Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્યજીની પાવક પધરામણી
જામનગર તા. ૩૦: દ્વારકા શારદાપીઠના પીઠાધિશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની મહારાજના આગમનને શહેરના ગોલ્ડન નેસ્ટ પરિવારના સભ્યોએ ઢોલ-નગારા અને પુષ્પવર્ષાથી વધાવ્યું હતું.
ગોલ્ડનનેસ્ટ એપાર્ટમેન્ટના રહેવાસીઓ વતી પાદુકા પૂજન ગિરીશીભાઇ ગણાત્રા, શ્રીમતી પ્રજ્ઞાબેન ગણાત્રા, રમેશભાઇ ગઢવી, શ્રીમતી દિપાબેન ગઢવી, પ્રણવસિંહ જાડજા અને શ્રીમતી રશ્મીબા જાડેજાએ પૂજય શંકરાચાર્યજીના પાદુકાનું શાસ્ત્રોકત્તવિધિ સાથે પૂજન કરી વંદન સાથે સ્વાગત કર્યું હતું.
જગદ્દગુરૂ શંકરાચાર્ય મહારાજે તેમના પ્રવચનના પ્રારંભમાં જ રામનવમી પર્વના ઉલ્લેખ કરી જણાવ્યું કે, રામનું નામ માત્ર લેવાથી કલ્યાણ થાય છે, રામ ભગવાન પ્રાપ્ત થાય તે તો અતિશય ઉત્તમ છે જ, પરંતુ માત્ર રામ નામનો જાપ કરવાથી જ અંતઃકરણમાં શુભ તરંગો પેદા થાય છે. જય શ્રીરામ, રાધે ક્રિષ્ના, જય દ્વારકાધીશ, હે નાથ નારાયણ જેવા નામામાં ગજબની શક્તિ છે. જગદ્દગુરૂએ ખુબ જ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નામીના જ નામ હોય છે. રામને કૌશલ્યાનંદન, કૃષ્ણને દેવકીનંદન, યોશદાનંદન તરીકે સંબોધન એટલા માટે છે કે તેમનો મનુષ્ય અવતાર છે. બાકી ઇશ્વર તો અંતહીન છે. સનાતન ધર્મમાં ભગવાનનું નામ નથી. આપણે મીંદરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ.પૂજા-આરાધના કરીએ છીએ. કારણ કે, તે ભગવાનનો અવતાર થઇ ચૂકયો છે અને તે તો પ્રથમ થી જ ઉપલબ્ધ છે.
આપણે ભગવાનને લાવવાનો પ્રયાસ કરવાનો નથી, તે તો આપણી અંદર જ છે. આપણી જીભ આપણા વશમાં છે. જીભથી નામ લેવાનું આપણા વશમાં છે. સંસારમાં ક્યાંય વિપત્તિ કે સંપત્તિ નથી. ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલી ગયા તો તે વિપત્તી છે. અને સ્મરણ જ સંપત્તિ છે.
ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે, ભગવાનના નામની માળા કરૃં છું..તેમ છતાં બિમારી આવે છે. દરિદ્રતા દુર થતી નથી વગેરે સમસ્યાઓ શા માટે રહે છે? કારણ કે, પ્રભુ નામના સ્મરણ કરવામાં નિષ્ઠાનો અભાવ છે. ધન કમાવાની ચિંતા કરો છો ત્યારે તેવી જ નિષ્ઠા ઘ્યાન અને પૂજામાં હોવી જોઇએ. ભગવાનનું સ્મરણ નિષ્ઠાપૂર્વક કરો સંકટ દૂર થશે.
ધર્મના આચરણ કે પાલન માટે નાણાંની ક્યારેય જરૂર પડતી નથી. ધનને શુદ્ધ કરવાની શક્તિ ખુદ મનમાં જ છે. ધનનો સત્કાર્યમાં ઉપયોગ કરવાની નિષ્ઠા હોવી જોઇએ.
જગદ્દગુરૂએ ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જયારે યાચકો તેમની પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ગયા ત્યારે તેઓ પાર્વતીજી સાથે વાર્તાલાપ કરી રહૃાા હતા.
આથી યાચકો નિરાશ થઇને પાછા વળી ગયા...ત્યારે તેમના માર્ગ પર મહાદેવ અંગ પર ભષ્મ લગાડી સાધુ સ્વરૂપે એક વૃક્ષ નીચે બેસી ગયા, ત્યાં યાચકોને આ સાધુને પ્રશ્નો રજુ કરવાની ઇચ્છા થઇ....પણ મહાદેવની સામે તેમના મનમાં જ પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા અને તેની સાથે જ મનમાં જ તમામ પ્રશ્નોનું સમાધાન પણ થવા લાગ્યું...તેમના તમામ સંશયો દૂર થઇ ગયા...
આંખમાં લગાડેલું કાજળ આપણી જ આંખને દેખાતું નથી, તે જોવા માટે અરીસો જોઇએ, ભગવાન તો આપણા હ્ય્દયની ગુફામાં જ બિરાજમાન છે, તેના દર્શન કરવા શાસ્ત્રરૂપે, ગુરૂરૂપે દર્પણની જરૂર છે. ઘન પ્રાપ્તિ માટે જેવી નિષ્ઠા દર્શાવો છો, તેવી જ નિષ્ઠા ઇશ્વર પ્રાપ્તિ માટે કરો તો જ ઇચ્છાપૂર્તિ થાય છે. નિષ્ઠા વગર કરેલી આરાધનનાનું ફળ મળતું નથી.
જે વસ્તુ છે જ નહીં, તેની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે? દ્રશ્યમાન જગત આપણા માટે, આપણા શરીરી માટે છે. તેમ છતાં સંસારને અસાર સમજવાની પણ જરૂર છે. જયારે દોરડાને સર્પ સમજીને ડર લાગે અને પછી ખબર પડે કે આ તો દોરડતું હતું ત્યારે જે રીતે ભ્રમ દૂર થાય છે તેવા ભ્રમ સંસારમાંથી દૂર કરવાની જરૂર છે. કેળના ઝાડના થડમાંથી છાલ ઉતાર્યા રાખો...તેમા કેળા નહીં મળે.
જગદ્દગુરૂ શંકરાચાર્યજીએ તેમની અમૃતવાણીના સમાપનમાં ધર્મ અને સત્સંગનો અવસર માંડ્યો છે ત્યારે જામનગર જેવી ધર્મનગરીમાં ધર્મ પ્રત્યેની આશક્તિ વધતી રહે અને સૌનું કલ્યાણ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા.
ગોલ્ડન નેસ્ટ પરિવાર વતી ગિરીશભાઇ ગણાત્રાએ આભાર વંદના કરી હતી. ત્યાર પછી સૌએ શંકરાચાર્યજીના ચરણ પાદુકાના દર્શન તેમના પાદુકાનુ પૂજન અને વંદન કરી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક અવસરને સફળ બનાવવા ગોલ્ડન નેસ્ટ પરિવારના હોદ્દેદારો, સમિતીના સભ્યો, મહિલાવૃંદ તેમજ સૌ ફ્લેટ ધારકોએ સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial