Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષણ સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ખાડે... "ખાડા"માં પણ ખાડા... પ્રગટી જનાક્રોશની જ્વાળા...

                                                                                                                                                                                                      

ગઈકાલે પાંચમી સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિનની વિવિધાસભર ઉજવણી થઈ. રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન થયું. શાળા-કોલેજોમાં સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જામનગરમાં બે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કેબિનેટમંત્રીના હસ્તે થયું, તેવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં તથા રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ પણ હાલાર સહિત દેશભરના શ્રેષ્ઠ શિક્ષકોને બીરદાવાયા, દર વર્ષે થતી આ ઉજવણી શિક્ષકો એટલે કે ગુરૂજનો, અધ્યાપકો, પ્રાધ્યાપકો તથા ટ્યુટરોનું નવી પેઢીના ઘડતરમાં યોગદાન પણ ઉજાગર કરે છે.

નગરો-મહાનગરો અને ગામેગામથી શિક્ષક દિનની ઉજવણીના અહેવાલો આવી રહ્યા છે અને ઠેર-ઠેર શ્રેષ્ઠ શિક્ષકોએ શિક્ષણ અને વિશેષ કેળવણીના ક્ષેત્રે કરેલી વિવિધ કામગીરીઓ તથા જહેમતની સાફલ્યગાથાઓ પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી વર્ણવાઈ રહી છે. ગઈકાલે જે જે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું છે, તેઓએ કરેલી વિશિષ્ટ શિક્ષણસેવાના આજે પણ ગુણગાન ગવાઈ રહ્યા છે. આ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન ખરેખર આપણી સેવા, સંસ્કૃતિ અન્યોને મદદરૂપ થવાની માનવીય ભાવનાઓનું પ્રત્યક્ષ પ્રમાણ જ છે ને ?

એક તરફ દેશભરમાં શિક્ષક દિન ઉજવાઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના પાટનગરમાં હલચલ મચી હતી. સત્યાગ્રહ છાવણીમાં શિક્ષક થવા ઈચ્છતા ઉમેદવારો ભેગા થયા હતા, અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. શિક્ષક થવા ઈચ્છતા યુવાનો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા અને રાજ્યના શિક્ષણમંત્રી તથા ભાજપ સરકારની વિરૂદ્ધમાં તીખા તમતમતા પ્રહારો સાથે નારેબાજી કરી રહ્યા હતા. આ દૃશ્યો શિક્ષક દિનની ઉજવણીના ઝળહળાટમાં કલંકરૂપ જણાતા હતા, તે પ્રકારના અહેવાલો વહેતા થયા, ત્યારે શિક્ષક દિને જ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અને ખુટતી સુવિધાઓ અંગે ગહન ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોએ આ અંગે સરકારને વિસ્તૃત રજૂઆતો કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.

શિક્ષક દિને જ રાજયમાં પ્રાથમિક અને માધ્યમિક-ઉ.માધ્યમિકમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની તત્કાળ ભરતી કરવાની માંગણી ઉઠી છે. હજારો ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગણી સાથે જો આંદોલન કરવું પડી રહ્યું હોય તો તે કલંકરૂપ જ ગણાય ને ?

શિક્ષક બનીને શિક્ષણક્ષેત્રે સેવા આપવા માટે ઉમેદવારો કાયમી શિક્ષકોની તત્કાળ ભરતી કરવાની માંગણી કરી રહ્યા હતા. એક તરફ શિક્ષક બનવા માંગતા ઉમેદવારો ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે સાથે શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ કરવા સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને પોસ્ટર્સ-પ્લેકાર્ડઝ સાથે નારેબાજી કરી રહ્યા હતા. તે જ સમયે રાજધાની સહિત રાજ્યભરમાં શિક્ષક દિનની ઉજવણી દરમ્યાન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાઓની વાહવાહી પણ થઈ રહી હતી, તો બીજું આંદોલન શિક્ષકોને કાયમી કરવા સહિતની માંગણીઓને લઈને સમાંતર રીતે પહેલેથી ચાલતુ રહ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં એક સાથે બબ્બે માંગણીઓ સાથે ચળવળો ચાલી રહી હોય તો તે સ્થિતિ રાજ્યની શાસન વ્યવસ્થા માટે શરમજનક ગણાય. અલાયદી ઢબે થઈ રહેલા અન્ય આંદોલનમાં ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર, વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકો કરવાની માંગણી કરતા આંદોલનકારીઓ સાથે બોટાદના ધારાસભ્ય સમર્થન આપતા જોવા મળ્યા તો બીજી માંગણીઓના સમર્થનમાં વડગામના ધારાસભ્ય જોવા મળ્યા. આ રીતે ભાજપ સરકાર સામે ચાલી રહેલા આ આંદોલનોને વિપક્ષના નેતાઓનું સમર્થન મળી રહેલું હતું , પરંતુ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ છાવણીમાં હોવા છતાં બંનેનો ઉદૃેશ્ય રાજ્યની ભાજપ સરકારનો વિરોધ કરવાનો જ હતો, તેથી અન્ય રાજ્ય સરકાર માટે આ સ્થિતિ પડકારરૂપ ગણાય.

આ તરફ રાજ્યના શિક્ષણમંત્રી કૂબેર ડીંડોરે પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હોય, તેમ જણાતુ હતું. શિક્ષકોની ભરતીમાં થતા વિલંબના વિવિધ કારણો વર્ણવતા તેમણે કહ્યું કે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તો ટ્રાન્સપરન્ટ ઢબે થતી રહે છે, પરંતુ કેટલાક કોર્ટ કેસો તથા ન્યાયિક પ્રક્રિયાના કારણે ઘણી વખત મોડું થતું હોય છે, તો ઘણી વખત સમગ્ર પ્રક્રિયા દોહરાવવી પડતી હોય છે.

ડીંડોરે વેઈટીંગ લિસ્ટ અને તમામ ઉમેદવારોને પુરતો સમય આપવાના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને યોગ્ય ઉમેદવારોને મેરીટ મુજબ તકો મળી રહેશે તેવી ખાતરી ઉચ્ચારી. તેમણે કચ્છનો ઉલ્લેખ કરીને ટેટ અને ટાટની નવી પરીક્ષાઓના ભાવિ આયોજન અંગે પણ સંકેતો આપ્યા હતા.

જો કે, આ બંને પ્રકારની કથિત ચળવળો અંગે ભિન્ન ભિન્ન પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે. શિક્ષકોનું આંદોલન શિક્ષક દિને જ રાજયની રાજધાનીની સત્યાગ્રહ છાવણીમાં શરૂ થાય અને તેમાં અલગ-અલગ ઉદૃેશ્યો સાથેના પ્રવાહો જોવા મળતા હોય, ત્યારે સરકારે સંવેદનશીલતાથી આ મુદ્દે ખુલ્લા મને આંદોલનકારીઓ સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણયો લઈને સમયમર્યાદામાં તેને અમલમાં મુકવા જોઈએ. આંદોલનકારીઓએ પણ મૂળ મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સાથે ખુલ્લા મને વાતચીત કરીને એકજૂથ થઈને મુદ્દાસર રજૂઆતો કરવી જોઈએ. આ આંદોલનો રાજનૈતિક અખાડો ન બની જાય, અને એવી ખેંચાતાણીની આડમાં મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાની સંભવિત ચાલાકી કામ ન કરી જાય, તેનું ધ્યાન રાખવું પડે તેમ છે.

એક તરફ નબળા શિક્ષણને લઈને સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ માર્ગો પર પડેલા ખાડાઓને લઈને જામનગર જિલ્લામાં ધારાસભ્ય હેમંત ખવાની પદયાત્રાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. જામનગર સહિત સમગ્ર હાલારના આંતરિક, એપ્રોચ અને ધોરીમાર્ગોમાં ખાડા પડી ગયા છે, તો ખંભાળીયા નગરપાલિકાનો વિસ્તાર જ નહીં, પરંતુ ખંભાળીયા એરિયા વિકાસ ઓથોરિટી (ખાડા) માં પણ ખાડા પડ્યા હોવાની બૂમ ઉઠી છે. શિક્ષણ સહિતની માળખાકિય સુવિધાઓ ખાડે ગઈ છે, તેથી જનાક્રોશ વધી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh