Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકાના વહીવટનું ભોપાળું
ખંભાળિયા તા. ૨: ખંભાળિયા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને ઈ.પી.એફની તથા તેના હક્ક-હિસ્સાની રકમ વર્ષોથી ના ચૂકવાતા તથા આ બાબતે પી.એફ. કમિશનરના આદેશ, કમિશ્નર પાલિકાના આદેશ પછી પણ કંઈ ના થતા થાકી ગયેલા પાલિકાના નિવૃત્ત રોજમદાર કર્મીઓ દ્વારા કોર્ટમાં તથા પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવાનું નક્કી કરતા ભારે ચર્ચા જાગી છે.
અગાઉ પાલિકામાં કારોબારી તથા સામાન્ય સભામાં નાણાપંચની રકમમાંથી ઈ.પી.એફ. તથા સામાન્ય હક્ક-હિસ્સા ચૂકવવા ઠરાવ થયેલા હતાં તે પછી તાજેતરમાં પાલિકાની શોપીંગ સેન્ટરની હરાજીમાં તથા અન્ય સ્ત્રોતોમાંથી કરોડોની આવક થયેલ છે, ત્યારે પાલિકાના રોમજદાર અને બે-પાંચ વર્ષથી નિવૃત્ત થયેલા કર્મચારીઓના હક્ક-હિસ્સા તથા ઈ.પી.એફ.ના પૈસા ના ચૂકવાતા નિવૃત્ત કર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
અગાઉ ગાંધીનગર સુધી ફરિયાદ થતા તત્કાલિન ચીફ ઓફિસર દ્વારા ચૂકવવા લેખિતમાં ખાતરી આપેલ હતી તથા હાલ નાણાકીય સ્થિતિ સારી છે તો પણ નાના નિવૃત્ત કર્મીઓના હક્કના પૈસા પણ ચૂકવવામાં વર્ષો લાગી જવા છતાં ના ચૂકવાતા કર્મચારીઓ મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા છે તથા આ ગંભીર પ્રશ્ને રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ થનાર છે, ત્યારે આ પ્રશ્ન ખંભાળિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.