Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડા ગામના પાટીયા પાસેથી ૨૯,૨૪૩ બોટલ દારૂ સાથે ટ્રક ઝડપાયોઃ એક શખ્સની ધરપકડ, અન્ય ત્રણના નામ ખૂલ્યા

ટ્રક, દારૂ સહિત રૂ।.૧,૫૯,૮૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ગોઠવેલી વોચમાં અન્ય રાજ્યમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠાલવવા માટે લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો ગંજાવર જથ્થો ઝડપાયો છે. આ ટ્રકમાંથી ર૯,૨૪૩ બોટલ દારૂ મળી આવ્યો છે. જથ્થા સાથે પોરબંદર જિલ્લાના શખ્સની અટકાયત કરાઈ છે. તેને દારૂ મંગાવનાર ભાણવડ તથા રાણાવાવના બે શખ્સના નામ આપ્યા છે અને દારૂ ભરી આપનાર અંગે વિગતો આપી છે. દારૂનો જથ્થો, મોબાઈલ, ટ્રક મળી રૂ।.દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. હાલમાં ચૂંટણી ટાંકણે જ દારૂનો આવડો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા ગામના પાટીયા પાસે ગઈરાત્રે એક ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો ગંજાવર જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના મયુરસિંહ, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે જાંબુડા પાટીયા પાસે વોચ રાખી હતી.

તે દરમિયાન રાત્રે સાડા અગિયારેક વાગ્યે પસાર થયેલા જીજે-૩-બીવાય ૭૭૬૯ નંબરના બંધ બોડીના એક ટ્રકને આંતરી લેવામાં આવ્યો હતો. તે ટ્રકની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી મળી કુલ ૨૯૨૪૩ બોટલ મળી આવી હતી. આ જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને પોરબંદર જિલ્લામાં ઠાલવવાનો હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ ટ્રકના ડ્રાઈવર મૂળ પોરબંદરના રાણાવાવના વતની અને હાલમાં આદિત્યાણા ગામમાં રહેતા રાજુ ખીમાભાઈ મોરી ઉર્ફે દેવાની અટકાયત કરાઈ છે.

અંદાજે રૂ।.૧,૩૯, ૭૯,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, રૂ।.૨૦ લાખનો ટ્રક તથા એક મોબાઈલ મળી કુલ રૂ।.૧,૫૯,૮૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. રાજુ ઉર્ફે દેવા મોરીની પૂછપરછ કરાતા તેણે દારૂનો આ જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી નેસવાળા દુદા દેવરાજ કોડિયાતર અને પોરબંદરના રાણાવાવના ગડીયા વાળાનેસના કરશનભાઈ કાનાભાઈ કોડિયાતર નામના શખ્સોએ મંગાવ્યો હોવાની અને કરશને કહ્યું હતું તે શખ્સે આ જથ્થો ટ્રકમાં ભરી આપ્યાની કબૂલાત આપી છે. ચારેય શખ્સ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છવાયેલો છે. ત્યારે જ ઈંગ્લીશ દારૂનો રૂ।.સવા કરોડથી વધુનો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh