Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં માવઠાથી ખેતીપાકના નુકસાનનો સર્વે સંપન્નઃ સરકારને રિપોર્ટ

જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની ૩૩૨ ટીમો કામે લાગી હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગ જામનગરની ૩૩૨ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો ૧૦૦ ટકા સર્વે પૂર્ણ કરાયો હોવાનો તંત્રે દાવો કર્યો છે.

વાતાવરણના અણધાર્યા પલટાને કારણે જામનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જગતના તાતના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને જિલ્લાના કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જામનગર (ગ્રામ્ય, શહેર), કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, જોડિયા અને લાલપુર સહિતના સમગ્ર જિલ્લાના તમામ તમામ તાલુકાઓને આવરી લઈ કૃષિ સંલગ્ન અને અન્ય વિભાગના તમામ કર્મચારીઓની કુલ ૩૩૨ ટીમો બનાવવામાં આવી હતી. આ કર્મચારીઓએ અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે આંકલન થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ ટીમોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરીને વેગ આપતાં, જામનગર (ગ્રામ્ય) ના ૧૦૦, જામનગર (શહેર)ના ૬, કાલાવડના ૯૮, જામજોધપુરના ૬૯, ધ્રોલના ૪૨, જોડિયાના ૩૭ અને લાલપુરના ૭૩ ગામોનો ૧૦૦ ટકા સર્વે તારીખ ૦૨.૧૧.૨૦૨૫ની સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાયો છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયામાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. જેના પગલે જિલ્લાના ૪૨૫ ગામોના ખેડૂતોને મગફળી, કપાસ, તુવેર, સોયાબીન અને શાકભાજી પાકો સહિત કુલ ૩,૨૮,૧૮૫ હેક્ટરમાં અસર પહોંચી છે. આ સાથે જ, તાલુકા કક્ષાએ ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓની લાયઝન અધિકારી અને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુના ૩,૪૭,૦૬૬ હેક્ટરમાં કુલ વાવેતર કરાયું છે. હાલમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ગ્રામસેવકો અને તલાટી કમ મંત્રી દ્વારા મુલાકાત લઈ, ખેડૂતોને થયેલી નુકસાની અંગે પાકની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh