Advertisement
Author: નોબત સમાચાર

પાલડીના જૈન દેરાસરમાંથી ૧૧૭ કિલો ચાંદીના મુગટ સહિત ૧.૬૪ કરોડના આભૂષણોની ચોરીઃ ચકચાર

પૂજારી અને બે સફાઈકર્મી ફરારઃ સીસીટીવી પણ બંધ કરી દીધા  હતા !

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૪: અમદાવાદના પાલડીમાં સીસીટીવી બંધ કરી દેરાસરમાંથી ૧.૬૪ કરોડના મુગટની ચોરી કરીને પૂજારી અને બે સફાઈ કર્મચારી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા ૧૧૭.૩૩૬ કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પુંઠિયા સહિત કુલ ૧.૬૪ કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરી કોઈ અજાણ્યા ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી અને બે સફાઈ કર્મચારીઓએ મળીને કરી છે. આ મામલે પાલડી પોલીસે ગુન્હો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ૮ ઓકટોબરે શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામીને ચઢાવવા માટે આવેલી આંગી (ચાંદીનું ખોળિયું) દેરાસરના ભોંયરામાં લોકરવાળા રૂમમાંથી ગાયબ હોવાની જાણ થઈ હતી. સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય સભ્યોએ તપાસ કરતા ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ અને અગાઉ દિવાલ પરથી ઉતારીને લોકરમાં મુકેલા ચાંદીના પુંઠિયા સહિત ૧૧૭.૩૩૬ કિલો ચાંદી ગાયબ છે. આંગી અને દાગીના ગાયબ થતાં જ ટ્રસ્ટીઓએ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ હતો અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. સફાઈ કામ કરતા કિરણ અને પુરી પણ પોતાના મહેસાણાના વિસનગરના વતન (ભાલક ગામ) ભાગી ગયા હતા.

ટ્રસ્ટીઓએ દેરાસરના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા તો ચોંકાવનારી હકીકતો સામે આવી. ચોરીના માસ્ટર પ્લાન મુજબ, લોકરની ચાવી ધરાવતા મેહુલે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી ચોરીની હરકતો રેકર્ડ ન થાય. આશરે અઢી કલાક સુધી ચોરીને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યે તેણે ફરી સ્વીચ ચાલુ કરી હતી. જો કે, સ્વીચ બંધ કરવાની અને ચાલુ કરવાની બંને પ્રવૃત્તિઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વધુ તપાસમાં ખબર પડી કે, માત્ર દસ હજાર રૂપિયાના પગાર પર કામ કરતા કિરણ અને પુરીએ વિસનગરમાં મકાન અને કારની ખરીદી કરી હતી. જે તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરે છે.

 દેરાસરના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં પૂજારી મેહુલ રાઠોડ સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની હેતલ વિરૂદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજેશ શાહ છેલ્લા ૧૪ વર્ષથી દેરાસરમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે. પોલીસે ત્રણેય ફરાર આરોપીઓ વિરૂદ્ધ ૧.૬૪ કરોડની ચોરીનો ગુન્હો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh