Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ...!!

તા. ૦૧-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ૫૦% ટેરિફ અમલી બનાવીને ભારત સરકાર પર દબાણ વધારવાના કરેલા પ્રયાસે સામે મોદી સરકારે ભારતીય ઉદ્યોગને જીએસટી સહિતમાં રાહત આપવાના આપેલા સંકેતે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

ભારતની અમેરિકામાં થતી મશીનરી નિકાસો પર ટેરિફથી અસર થવાની શકયતાએ ફંડોએ ખાસ કેપિટલ ગુડઝ-પાવર અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે અમેરિકામાં એચ૧બી વીઝા સહિતના અંકુશોની આશંકાએ હાલત બગડવાની શકયતા સામે ચોમાસાની સારી પ્રગતિએ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૪% અને નેસ્ડેક ૧.૧૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૧૦ અને વધનારની સંખ્યા ૨૩૧૩ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૪,૦૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૫,૯૩૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૪,૦૪૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૦૮૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૪,૯૦૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૨૦,૮૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૭૮૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૦,૮૪૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૦૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૨,૫૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ગોદરેજ પ્રોપર્ટીઝ (૧૯૫૫) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૪ થી રૂ.૧૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૭૮૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૭૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૭૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૦૩ થી રૂ.૮૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૫૦) : રૂ.૫૪૪ નો પ્રથમ તેમજ રૂ.૫૩૦ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૪ થી રૂ.૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

કલ્યાણ જ્વેલર્સ (૫૦૫) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાએ ભારત પર ૫૦% ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે સફળ થવાની શક્યતા ઓછી છે. ઈવાય દ્વારા ઑગસ્ટ માસમાં જાહેર કરાયેલા ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ૨૦૩૮ સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે સમયે ભારતનો જીડીપી આશરે ૩૪.૨ લાખ કરોડ ડૉલર સુધી પહોંચી જશે. હાલ ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતનો વિકાસ ફક્ત વસ્તી આધારિત નથી, પરંતુ માળખાકીય સુધારાઓ, સ્થિતિસ્થાપક મૂળભૂત પાયા અને આંતરિક માંગના કારણે મજબૂત બન્યો છે. સ્થાનિક માગમાં સતત વધારો અને આધુનિક ટેકનોલૉજીની  વધતી ક્ષમતાઓ ભારતને ઝડપી વિકાસ તરફ દોરી રહી છે.

ઈવાયના અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી ૨૦.૭ લાખ કરોડ ડૉલર સુધી પહોંચી શકે છે. ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૨.૨ લાખ કરોડ ડૉલરનો જીડીપી હાંસલ કરી શકે છે, પરંતુ વૃદ્ધોની વધતી વસ્તી અને વધતા દેવાના ભારને કારણે તેને પડકારોનો સામનો કરવો પડશે. બીજી તરફ અમેરિકા પર વધેલા ટેરિફને કારણે મોંઘવારીનો બોજ વધશે અને તેની જીડીપી મંદ પડી શકે છે. જર્મની અને જાપાન વૈશ્વિક વેપાર પર વધુ નિર્ભર છે, જ્યારે ભારત પાસે યુવા વસ્તી, સ્થાનિક માંગ અને ટકાઉ રાજકોષીય આઉટલૂકના કારણે વધારે ક્ષમતાઓ છે. ભારતની યુવા વસ્તી, કુશળ કાર્યબળ, મજબૂત બચત અને રોકાણ ક્ષમતાઓ તેમજ ટેકનોલોજીના વિકાસને કારણે ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત અર્ થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી, ફાઇનાન્સ, સંરક્ષણ અને કન્ઝ્યુમર માર્કેટમાં ભારતની પકડ મજબૂત થતી જાય છે, જે તેને વિશ્વનું મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર બનાવશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh