ગયો અને એની ઘરવાળીએ ધોબી પછાડ દાવ અજમાવ્યો. એ તો સારૃં થયું કે પલંગ ઉપર પડ્યો એટલે એકાદ મહિનામાં સાજો થઈ કામ કરતો થઈ ગયો. તે દિવસની ઘડીથી લલિત્યો કે સોસાયટીના કોઈપણ સભ્ય એની ઘરવાળી સામે બોલતા નથી. અને તમે કહો છો લલિત શાંતિ રાખીલે તો ભાભી તેને જતો કરે એમ?''

મેં કહૃાું ''હા એમ જ ઈચ્છું છું કે લલિત શાંતિ રાખી લે તો સામે વાળો પણ શાંતિ રાખે. હું તો કહું છું ફ્લેટમાં દરેક જણાય એ આવા સંજોગોમાં શાંતિ રાખવી જોઈએ.''

ચુનીલાલ કહે ''એમ તમે કહો તેમ ન થાય. તમારી જ વાત કરો તમે શાંતિ રાખી શકો?'

મેં કહૃાું ''ગમે તેવા સંજોગોમાં હું શાંતિ રાખી શકું.''

હવે હાજર રહેલા દીનુ દાઢી એ દાઢી ખંજવાળતા ખંજવાળતા મને કાનમાં પૂછી પણ લીધું કે ''શાંતિ કઈ રીતે રાખી શકાય તે મને એકલા સમજાવજો''.

મેં કહૃાું 'જાહેરમાં પણ સમજાવી શકું કે શાંતિ રાખવા શું કરવું. દીનું એ તરત જ કહૃાું' નહીં એવી ભૂલ ન કરતા પહેલા આપણે શાંતિ રાખવી છે પછી બીજા ભલે રાખે.'

મનુ ચિંગુસ તરત જ બોલ્યો 'મફતમાં શાંતિ રખાતી હોય તો મને પણ રસ છે.'

મેં કહૃાું કે 'તેમાં રૂપિયા ખર્ચવાની જરૂર નહીં મેં ઘણીવાર મફતમાં શાંતિ રાખી છે.'

હવે ચુનિયો આશ્ચર્યથી મારી બાજુ જોવા માંડ્યો અને હાથ પકડી થોડે દૂર લઈ ગયો પછી ધોખો કરવા લાગ્યો ''બસને તમને મિત્ર માન્યા હતા અને તમે મારી પીઠ પાછળ, એકલા એકલા, કોઈને કહૃાા વગર, અને એ પણ મફત શાંતિ રાખી લો એ વ્યાજબી નહીં. મને ખરેખર અંતરથી દુઃખ થયું છે.''

મેં કહૃાું ''ચુનિયા નાટક બંધ કર મેં તને પણ અસંખ્ય વાર કહૃાું છે કે શાંતિ રાખ પણ તું મારૃં માન્યો નથી.''

મિલનભાઈ મારે મારા ઘરના નું પણ વિચારવાનું ને હું શાંતિની વાત કરૃં એટલે ઘરવાળી મારૃં જીવવું મુશ્કેલ કરી નાખે.

મને પણ સાલુ હવે તો આશ્ચર્ય થવા લાગ્યું કે આ લોકોને હું શાંતિ રાખવા માટેની વાત કરૃં છું અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરૃં છું અને આ બધા ભેગા થઈ શાંતિ ન રાખવાની વાત કરે છે. મેં તરત જ કહૃાું કે *તમને બધાને શાંતિ રાખવામાં વાંધો શું છે?*

બધા એક સાથે બોલ્યા કે ''શાંતિ એક છે અને આપણે અનેક છીએ. બધા એક સાથે શાંતિ કઈ રીતે રાખી શકે? અને તમે કલાકાર થઈ અને એક સ્ત્રી માટે આવું કઈ રીતે વિચારી શકો?''

હું તરત જ તેની તરફ ધસી ગયો અને ઊંચા અવાજે વાત કરી કે ''આમાં સ્ત્રીની વાત ક્યાં આવી? જો તમે આવી વાતો કરશો તો પછી હું શાંતિ નહીં રાખી શકું.''

ચુનીયાએ કહૃાું કે ''મિલનભાઈ તમારી કદાચ કાંઈક ભૂલથી મિસ્ટેક થાય છે. અમે સોસાયટીમાં એકટીવા લઈ અને લટક મટક કરતી કામ કરવા આવતી શાંતુડી ની વાત કરીએ છીએ. અને તમે શાંતિ રાખો શાંતિ રાખો જામી પડ્યા છો.''

હવે મને સમજાયું કે તમામ પુરુષ વર્ગ જાહેરમાં શાંતિ રાખવાનો વિરોધ શું કામ કરે છે અને ખાનગીમાં શાંતિ રાખવાના કીમિયા શીખવાના અભરખા શુ કામ જાગે છે.? આમાં શાંતિ માટે ધબધબાટી બોલે તેમાં નવાઈ નથી. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવા કરતા શાંતિને પારિતોષિક દેવાવાળા ઘણા છે. ચાલો ત્યારે તમે શાંતિ રાખજો.''

વિચારવાયુઃ- ''રેતી ન હોય તો તરત ફોન કરો.''

આવી જાહેરાત વાચીને આખા દિવસમાં ૩૦૦ ફોન આવ્યા. દરેક પુરૂષની ફરિયાદ હતી કે દર ૧૫ દિવસે પિયર હાલી જાય છે. દુકાનદારે માંડ સમજાવ્યું કે હું ચણતરમાં રેતી ન હોય તો ફોન કરવાનું કહું છું.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh