Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધાવસ્થામાં આયુર્વેદિક સારવાર અંગે વિશ્વભરના તજજ્ઞો કરશે મંથન-સંશોધનઃ
જામનગરમાં આવેલ આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી એકમાત્ર સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા) નાં પાંચમા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ૧૪ થી ૧૬ ઓક્ટોબર દરમ્યાન 'આયુર જેરીકોન - ૨૦૨૫' નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીઝ કેન્દ્રને ૨૫ વર્ષ પૂર્ણ થવાની પણ ઉજવણી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં આયુષ મંત્રાલયનાં સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.સમગ્ર આયોજન અંગે પત્રકાર પરિષદ યોજીને આયુર જેરીકોન નાં કો - ઓર્ગેનાઇઝીંગ ચેર પર્સન ડો. દર્શના પંડ્યા સહિતનાં આયોજકો તથા પી.આર.ઓ. ચિત્રાંગદ જાની સહિતનાં હોદ્દેદારો દ્વારા સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.
ભારત સરકારનાં આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર એટલે આઇ.ટી.આર.એ.ની સ્થાપના ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં તેની સ્થાપનાને ૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રિદિવસીય કોન્ફરન્સ આયુર જેરીયકોન-૨૦૨૫ આયોજીત કરવામાં આવી છે.ઉપરાંત સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપવા સ્થપાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રને પણ ૨૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહૃાાં છે ત્યારે તેની પણ ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાવા જઇ રહેલાં આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન ડો. બી. એલ. મહેરા અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇટ્રાનાં ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી રહેશે. તેમજ દેશ અને દુનિયામાં આયુષ અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓની સંસ્થા અને યુનિવર્સિટીઓના ૨૬ જેટલાં વડાઓ-તજજ્ઞો ઓફલાઇન તેમજ ઓનલાઇન (વર્ક્યુઅલ પદ્ધતિથી) જોડાશે. ઉપરાંત નીતિ આયોગ ભારત સરકારના હેલ્થ રિસર્ચ ઓફિસર શોભિત કુમાર સહિતની વિવિધ વિદ્યાશાખાઓના તજજ્ઞો પણ પોતાનું જ્ઞાનરૂપી યોગદાન આપશે અને આમ થવાથી સમગ્ર વિશ્વ માટે આયુર્વેદના સથવારે વૃધ્ધાવસ્થાને સ્વાસ્થ્ય સમૃદ્ધ કરવા નીતિ અને માર્ગદર્શીકા તૈયાર કરવાઆં આવશે.
આયુર્વેદ માટે જામનગર એ જનક ભૂમિ સમાન છે ત્યારે તેના સુગ્રથિત શિક્ષણની તમામ તબક્કે શરૂઆત જામનગરથી થઇ છે. સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ માટે એક અલાયદું કેન્દ્ર પણ જામનગર ખાતે જ શરૂ કરવામાં આવ્યું હતું. આ રજત જયંતિ સફરમાં અત્યાર સુધીમાં વિશ્વભરના કુલ ૬૭ દેશોમાંથી ૫૨૫ વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યાં છે.
આયુર જેરીકોન
-૨૦૨૫ શું છે?
આઇ.ટી.આર.એ. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં એલોપથી ચિકિત્સા પદ્ધતિમાં જીરીયાટીક એટલે કે વૃદ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે પરંતુ આયુર્વેદમાં આજ સુધી માત્ર તે સંદર્ભ ગ્રંથોમાં સીમિત હતું પણ હવે તેની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે વિચાર મંથન અને આગામી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ૩ દિવસીય જીરીયાકોન-૨૦૨૫ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી ૫૦૦થી વધુ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને અભ્યાસુઓએ ભાગ લેવાના છે એટલું જ નહીં પરંતુ સંશોધન પત્રો પણ રજૂ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાક્ષાના તજજ્ઞો વકતા તરીકે વિવિધ ૧૦ જેટલા પેટાં વિષયો પર પરિસંવાદમાં જોડાશે જેમાં અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકાથી પધારશે. કુલ ૧૦ વકતાઓ દ્વારા ૩ દિવસમાં વિવિધ સત્રોમાં આ સમગ્ર પરિષદ યોજાઇ રહી છે. કુલ ૬ જેટલાં વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શન દ્વારા વિવિધ માર્ગદર્શિકા પણ તૈયાર થશે. આ પરિષદમાં કલિનિકલ જીરિયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનરો માટેની તૈયાર થયેલી ડિજીટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પરિષદમાં આયુર્વેદ થકી વૃદ્ધાવસ્થાની સારવાર માટેની અલગ અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ તૈયાર કરવો, માળખું ઘડવું અને પ્રાયોગિક કાર્યો માટેની વ્યવસ્થાનું સંપૂર્ણ માળખું પણ તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં સમગ્ર દેશ-દૂનિયા માટે દીવાદાંડી સમાન બની રહેશે.
આ કોન્ફરન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે જીરીયાટીક હેલ્થ માટેનો એક્શન પ્લાન અને ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેને નજીકના ભવિષ્યમાં કાર્યમાન કરવામાં આવશે અને વૃદ્ધાવસ્થા માટે આયુર્વેદ પદ્ધતિથી ઉપચારની એક નવું સિમાંકન અંકિત થશે. આઇ.ટી.આર.એ. ખાતે આયુર્વેદ પદ્ધતિથી સંચાલિત રિજ્યોનલ કેર સેન્ટર પણ નજીકના ભવિષ્યમાં સ્થાપવામાં આવશે જ્યાં વિશેષ રીતે વૃદ્ધોની સારવાર આપવામાં આવશે.
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડિઝ કેન્દ્રની રજત જયંતિ
જામનગરના આયુર્વેદ પરિસરમાં આવેલું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડિઝ કેન્દ્ર વર્ષ ૨૦૦૦માં ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયનાં તત્કાલીન કુલપતિ સ્વ. પ્રોફેસર વૈદ્ય પી.વી.એન. કુરૂપ અને આઇ.પી.જી.ટી.આર.એ.ના તત્કાલીન ડાયરેક્ટર સ્વ. પ્રોફેસર વૈદ્ય એમ. એસ. બઘેલની દીર્ઘ દૃષ્ટીથી સ્થાપવામાં આવ્યું હતું. આજે આ કેન્દ્ર આયુષ મંત્રાલયનાં આઇ.ટી.આર.એ. દ્વારા સંચાલન કરવામાં આવે છે.
વર્ષ ૧૯૯૨માં જ ત્રણ માસનો ટૂંકાગાળાનો અભ્યાસક્રમ શિખવા વિદેશી વિદ્યાર્થીઓ અત્રે આવતા જ હતાં પરંતુ દીર્ઘ દૃષ્ટીકોણ ધરવતા નેતૃત્વના સફળ પ્રયત્નોથી ભારત સરકાર દ્વારા ૧૦ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિશેષ સીટ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ ૨૦૦૦માં ખાસ કેન્દ્રની અલગથી સ્થાપના થઇ અને તબક્કાવાર આ કેન્દ્ર માસ્ટર ડીગ્રી અને હવેતો પીએચડી સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
હાલ વિશ્વનાં ૭૦થી વધુ દેશોમાં અહીંથી આયુર્વેદનો અભ્યાસ કરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પોતાનાં દેશમાં આયુર્વેદ ક્ષેત્રે ચિકિત્સક અને સંશોધક તરીકે કાર્ય કરી રહૃાાં છે. જાપાન, બ્રાઝિલ, રશીયા, શ્રીલંકા, મોરેશ્યસ, યુનાઇટેડ કિંગડમ, નેપાલ અને ભૂટાન જેવા દેશોમાં આ અયુર્વેદ વૈદ્યોની પ્રેક્ટિસનો લાભ લેવા ત્યાંના દેશવાસીઓ ઉત્સાહ અને વિશ્વાસભેર સારવાર યજ્ઞનો લાભ લઇ રહૃાા છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા દૂનિયાના ૧૦ દેશોની ટોચ કક્ષાની સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે જે ખૂબ જ ધ્યાનાકર્ષક બાબત ગણાય.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ અભ્યાસ માટે અલગ વર્ગો, નિવાસી વ્યવસ્થા, ખાસ ભાષાકિય શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણ ઉપલબ્ધ બનાવી શકાય તેવું સમગ્ર દેશમાં એક માત્ર કેન્દ્ર એટલે ઇટ્રાનું આઇ.સી.એ.એસ. કેન્દ્ર છે. નવાનગર-જામનગરનાં રાજવી પરિવાર દ્વારા રાજ્યાશ્રય પામી રોપવામાં આવેલો આયુર્વેદનો છોળ આજે એક વટવૃક્ષ બની વિશ્વભરમાં પ્રસરાયો છે અને છાયડારૂપી ચિકિત્સા સૌને ઉપલબ્ધ કરાવી રહૃાો છે. જે જામનગર માટે આ અત્યંત ગૌરવશાળી બાબત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial