Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેના નુકસાન સામે ખેડૂતોને સહાય આપવા માટે રૂા. દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ ઘોષણામાં જંગી રકમની રાહત આપવામાં હેકટર દીઠ રૂા. ૨૨ હજાર સુધીની સહાય મહત્તમ બે હેકટર દીઠ અપાશે, તેવું જાહેર થયું હોવાથી "નામ બડે ઔર દર્શન છોટે" ની ઉક્તિ યાદ આવી જાય છે. તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
આ ઉક્તિ હકીકતે કહેવત નથી, પરંતુ "અલબેલા" ફિલ્મની એક પંક્તિ છે, જેનો ઉપયોગ કટાક્ષ કરવા માટે થતો રહ્યો છે અને મોટા ભાગે રાજનેતાઓ, રાજકીયપક્ષો, પ્રશાસકો કે સરકારો દ્વારા મોટા મોટા વાયદાઓ કર્યા પછી તેને નહીં અનુસરવાના કારણે વ્યંગ માટે થતો રહ્યો છે. રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, તેને સહાય પેકેજ તો ઠીક, પરંતુ રાહત પેકેજ પણ કહી શકાય તેમ નથી., પરંતુ રાજ્યભરમાંથી ભાજપના નેતાઓ તથા તેના સમર્થકો આ પેકેજને આજથી જ આવકારવા લાગશે અને સરકારની વાહવાહી કરવા લાગશે, તે પહેલેથી જ નક્કી હતું, તેવી આલોચના પણ થવા લાગી છે.
જો કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને કુલ રૂા. ૯૮૧૫ કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અંદાજો છતાં કોઈ પણ ખેડૂત આ રાહત પેકેજથી વંચિત ન રહી જાય, તે માટે આ માતબર પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો છે, અને સહાય મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તે પણ જણાવ્યું છે. તેમણે આવતીકાલથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે પણ રૂા. ૧૫ હજાર કરોડથી વધુ મૂલ્યની રકમ ફાળવાશે, તેવો અંદાજ પણ જાહેર કર્યો છે., અને આ કારણે ખેડૂતોને કમોસમી વરસાદ સામે પૂરતી મદદ મળી રહેશે અને રવિપાક માટે પણ ખેડૂતોને આ સહાયથી ટેકો મળી રહેશે, જેમાં કિસાન સમૃદ્ધિ યોજનાનો હપ્તો પણ સહાયભૂત થશે, તેવી પણ દલીલ થઈ રહી છે.
આ સહાય પેકેજ એસ.ડી.આર.એફ.ના નિયમોને અવગણીને ખાસ કિસ્સા તરીકે સરકારે જાહેર કર્યું છે, અને આ પેકેજથી ખરેખર જરૂર છે તેવા લાખો ખેડૂતોને સમયસરનો ટેકો મળી રહેશે, અને સતત વરસતો કમોસમી વરસાદ થંભી ગયા પછી ખરીફ પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા હજારો અધિકારી-કર્મચારીઓ તથા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સહિતના નેતાઓ ફિલ્ડમાં ઉતર્યા હોવાનું જણાવી સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશ્યલ મીડિયા દ્વારા આ રાહત પેકેજને સૌથી વધુ મોટું પેકેજ ગણાવ્યું છે. જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રૂા. ૬૫૦૦ની સહાય મળવાપાત્ર હોવા છતાં રાજ્ય સરકારે તેનાથી ત્રણગણી મર્યાદા નક્કી કરીને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ જમા કરાવવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોના હિતમાં છે. રાજ્યની ૪૨ લાખ હેકટર ખેતીની જમીનમાં કમોસમી વરસાદથી ખરીફ પાકોને નુકસાન થયા પછી રાજ્ય સરકારે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાનો દાવો પણ કરાયો છે.
આ સહાય પેકેજને આવકારતા પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે અને સમગ્ર પેકેજનો ઊંડો અભ્યાસ કર્યા પછી આજે વધુ પ્રત્યાઘાતો સામે આવશે, પરંતુ ઘણાં લોકો આ પેકેજને નામ બડે ઔર દર્શન છોટે જેવું પણ ગણાવવા લાગ્યા છે.
અમરેલી ભાજપમાંથી જ આ મુદ્દે અસંતોષના સૂર ઉઠયા છે, જેથી ભાજપમાં ભડકો થયો હોવાના અહેવાલો વહેતા થયા છે.
ચિતલકર, લતા માંગેશકરના કંઠે ગવાયેલું અને રાર્જિંદર કૃષ્ણે લખેલું દાયકાઓ પહેલાનું ફિલ્મીગીત આજે પણ ઘણાં લોકો વિવિધ સંદર્ભમાં ટાંકતા હોય છે અને તેની જુદી જુદી પંક્તિઓનો જુદા જુદા સંદર્ભે ઉપયોગ કરતા હોય છે. આ ગીતની શરૂઆતથી જ એવી રીતે થાય છે કે આ ગીત વ્યંગગીત હોવાનું પૂરવાર થાય છે. "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" થી શરૂ થયેલા ગીતની જુદી જુદી પંક્તિઓમાં જુદા જુદા કટાક્ષો થયા છે, જે ફેશન તથા જીવનશૈલી પર વ્યંગ કરે છે, પરંતુ તેમાંથી એક-બે પંક્તિઓ બહુલક્ષી કટાક્ષ કરે છે, જેમાં "ઉજલે કપડે, દિલ હૈ મૈલા, રંગ-રંગીલી દુસરે ટુકડે, પર ઘરમેં હૈ કડકી છાઈ" વગેરે કટાક્ષોનો વિવિધ અન્ય સંદર્ભો માટે પણ ઉપયોગ થતો રહ્યો છે. અહીં "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" ની પંક્તિ ટાંકીને કટાક્ષ થઈ રહ્યો હોય તે બંધ બેસતો જણાય. જો કે, બીજી તરફ આ જંગી રાહત પેકેજ હેઠળ વાસ્તવિક સહાય, ટેકાના ભાવે ખરીદી તથા કિસાન સમૃદ્ધિ યોજનાના સંયોજન થકી ખેડૂતોને હકીકતે નોંધાપાત્ર રાહત થશે કે કેમ ? તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અન્ય પ્રાદેશિક નેતાઓ રાજ્ય સરકારના આ સહાય પેકેજને માત્ર રાહતનું પડીકું ગણાવીને એવી ટીકા કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોના દેવા માફીની કોઈ જાહેરાત કરી નથી અને લિમિટેડ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને છેતર્યા છે. રાજ્ય સરકારના રાહત પેકેજ સામે વિપક્ષને બોલવા જેવું કાંઈ જ નહીં હોવાથી હવે દેવા માફીનું રટણ કરવામાં આવી રહ્યું હોવાના પ્રતિપ્રહારો સરકારની તરફેણ કરતા વર્તુળો દ્વારા થવા લાગતા હવે આ મુદ્દો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ગુંજવાનો છે, તે નક્કી છે.
રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તે પહેલા કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે સોમનાથથી દ્વારકાની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ ગઈ હતી. અને વિસાવદરમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કોંગી અગ્રણીઓ વિક્રમભાઈ માડમ, પાલભાઈ આંબલીયા, લલિતભાઈ કગથરા, જે.પી.માલવીયા, લાલજીભાઈ દેસાઈ સહિતના દિગ્ગજોએ જે તેજાબી પ્રવચનો કર્યા અને આ યાત્રામાં ખેડૂતોના જે પ્રતિભાવ જોવા મળ્યા, તે જોતાં આ મુદ્દો હવે લાંબા સમય સુધી ગુંજશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial