Advertisement
Author: નોબત સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા એનડીએના સંયુકત ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનઃ ૪૫૨ મત મેળવી ભવ્ય વિજય

ઈન્ડિયા ગઠબંધનના સંયુકત ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ મત મળતા ૧૫૨ મતે પરાજયઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: ગઈકાલે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનના બી. સુદર્શન રેડ્ડીને ૧૫૨ મતે હરાવીને એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો શાનદાર વિજય થયો છે. તેઓને ૪૨૫ અને તેના પ્રતિસ્પર્ધીને ૩૦૦ મત મળ્યા છે. ૧૫ વિપક્ષી સાંસદોએ ક્રોસવોટિંગ કરીને એનડીએના ઉમેદવારને મત આપ્યો હોય તેમ જણાય છે. હવે રાધાકૃષ્ણન હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષનો પદભાર પણ સંભાળશે.

ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણનની પસંદગી થતાં દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે. ૪૫૨ મતો મેળવીને ૧૫૨ મતે શાનદાર વિજય સાથે તેમણે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) બી. સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે. કુલ ૭૫૨ માન્ય મતોમાંથી વિજય માટે જરૂરી ક્વોટા ૩૭૭ મતોનો હતો, જેની સામે રાધાકૃષ્ણનને ભવ્ય બહુમતી મળી હતી. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતાં.

સી.પી. રાધાકૃષ્ણનો પરિચય

૨૦ ઓક્ટોબર, ૧૯૫૭ના તમિલનાડુના તિરૂપુરમાં જન્મેલા ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણન એક એવા રાજકીય નેતા છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક સમર્પિત કાર્યકર્તા તરીકે કરી હતી. માત્ર ૧૭ વર્ષની યુવાન વયે ભારતીય જન સંઘમાં સક્રિય થઈને તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભિક મુકામ ૧૯૯૮ અને ૧૯૯૯માં આવ્યો, જ્યારે તેઓ કોઈમ્બતુર લોકસભા બેઠક પરથી બે વાર વિજયી થયા. આ જીત તેમની જનતામાં લોકપ્રિયતા અને સંગઠન પરની મજબૂત પકડ દર્શાવે છે. ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી તેમણે તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી, રાજ્યમાં પક્ષના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી.

તાજેતરમાં તેમણે રાજકારણ ઉપરાંત વહીવટી ક્ષેત્રે પણ પોતાની કુશળતા સાબિત કરી છે. ૨૦૨૩ થી ૨૦૨૪ દરમિયાન તેઓ ઝારખંડના રાજ્યપાલ તરીકે કાર્યરત રહૃાા. આ ઉપરાંત, તેમણે થોડા સમય માટે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ૩૧ જુલાઈ, ૨૦૨૪ના તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યાંથી તેઓ સીધા ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક રાજીનામું આપ્યા બાદ યોજવામાં આવી હતી. હવે હોદ્દાની રૂએ રાધાકૃષ્ણન ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિની સાથે સાથે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી સંભાળશે.

ક્રોસવોટિંગની ચર્ચાઃ વિપક્ષની વિમાસણઃ ગદ્દાર કોણ?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત જ હતી, પરંતુ વિપક્ષી ઈન્ડિયન ગઠબંધનને વાસ્તવિક ફટકો તેના પોતાના મતબેંકમાં થયેલા ખાડાથી પડયો છે. તેમના ઉમેદવાર  બી. સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ વોટ મળ્યા, જ્યારે વિપક્ષી ગઠબંધને ઓછામાં ઓછા ૩૧૫ વોટની ગણતરી કરી હતી. વિપક્ષી નેતાઓ અપેક્ષા રાખતા હતા કે રેડ્ડીને ૩૧૫થી ૩૨૪ સુધીના વોટ મળશે. પરંતુ પરિણામોએ દર્શાવ્યું કે ઓછામાં ઓછા ૧૫ મત વિપક્ષી છાવણીમાંથી એનડીએ તરફ ગયા. કેટલાક મતોને ઈરાદાપૂર્વક અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પરિણામો આવ્યા પછી વિપક્ષી છાવણીમાં 'ગદ્દારો'ની શોધ શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી અને શિવસેના (યુબીટી) તથા એનસીપી (શરદ પવાર) જૂથો પર સૌથી વધુ આંગળીઓ ઉઠી રહી છે. રાજસ્થાનથી એક સાંસદ અને તમિલનાડુમાંથી આવેલા વોટ પર પણ ચર્ચા ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હિપ લાગુ થતો નથી, તેથી નેતાઓ માટે ક્રોસ-વોટિંગ કરવું સરળ બન્યું.

મતદાન પછી તરત જ કોંગ્રેસના જયરામ રમેશે એકસ પર લખ્યું હતું કે વિપક્ષે ૧૦૦ ટકા હાજરી નોંધાવી અને ૩૧૫ સાંસદોએ મતદાન કર્યુ. પરંતુ પરિણામોના બે કલાકમાં, આ એકતા તૂટી ગઈ હોય તેવું લાગતું હતું.

આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા ૭૮૧ હતી, જેમાંથી ૭૬૭ મતદારોએ મતદાનમાં ભાગ લીધો. મતગણતરીમાં ૭૫૨ વોટ માન્ય અને ૧૫ ગેરકાયદેસર જણાયા. આ રીતે, જીત માટે ઓછામાં ઓછા ૩૭૭ વોટની જરૂર હતી. વિપક્ષના ઉમેદવાર વી. સુદર્શન રેડ્ડીને પ્રથમ પસંદગીના માત્ર ૩૦૦ વોટ મળ્યા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની તવારીખ

ભારતના ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પછી ભારત સરકારમાં બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૬૩ અનુસાર, જયારે રાજીનામું, દૂર કરવા. મૃત્યુ, મહાભિયોગ અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેમના કાર્યો કરવામાં અસમર્થતાને કારણે આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના કાર્યો કરે છે અને તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે, રાજ્યસભાના પદાધિકારી અધ્યક્ષ પણ છે. ઈ.સ. ૧૯૫૦માં આ પદની શરૂઆત થઈ ત્યારથી ૧૪ ઉપરાષ્ટ્રપતિ ભારતને મળ્યા છે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન છે જેઓએ તા. ૧૩ મે ૧૯૫૨ના રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. તેમણે ૧૯૬૨થી ૧૯૬૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. આઝાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે સેવા આપનાર મહાશયોની તવારીખ પર દૃષ્ટિપાત કરીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh