Advertisement
Author: નોબત સમાચાર

આપણા સૌના લાડીલા સ્વ. રોનકને ભાવભરી શ્રદ્ધાંજલિ...

                                                                                                                                                                                                      

 

વર્ષ-૨૦૧૮નો એ ગોઝારો દિવસ અમને બધાને કારમો આઘાત આપી ગયો હતો. જ્યારે માધવાણી પરિવાર સહિત સૌનો લાડકવાયો રોનક યુવાનવયે વૈકુંઠયાત્રાએ નીકળી ગયો હતો.

રોનક સાંધ્ય દૈનિક "નોબત"ના કોમ્પ્યુટર વિભાગમાં અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સાથે સંકળાયેલી બાબતોમાં પારંગત હતો અને 'નોબત' ને સોશ્યલ મીડિયા, ઈ-પેપર તથા વેબસાઈટના માધ્યમથી સાત સમંદર પાર પહોંચાડયું હતું. અખબારનું આકર્ષક પ્રિન્ટીંગ, લે-આઉટ અને યુગને અનુરૂપ અપડેટ કરતા રહીને રોનકે 'નોબત' ને વધુ આકર્ષક બનાવ્યું હતું.

રોનક સ્ટાફ તથા પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે આજે પણ તેની ખોટ સૌ કોઈને વર્તાય છે. હરહંમેશ હસતો ચહેરો, મળતાવડો સ્વભાવ, વિવેકપૂર્ણ વાણી અને વિનયી વ્યવહારના કારણે રોનકનું વ્યક્તિત્વ કાંઈક અલગ જ ભાત પાડતું હતું.

નોબત પરિવાર અને માધવાણી પરિવારનો આંખોનો તારો અને સૌ કોઈનો પ્યારો રોનક વર્ષ-૨૦૧૮ની ૧૨મી નવેમ્બરે જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયો, ત્યારે નગર નિમાણું થઈ ગયું, હાલાર હિબકે ચડ્યું હતું, મિત્રમંડળમાં માતમ છવાયો હતો, 'નોબત' ભવનમાંથી રોનક ઉડી ગઈ હતી અને સર્વત્ર શોક છવાઈ ગયો હતો. એ વસમી વિદાય અમારા માટે કઠુરાઘાત સમાન હતી. રોનક વૈકુંઠવાસી થયો, તે દિવસે લાભપાંચમનું પાવન પર્વ હતું.

રોનકે 'મેઘધનુ' જેવા વાર્ષિક ત્રિદિવસીય કાર્યક્રમો યોજીને લોક-સાહિત્ય, ગીત-સંગીત અને પત્રકારિત્વનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેથી પ્રતિવર્ષ નોબતની વર્ષગાંઠની ઉજવણી વધુ શાનદાર બની હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી નગરના નવોદિતોને પણ પરફોર્મન્સનું પ્લેટફોર્મ મળ્યું હતું. રોનક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સદૈવ અગ્રેસર રહેતો હતો અને યુવાવર્ગમાં ખૂબજ લોકપ્રિય બન્યો હતો.

રોનકની "આઉટ ઓફ ધ બોક્સ" એક્ટિવિટીઝમાં સમગ્ર માધવાણી પરિવાર અને નોબત પરિવારનો સક્રિય સહયોગ મળ્યો હતો. અને ગત વર્ષે જ પહેલી નવેમ્બરે વૈકુંઠવાસી થયેલા પિતા કિરણભાઈ માધવાણીનું પ્રોત્સાહન અને પથદર્શન મળતું રહ્યું હતું. રોનક તેમના માતા જ્યોતિબેન માધવાણીની સામાજિક અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતો હતો અને સંતાનોના ઉછેર-પરિવારની જવાબદારીઓ તથા નોબતની રોજીંદી કામગીરી ઉપરાંત સેવાપ્રવૃત્તિઓ તથા બિઝનેસ એક્ટિવિટીઝ પણ સફળતાપૂર્વક કરતો હોવાથી હંમેશાં પ્રવૃત્તિમય રહેતો હતો. આ કારણે આજે પણ નોબત ભવનના ખૂણે ખૂણે રોનકની અનુભૂતિ થઈ રહી છે.

આજે રોનક ભલે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેના સત્કાર્યોની સુવાસ અને સંસ્મરણો-સ્મૃતિઓના સ્વરૂપમાં રોનક આજે પણ આપણાં સૌના દિલો-દિમાગમાં છવાયેલો જ છે અને આપણી વચ્ચે જ હોય, તેવી અનુભૂતિ થાય છે. માત્ર ૪૦ વર્ષની યુવાવયે કાયમી વિદાય લઈ લેનાર રોનકની કદાચ ઈશ્વરને પણ જરૂર પડી હશે. આપણે કુદરતની ઘટમાળ પાસે લાચાર છીએ અને જન્મ-મૃત્યુ આપણાં હાથમાં નથી, તે વાસ્તવિકતા સ્વીકારીને આજે રોનકની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર                                - માધવાણી પરિવાર

તા. ૧૨-૧૧-૨૦૨૫                  - નોબત પરિવાર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh