Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ પૂરી થવા છતાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ઠંડકની અનુભૂતિ થાય, બપોરે ગરમી થાય અને બપોર પછી વરસાદનું ઝાપટું પડે, તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ભારતમાં જે ઋતુચક્ર પલટાઈ રહ્યું છે, તે જોતાં ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જની સ્મસ્યા ધીમે ધીમે કેટલી વ્યાપક બનતી જાય છે, તેના પર પણ લક્ષ્ય કેન્દ્રીત થવા લાગ્યું છે.
દેશમાં કલાઈમેટ ચેઈન્જથી વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેવી જ રીતે રાજકીય માહોલ પણ પલટાઈ રહ્યો છે. જેવી રીતે ઋતુચક્રમાં બદલાવ થયા પછી માહોલ પલટાઈ રહ્યો છે, તેવી જ રીતે દેશ અને દુનિયામાં માનવીઓ અને શાસકો પણ પલટી મારી રહ્યા છે. પલટીમારોનો જાણે જમાનો આવ્યો હોય તેમ પલટી મારવાની જાણે સ્પર્ધા હોય તેવી રીતે વિવિધ દેશોના સર્વોચ્ચ કક્ષાના લીડર્સ પણ હવે બોલીને ફરી જતા અને અવાર નવાર વલણ બદલતા જોવા મળી રહ્યા છે. ટ્રમ્પની ચિમકી પછી હમાસે બંધકોને છોડવાની તૈયારી બતાવી અને ઈઝરાયલ કેદીઓને છોડશે, તેને પી.એમ. મોદીએ આવકાર આપીને ટ્રમ્પના વખાણ કર્યા હોવાના અહેવાલો શું સૂચવે છે ?
જ્યારે પલટીમારોની સ્પર્ધાની વાત આવે, ત્યારે રાજયકક્ષાએ કોઈપણ કારણે પક્ષપલટો કરતા નેતાઓની હાલત કેવી થાય છે, તેના નવા અને જૂના ઘણાં દૃષ્ટાંતો જોવા મળશે. દેશના એક રાજ્યમાં તો મુખ્યમંત્રી પદ પર ચીપકી રહેવા માટે અવાર નવાર પક્ષપલટો કર્યા પછી "પલટીરામ", "પલટુબાબુ" અને "પલટુબાજ" જેવા વિશેષણોથી કોને નવાજવામાં આવે છે, તે ઓપન સિક્રેટ જ છે ને ?
અત્યારે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સમગ્ર દેશની રાજનીતિ બિહાર કેન્દ્રીત થઈ ગઈ હોવા છતાં અત્યારે ગુજરાતમાં રાજકીય ચહલપહલ રહસ્યમય રીતે વધી રહી છે. કેન્દ્રીય નેતાગીરીના ગુજરાતમાં પ્રવાસો વધી રહ્યા છે, અને કોંગ્રેસ, ભાજપ અને આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ ગુજરાતમાં ઠેર-ઠેર તબક્કાવાર જે કાર્યક્રમો યોજી રહ્યા છે, તે જોતાં એવું લાગે છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ ચૂંટાયા (નિમાયા) પછી જગદીશભાઈ પંચાલની જવાબદારી તમામ ચૂંટણીઓ જીતવા માટે પંચાલે વિશ્વકર્મા ફેઈમ કૌશલ્ય અને પરિશ્રમ બતાવવા પડશે.
વિશ્વકક્ષાએ યૂ-ટર્નનું અદ્ભુત કૌશલ્ય ધરાવતા અને નિવેદનોમાં પલટૂમાર બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પલટીબાજો પર ભારે પડી રહ્યા છે, પરંતુ ટ્રમ્પને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે ગાઝા શાંતિ પ્રસ્તાવના મુદ્દે યૂ-ટર્ન લઈને ઝટકો આપ્યો હોવાથી એવું લાગે છે કે વિશ્વકક્ષાએ પણ પલટૂબાજોની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.
હકીકતે શાહબાઝ ઘરઆંગણે ઘેરાઈ ગયા છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયલના મુદ્દે ટ્રમ્પની ટ્રેપમાં ફસાઈ ગયા છે, તે ઉપરાંત ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બોલાવીને જે રીતે એકાદ કલાક શાહબાઝ અને મુનિરને એક રૂમમાં રાહ જોવડાવી (પૂરી દીધા) તે પછી તે બંનેને સમજાઈ ગયું હશે કે તેમની ઔકાત શું છે, ટ્રમ્પ માટે તેઓ માત્ર પ્યાદા જ છે. પીઓકે અને બલુચિસ્તાનમાં વિદ્રોહ પછી પાકિસ્તાનમાં સરકાર વિરોધી આગ જે રીતે ફેલાઈ રહી છે, તેના કારણે શાહબાઝે કદાચ પલટી મારી હશે, પરંતુ હવે તેની સ્થિતિ જોતાં "ધોબીનો કૂતરો, નહીં ઘરનો નહીં ઘાટનો" તેવી કહેવત યાદ આવી જાય છે.
પલટીમારો, જુમલેબાજો અને બહુરૂપિયાઓ એકલા આપણાં દેશમાં જ છે તેવું નથી, હવે તો આ પ્રકારની કાબેલિયતો જ રાજનીતિમાં સફળ થવાના શ્રેષ્ઠ માપદંડો હોય તેમ ટચુકડા દેશોથી માંડીને ટ્રમ્પ સલ્તનત સુધી આ પ્રકારની "શ્રેષ્ઠ" કાબેલિયતો ઝળકવા લાગી છે.
શાહબાઝની સંતાકૂકડી હજુ ચાલી જ રહી હતી અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યાં ભારતના સેનાધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે પાકિસ્તાનને પોતાની ભૂગોળ જાળવી રાખવી હોય તો તેની ધરતી પરથી આતંકવાદને ખતમ કરવો પડશે. બીજી તરફ ભારતીય વાયુદળના વડાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના યુદ્ધ વિમાનો તોડી પડાયા હોવાનું જણાવીને બળતામાં ઘી હોમ્યું છે. કચ્છમાંથી રાજનાથસિંહે પણ પાકિસ્તાનને લલકાર્યું હતું અને પીઓકેમાં સરકાર વિરોધી ચળવળ ઘણી આક્રમક બની છે, તે બધા ઘટનાક્રમોને એક સાથે સાંકળવામાં આવે, તો સ્પષ્ટ જણાય છે કે ટૂંક સમયમાં હવે કાંઈક મોટું થવાનું છે., અસાધારણ પ્રકારની નવાજુની થવાની છે.
આ તરફ રાહુલ ગાંધીએ પણ "વોટ ચોર, ગાદી છોડ" ના આંદોલનને વ્યાપક બનાવ્યું છે અને તેના સંદર્ભે જામનગરમાં પણ સહી ઝુંબેશો શરૂ થઈ ગઈ છે, આ ઝુંબેશ ઉપરાંત ગુજરાતમાં અચાનક કોંગ્રેસ જે રીતે અત્યંત સક્રિય થઈ ગઈ છે, તે જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ હવે "મિનારા" અને "ઝરૂખા" તોડવાના બદલે સીધા જ હોમ ગ્રાઉન્ડની બુનિયાદ (ગુજરાત)માં પાયા હચમચાવવાની જ રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે. બીજી તરફ જે પલટીબાજો હવે ગુંગળામણ અનુભવી રહ્યા હશે, તેના માટે ઘરવાપસીનો નવો દરવાજો પણ ખુલી ગયો છે. આગામી બે વર્ષ દેશની રાજનીતિ ગુજરાત કેન્દ્રીત રહેશે કે તેે પહેલા જ કોઈ મોટી રાજનૈતિક ઉથલપાથલ થઈ જશે, તે અંગે તો કદાચ મોટા ભવિષ્યવેતાઓ પણ ગોટે ચડી જાય તેવું છે. ટૂંકમાં કાંઈક મોટું તો થવાનું છે જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial