Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂ. ૭૮૭ લાખના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા

પ્રભારીમંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલમાં વિવિધ વિભાગોના કામોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રભારી મંત્રીના વરદહસ્તે રૂ. ૭૮૭ લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતુ અને મહાનુભાવો હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતાં.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણદાયી જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં ખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલમાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રભારી મંત્રી વરદહસ્તે અંદાજિત રૂ.૭૮૭ લાખના વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા સંકલ્પ સાથે શાસનની ધુરા સાંભળી ત્યારથી લઈ આજદિન સુધીમાં રાજ્ય તથા દેશે વિકાસના નવા આયામો સર કર્યા છે. લોકાભિમુખ શાસન વ્યવસ્થાને કેન્દ્ર સ્થાને રાખી જનકલ્યાણ માટે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. આજે સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વમાં પણ ગુજરાત એક રોલ મોડલ બન્યું છે.

તેમણે કહ્યુ હતુ કે, બે દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ અને સફળતાને પગલે આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વર્લ્ડ ક્લાસ સિટી ડેવલોપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની  ઉજવી થઈ રહી છે.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની જુદી જુદી નગરપાલિકાઓના રૂ.૧૨૩ લાખના ૩ કામો, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂ.૩૨૫ લાખના ૫ કામોનું ખાતમુહૂર્ત તથા નગરપાલિકાઓના રૂ.૧૧૪ લાખના ૭ કામો તથા આરોગ્ય વિભાગના રૂ.૨૨૫ લાખના ૫ કામોનું લોકાર્પણ એમ કુલ રૂ.૭૮૭ લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રભારી મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યોની એક ઝલક મંત્રીશ્રી સહિતના મહાનુભાવો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં  ખંભાળિયા નગરપાલિકામાં રૂ. ૮૨.૧૫ લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી-૮૮ અંતર્ગત નગરપાલિકા બગીચા પાછળ સ્વીમીંગ પુલ તથા ટોયલેટ બ્લોક,ચેન્જરૂમ અને સિવિલ વર્કનું કામ, રૂ.૧૦૦ લાખના  ખર્ચે પોરબંદર રોડ પર ટાઉન હોલનું નિર્માણ, ૧૫માં નાણાપંચ અંતર્ગત રૂ.૩૫ લાખના ખર્ચે જામનગર રોડ આઈ.ટી.આઈ. સામે વેલકમ ગેઈટ,  એનયુએલએમ યોજના અંતર્ગત રૂ.૨૬૭ લાખના ખર્ચે જડેશ્વર રોડ ઉપર ઘરવિહોણા લોકો માટે ૧૫૦ બેડનું આશ્રયસ્થાનનું નિર્માણ, નિર્મળ ગુજરાત ૨.૦ યોજના સલાયા રોડ પર આઇકોનિક રોડ રૂ.૪૮.૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત તેલી નદી તથા ઘી નદી પર બોક્ષ ડ્રેનેજ બનાવવાનું કામ રૂ.૨૭.૪૮ કરોડના ખર્ચે કાર્ય પ્રગતિમાં છે. તેમજ  ઘી નદી પર રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ અંદાજીત રૂ.૩૮.૫૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

નિર્મળ ગુજરાત -૨.૦ અંતર્ગત જામરાવલ નગરપાલિકામાં રૂ.૫૦.૦૭ લાખના ખર્ચે વેલકમ ગેટ થી બસ સ્ટેન્ડ સુધીના આઇકોનિક રોડ બનાવવાનું કામ , સલાયા નગરપાલિકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન યોજના અંતર્ગત રૂ.૭.૧૫ લાખના ખર્ચે શાંતિનગર વિસ્તારમાં બોક્સ કલવર્ટ બનાવવાનું કામ કરવામાં કરાશે.  ભાણવડ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના- યુ.ડી.પી-૮૮ અંતર્ગત રૂ.૯૮.૪૪ લાખના ખર્ચે શીતળા માતા મંદિરથી વિકાસ બાયપાસ રોડ બનાવવાનું કામ, ૧૫માં નાણાપંચ યોજના અંતર્ગત રૂ.૩૭.૪૪ લાખના ખર્ચે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા ૪ વિસ્તારમાં હાઈ-માસ્ટ ટાવર બનાવવાનું કામ, ૧૪માં નાણાપંચ અંતર્ગત રૂ.૧૨૬ લાખના ખર્ચે ભાણવડ નગરપાલિકાથી જકાતનાકા સુધીનો બાયપાસ રોડ આર.સી.સી. કરવાનું કામ થશે.

ભગવાન દ્વારકાધીશની ભૂમિ દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના- યુ.ડી.પી-૮૮ હેઠળ રૂ.૨૧ લાખના ખર્ચે પ્રાચીન ખારવા દરવાજા નું હેરીટેજ લુકમાં રીનોવેશન તેમજ ઓખા નગરપાલિકામાં રૂ.૬૭ લાખના ખર્ચે નગરપાલિકા વિસ્તાર માં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવશે.

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પી.એમ.સ્વનિધિ યોજના, એન.એફ.એસ.એ યોજના, પી.એમ.આવાસ અને વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત, મહાનુભાવોએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલભાઈ ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, અગ્રણી સર્વે પ્રતાપભાઇ પિંડારિયા, પી.એસ.જાડેજા, ભરતભાઈ ગોજિયા, સગાભાઇ રાવલીયા, રેખાબેન ખેતિયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh