Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં સ્થાનિક ફંડોની નીચા મથાળે લેવાલી યથાવત્...!!

તા. ૦૨-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ચોમાસાની સારી પ્રગતિ અને જીએસટીમાં ઘટાડો થવાની આશાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

અમેરિકાના ભારત પર ૫૦% ટેરિફ લાગુ કરાતાં અને આ મામલે હજુ બન્ને દેશો વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર નહીં હોઈ ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી બનવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પર ભીંસ વધવાની શકયતાએ શેરોમાં ફંડો, મહારથીઓએ ગત સપ્તાહમાં સતત તેજીનો વેપાર હળવો કર્યો હતો. પરંતુ ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી-આર્થિક વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮% જાહેર થતા અને ભારતમાં ઉદ્યોગોને મેક ઈન ઈન્ડિયા માટે પ્રોત્સાહન સાથે જીએસટી માળખાના સરળીકરણના નિર્ધાર અને હવે તહેવારોની સીઝન પહેલા જ જીએસટી દરોમાં ઘટાડો કરીને રાહત આપવાના સંકેતે આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૦%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૪% અને નેસ્ડેક ૧.૧૫% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૮ અને વધનારની સંખ્યા ૨૦૪૦ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓટો, હેલ્થકેર, ફોકસ્ડ આઈટી, આઈટી, કોમોડીટીઝ, મેટલ, ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૪,૮૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૫,૩૫૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૪,૮૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૨૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૫,૩૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૨૩,૩૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૩,૫૨૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૧૪૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૯૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૩,૪૨૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

મેક્રોટેક ડેવલપર્સ (૧૨૧૨) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૦૪૦) : એ / ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૧૦૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ. ૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ટાટા ટેકનોલોજીસ (૬૮૨) : રૂ.૬૬૩ નો પ્રથમ તેમજ રૂ. ૬૫૦ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૯૪ થી રૂ. ૭૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૩૭૬) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, હાલમાં અમેરિકાના ૫૦% ટેરિફ અને તેના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આ પરિસ્થિતિને તક રૂપે જોઈ રહ્યા છે અને ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદી કરી રહ્યા છે. ટૂંકા ગાળે અમેરિકા-ભારત વચ્ચેના વણસતા સંબંધો બજાર માટે અસ્થિરતા લાવશે, પરંતુ નિષ્ણાંતોના મતે ટ્રેડ ડીલની શક્યતાઓ આગળ વધે તો અમેરિકા વધારાની ૨૫% ટેરિફ પાછી ખેંચી શકે છે. આ પરિસ્થિતિ સુધરે તો બજારમાં ફરીથી વિશ્વાસ વધશે.

વૈશ્વિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે, જેમાં ચાઈના-અમેરિકા તેમજ ભારત-અમેરિકા સંબંધો મુખ્ય ભૂમિકા ભજવશે. આ દરમિયાન ભારત રૂપિયાને નબળો થવા દેતા નિકાસમાં સ્પર્ધાત્મકતા જાળવી રહ્યું છે, જે લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે સહાયક બની શકે છે. સમગ્ર રીતે, આગામી દિવસોમાં બજાર ઊથલપાથલ ભરેલું રહેવાની શક્યતા છે, પરંતુ સ્થાયી રોકાણકારો માટે પસંદગીયુક્ત ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh