Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પહેલા પુત્રી રોહિણીએ કર્યા હતાં ગંભીર આક્ષેપોઃ
પટણા તા. ૧૭: લાલુ યાદવના પરિવારમાં વધુ ભંગાણ પડ્યું છે. ૩ પુત્રીઓએ ઘર છોડ્યું છે. રોહિણી પછી રાગીણી, ચંદા, રાજલક્ષ્મીએ પટણા છોડ્યું છે, અને દિલ્હી પહોંચી છે. ચૂંટણીમાં રાજદના ધબડકા પછી લાલુ યાદવ પરિવાર તૂટ્યો છે. રોહિણીએ તો સનસનીખેજ આરોપો પણ લગાવ્યા હતાં.
બિહારનો સૌથી મોટો રાજકીય પરિવાર હાલમાં ગંભીર કૌટુંબિક વિવાદનો સામનો કરી રહ્યો છે. આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ તેમના ભાઈ તેજસ્વી યાદવ અનેતેમના નજીકના સાથીઓ પર ગંભીર આરોપો લગાવ્યા પછી આ મામલો વધુ વકરતો જાય છે.
રોહિણીના આરોપોથી પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે અને નેતૃત્વ શૈલી પર પ્રશ્નો ઊભા થયા છે. રોહિણી પટણા છોડીને સિંગાપોર ગઈ છે. રોહિણીના ગયા પછી લાલુ યાદવની વધુ ત્રણ પુત્રીઓ પરિવારનું ઘર છોડીને ગઈ છે. રવિવારે રાગિણી, અનુષ્ઠા અને હેમા પટનાથી દિલ્હી જવા રવાના થયા, જ્યારે એ સ્પષ્ટ નથી કે ત્રણેય બહેનો પૂર્વનિર્ધારિત યોજનાના ભાગરૂપે પટણા છોડીને ગયા હતાં કે વિવાદ પછી આ નિર્ણય લીધો હતો. તેમના જવાના સમય અંગે અટકળો ચાલી રહી છે.
ત્રણ બહેનોમાંથી બે બહેનોના લગ્ન રાજકીય પરિવારમાં થયા છે. લાલુ પ્રસાદ યાદવની ચોથી પુત્રી રાગિણી યાદવના લગ્ન ઉત્તરપ્રદેશના એક રાજકીય પરિવારમાં થયા છે. તેમના સસરા જીતેન્દ્ર યાદવ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતાં અને હવે સમાજવાદી પાર્ટીના નેતા છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમના પતિ રાહુલ યાદવે પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી છે. હેમા યાદવ લાલુ પ્રસાદ યાદવની પાંચમી પુત્રી છે. તેમના પતિ વીનિત યાદવ પણ રાજકીય પરિવારમાંથી આવે છે. હેમા યાદવે બીઆઈટીએસમાંથી એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી છે. નોકરી માટે જમીન કૌભાંડમાં સીબીઆઈના ચાર્જશીટમાં હેમા યાદવનું નામ પણ છે.
લાલુ પરસાદ યાદવની છઠ્ઠી પુત્રી અનુષ્ઠા રાવના લગ્ન હરિયાણાના એક રાજકીય પરિવારમાં થયા છે. તેમના પતિ ચિરંજીવ રાવ હરિયાણાના ધારાસભ્ય છે. તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી છે અને અનેક રાજ્યોના સહ-પ્રભારી તરીકે પણ સેવા આપી છે. તેમના સસરા હરિયાણાના નાણામંત્રી રહી ચૂક્યા છે.
રોહિણી આચાર્યએ રવિવારે બીજો એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, તેમણે તેમના પિતા લાલુ યાદવને દાન કરેલી કિડનીને તેમની સામે ડર્ટી કિડની કહેવામાં આવી હતી. તેમના પર કરોડો રૂપિયા સ્વીકારવાનો અને લોકસભાની ટિકિટ માગવાનો પણ આરોપ હતો. આ દરમિયાન લાલુ યાદવની વધુ ત્રણ પુત્રીઓ, રાગિણી, ચંદા અને રાજલક્ષ્મી, તેમના બાળકો સાથે પટણામાં તેમના માતા-પિતાનું ઘર છોડીને દિલ્હી ચાલ્યા ગયા છે.
આરજેડીથી અલગ થઈ ગયેલા તેજ પ્રતાપ યાદવે આ વિવાદમાં પોતાની બહેન રોહિણીને ખુલ્લેઆમ ટેકો આપ્યો. તેમણે કહ્યું, મારી બહેન સાથે જે થયું તે અસહ્ય છે. મારી સાથે જે કંઈ થયું તે મેં સહન કર્યું, પણ હું તેનું અપમાન સહન નહીં કરૂ. આ અન્યાયના પરિણામો ભયંકર આવશે.
નામ લીધા વિના તેજ પ્રતાપે જયચંદ પર પરિવારને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે લાલુ યાદવને અપીલ કરતા કહ્યું, બસ મને એક સંકેત આપો, બિહારના લોકો આ જયચંદને પોતે જ દફનાવી દેશે. આ લડાઈ કોઈ પક્ષની નથી, પરંતુ પરિવારના સન્માન અને પુત્રીના ગૌરવની છે. રોહિણીએ ભાવુુક થઈને કહ્યું કે, પરિણીત મહિલાઓએ તેમના માતા-પિતા માટે આટલું દૂર ન જવું જોઈએ. તેમણે કહ્યું, કિડની દાન કરતા પહેલા તેમણે તેમના પતિ અને સાસરિયાઓને પૂછવું જોઈતું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમનું શોષણ કરવામાં આવ્યું, અપમાન કરવામાં આવ્યું અને ચંપલથી મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. રોહિણીએ સંજય યાદવ અને રમીઝ ખાન પર સીધો આરોપ લગાવ્યો.
લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યોએ હજુ સુધી સમગ્ર ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. પાર્ટી પણ સંપૂર્ણપણે મૌન રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ્વીએ પાર્ટી સંભાળ્યા પછી ભાઈ-બહેનો વચ્ચે મતભેદો વધી રહ્યા હતાં, જે ચૂંટણીમાં હાર પછી સામે આવ્યા હતાં.
તાજેતરમાં પૂર્ણ થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજદ મહાગઠબંધનનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ પાર્ટી ૧૪૩ માંથી માત્ર રપ બેઠકો જીતી શકી હતી. આ હારથી તેસ્વીની રણનીતિ અને તેમના સલાહકારોની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે. હવે તે અસંતોષ પારિવારિક ઝઘડામાં પરિણમ્યો છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે લાલુ યાદવના મૌન પર સવાલ ઊઠાવતા કહ્યું, રોહિણી આખા બિહારની દીકરી છે. લાલુજી, તમે ચૂપ કેમ છો? કૃપા કરીને આ અંગે બોલો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial