Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં પણ ગોમતી તટે પિંડદાન અને શ્રાદ્ધકર્મનું વધતું મહત્ત્વઃ
દ્વારકા તા. ૧૮: પાંડવોએ જ્યાં ૧૦૮ લોખંડના પીંડ તારવીને શ્રાદ્રકર્મ કર્યું હતું તે પીંડારા ઉપરાંત હવે દ્વારકામાં ગોમતી તટે પણ શ્રાદ્ધકાર્યનું મહત્ત્વ વધી રહ્યું છે.
કલ્યાણપુર તાલુકાની સરહદે રાણ પીંડારાના નામથી ઓળખાતું પીંડારા ગામ મહાભારત કાળના પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણની ઈચ્છાથી અને ઋષિમુનિઓની સલાહથી પાંડવોએ અહીં ૧૦૮ લોખંડના પીંડ દાન તારવ્યા હતા. ત્યારથી આ સ્થળ પીંડતારક કહેવાયું હોવાની માન્યતા છે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂકમણીજીએ મહર્ષિ દુર્વાસાના રથને અહીંથી દ્વારકા સુધી ખેંચેલ. અત્યારે પીંડારામાં સમુદ્ર કિનારે મહર્ષિ દુર્વાસાના આશ્રમ મૈત્રક કાલિન ૭મી સદીથી ૯મી સદી સુધીના મંદિરોનો સમૂહ આવેલો છે. આ ઉપરાંત ગામના તળાવને કાંઠે રાયણનું પ્રાચીન વૃક્ષ આવેલ છે જે સ્થાનીય જાણકારો દુર્વાસા ઋષિની તપસ્થલી તરીકે ૫૨૦૦ વર્ષ પ્રાચીન હોવાનું જણાવે છે. હિન્દુ ધર્મ અનુસાર જે લોકો દ્વારા શ્રદ્ધાથી તેમના પિતૃઓને અંજલી આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદરવા સુદ પુઃનમથી અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધના સોળ દિવસના સમૂહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણના દિવસો કહેવાય છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીના કિનારે તેમજ દ્વારકાના પિંડારા ગામે શ્રાદ્ધનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રાદ્ધના દિવસોમાં પિંડારામાં તેમજ દ્વારકાના ગોમતી ઘાટ પર પિંડદાનનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. દરેક મનુષ્ય ઉપર અમુક પ્રકારના ઋણ હોય છે. જે તેમણે શાસ્ત્રોક્ત રીતે ચૂકવવાનું હોય છે. જે પૈકી એક ઋણ આપણાં પિતૃઓ-પૂર્વજોનું છે. પિતૃઋણ ચૂકવવા માટે શ્રાદ્ધ, તર્પણ, નિત્યતર્પણ, પીંડદાન વગેરે શાસ્ત્રોએ સૂચવેલ છે. શ્રાદ્ધ શબ્દના મૂળમાં શ્રદ્ધા રહેલી છે. શ્રાદ્ધપૂર્વક પિતૃ નિમિત્તે કરેલ પૂજા શ્રાદ્ધ ગણાય છે. ભાદ્રપદ માસમાં આવતા શ્રાદ્ધને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે. પોતાના પૂર્વજોની મૃત્યુતિથિ હોય તે શ્રાદ્ધ તિથિ અમાવસ્યા ગણાય છે. શ્રાદ્ધ તિથિના દિવસે જે કાંઈપણ ૫ુણ્યકાર્ય થાય તે મરનાર પિતૃને પ્રાપ્ત થાય છે. તેથી શ્રાદ્ધના દિવસે જલદાન, અન્નદાન, ભૂમિદાન વગેરે શાસ્ત્રોમાં વિહિત કરેલા છે. જેમની શ્રાદ્ધ તિથિ હોય તે પિતૃને પસંદ ભાવતી વસ્તુ શ્રાદ્ધના દિવસે તૈયાર કરી બ્રાહ્મણ ભોજન કરાવવું. વિધિવિધાનપૂર્વક કરેલા શ્રાદ્ધકર્મથી પિતૃઓ તૃપ્ત થાય અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ ક્રિયાનો એક ભાગ વાસ નાખવી એ વાયસબલી છે. ભાદ્રપદ માસ એ કાગડાનો સંવર્ધન સમય છે. તે વખતે કાગડા ખૂબ ભૂખ્યા થાય અને તેના કારણે કાગડાએ અનેક નાના જીવોને ખાવા પડે તેવી સ્થિતિ થાય. તેથી આપણા શાસ્ત્રકારોએ વાયસબલી એટલે કાગડાને વાસ નાખવાનું વિધાન કર્યું. જેથી તૃપ્ત થયેલ કાગડા અન્ય જીવોની હિંસા ન કરે તેને કારણે જે પુણ્ય થયા તે મૃતક જેમનું શ્રાદ્ધ છે તે પ્રાપ્ત થાય.
શ્રાદ્ધ કરવા માટે સામાન્ય રીતે શ્રાદ્ધ તિર્થમાં પીંડદાન સહિતની વિધિ કરાતી જ્યાર દ્વારકાના સ્થાનિકો મોટે ભાગે દ્વારકાના ગોમતી ઘાટે પીંડદાનની વિધિ કરાવતા. જ્યારે છેલ્લા થોડા વર્ષોમાં સ્થાનિકોની સાથે સાથે બહારગામથી આવતા ભાવિકો પણ દ્વારકાના પવિત્ર ભૂમિમાં દર્શનની સાથે સાથે શ્રાદ્ધ વિધિ પણ કરાવતા જોવા મળી રહ્યા છે. ચૈત્ર, ભાદરવા, કારતકમાં વધુ પ્રમાણમાં પૂર્વજોના શ્રાદ્ધકર્મની વિધિ કરાવતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial