Advertisement
Author: નોબત સમાચાર

જીએસટીના સ્લેબ ઘટતા દૂધ, સાબુ, કાર, બાઈક, એ.સી અને ટેલિવિઝન થશે સસ્તા

જીએસટી કાઉન્સીલ દિવાળી પહેલાં જ આપી શકે છે બોનસઃ ૧૨ અને ર૮ ટકાનો સ્લેબ થશે નાબુદ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: આજથી શરૂ થયેલી બે દિવસની જીએસટી કાઉન્સીલની બેઠકમાં ૧ર ટકા અને ર૮ ટકાના સ્લેબ નાબુદ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગયા પછી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત ઘણી બધી ચીજો સસ્તી થઈ જશે, તેવું અનુમાન છે.

આજથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શરૂ થઈ  છે. આ બેઠકમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન  મોદીએ કરેલી જાહેરાત પછી દેશમાં જીએસટી અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે જીએસટી કાઉન્સિલની બેઠક આજથી શરૂૂ થઈ રહી છે અને આ બે દિવસીય બેઠકમાં જીએસટી દરોમાં ફેરફાર અને ચારને બદલે બે ટેક્સ સ્લેબ પર અંતિમ મંજૂરી આપવામાં આવશે.

જીએસટી સુધારા દ્વારા સરકારનો ધ્યેય કર માળખાને સરળ બનાવવાનો અને ગ્રાહકોને સીધો લાભ આપવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા ફેરફારો પછી, દૂધ-ચીઝથી લઈને ટીવી-એસી અને કાર-બાઈક સુધીની રોજિંદા વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

કેન્દ્ર સરકારે જીએસટી હેઠળના ચાર ટેક્સ સ્લેબ (૫%, ૧૨%, ૧૮% અને ૨૮%) ઘટાડવાની અને ૧૨% અને ૨૮% ટેક્સ દૂર કરવાની તૈયારી કરી છે. જેનો અર્થ એ થયો કે ફક્ત ૫% અને ૧૮% જીએસટી સ્લેબ બાકી રહેશે. પીએમ નરેન્દ્ર મોદીની જાહેરાત પછી યોજાયેલી મંત્રીઓના જૂથ (જીઓએમ) ની બેઠકમાં, ૧૨% અને ૨૮% સ્લેબ નાબૂદ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

 જોકે, સરકાર દ્વારા કરવામાં આવેલા જીએસટી દરોમાં આ ફેરફારોને કારણે લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના મહેસૂલના નુકસાનનો અંદાજ છે, પરંતુ આ દેશના સામાન્ય માણસ માટે એક મોટો રાહત સુધારો સાબિત થશે.

આજે થઈ રહેલા અનુમાનો મુજબ જે જીએસટી સુધારા સંબંધિત દરખાસ્તો લાગુ કરવામાં આવે છે, તો રોજિંદા ઉપયોગની બધી વસ્તુઓ સસ્તી થશે, જેમાં દૂધ-ચીઝ, નમકીન, સાબુ, તેલ, કપડાંનો સમાવેશ થાય છે. આ સાથે, સ્લેબમાં ફેરફાર સાથે, જૂતા, ટીવી, એસી, મોબાઇલ અને કાર-બાઇકના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. પ્રસ્તાવ હેઠળ, જે વસ્તુઓ પર જીએસટીના સ્લેબ ૧૨% થી ઘટાડીને ૫% કરવાનો છે, એટલે કે તેમને સસ્તા બનાવવાની યોજના છે, તેમાં પેકેજ્ડ ખોરાક જેવા કે નમકીન (ભૂજિયા), ચિપ્સ, પાસ્તા, નૂડલ્સ, જામ, કેચઅપ, પેકેજ્ડ જ્યુસ, કન્ડેન્સ્ડ મિલ્ક, ઘી, માખણ, ચીઝ અને દૂધમાંથી બનેલા પીણાંનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, આ જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક હશે, જે આજે સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ છે. આ બેઠક  આવતીકાલે ૪ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. દેશ અને દુનિયા આ અકાળ બેઠક પર ખાસ નજર રાખી રહી છે. કારણ કે વડાપ્રધાન મોદી દ્વારા જીએસટી સુધારાની જાહેરાત બાદ, તે દિશામાં પગલાં લેવામાં આવશે. આમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં મહત્વાકાંક્ષી ફેરફારો કરીને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર કર ઘટાડવાનો વિચાર કરી શકાય છે.

જીએસટી મિટિંગમાં, સરકાર ઝીરો જીએસટી સ્લેબનો વ્યાપ વધારવાની પણ અપેક્ષા રાખે છે અને આવી સ્થિતિમાં, આ યાદીમાં રોજિંદા ઉપયોગની ઘણી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે, જે હાલમાં ૫% અને ૧૮% જીએસટીના દાયરામાં આવે છે.

તાજેતરમાં આવેલા બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, આ વસ્તુઓમાં ખાસ કરીને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થશે, જેમાં યુએચઆઈ દૂધ, પ્રી-પેકેજ્ડ ચીઝ, પિઝા બ્રેડ અને રોટલી ઝીરો જીએસટી સ્લેબમાં લાવી શકાય છે. આ ઉપરાંત, પરાઠાનો પણ સમાવેશ થઈ શકે છે, જેના પર ૧૮% જીએસટી લાગુ પડે છે. કોકો આધારિત ચોકલેટ, ફલેક્સ, પેસ્ટ્રીથી લઈને આઈસ્ક્રીમ સુધીના જીએસટી સ્લેબમાં ફેરફાર થઈ શકે છે અને તેને ૧૮% થી ઘટાડીને ૫% કરી શકાય છે.

તદ્પરાંત, શિક્ષણ સંબંધિત બધી વસ્તુઓને જીએસટી મુક્ત કરવાનો પણ પ્રસ્તાવ છે. કાઉન્સિલની બેઠકમાં, નકશા, પાણી સર્વે ચાર્ટ, એટલાસ, દીવાલ નકશા, ગ્લોબ્સ, પ્રિન્ટેડ શૈક્ષણિક ચાર્ટ, પેન્સિલ-શાર્પનર્સ તેમજ પ્રેક્ટિસ બુક્સ, ગ્રાફ બુક્સ અને લેબોરેટરી નોટબુક્સને જીએસટીમાંથી મુક્તિ મળી શકે છે, જેના પર હાલમાં ૧૨% કર લાદવામાં આવે છે. આ સાથે, હેન્ડલૂમ ઉત્પાદનો, રૂ. ૧,૦૦૦ થી ઓછી કિંમતના જૂતા, સિમેન્ટ, રેડી-મિક્સ કોંક્રિટ પર લાગુ દર ઘટાડવાનો પ્રસ્તાવ છે, જ્યારે મોટી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ અને ઘરગથ્થુ ઉપકરણોના દર જે હાલમાં ૨૮% થી ૧૮% સ્લેબમાં છે તેના દર બદલાઈ શકે છે, જેના કારણે એસી, ટેલિવિઝન, ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઇલ ફોનના ભાવ ઘટી શકે છે. નાની કાર, ટુ-વ્હીલર (૨૮% થી ૧૮%) પરના કરમાં લગભગ ૧૦% ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. ૩૩ સભ્યોની આ પરિષદના અન્ય મુખ્ય સભ્યોમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ, અધિક સચિવો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ ના અધ્યક્ષનો સમાવેશ થાય છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તેમજ કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થશે.

ટેક્સ સ્લેબમાં ઘટાડો અને તેના પરિણામે કિંમતોમાં ઘટાડો સામાન્ય રીતે આવકારવામાં આવ્યો છે. પરંતુ વિપક્ષી પક્ષો દ્વારા શાસિત રાજ્યો આ ફેરફારને કારણે થયેલા મહેસૂલ નુકસાન માટે વળતરની માંગ કરી રહૃાા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જીએસટી સુધારાની યોજના વિશે વાત કરી હતી. આ પછી તરત જ, કેન્દ્ર સરકારે પ્રારંભિક સમીક્ષા માટે વિવિધ રાજ્યોના મંત્રીઓના જૂથ (જીઓએમ) સાથે પ્રસ્તાવિત સુધારાનો બ્લુપ્રિન્ટ શેર કર્યો. અને આ જુથ કર દર ઘટાડવાના કેન્દ્રના પ્રસ્તાવ સાથે સંમત થયું છે. કાઉન્સિલ ૩-૪ સપ્ટેમ્બરના રોજ આ ભલામણો પર વિચાર કરશે.

હાલના જીએસટી સ્લેબમાં ફેરફાર ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવનારી સૌથી મોટી જાહેરાત હોઈ શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન જીએસટી સુધારા અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્ય પ્રસ્તાવિત સુધારાઓમાં ૧૨ ટકા અને ૨૮ ટકાના વર્તમાન ટેક્સ સ્લેબને દૂર કરવાનો અને ૫ ટકા અને ૧૮ ટકાના ફક્ત બે ટેક્સ દર રાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક પસંદ કરેલી વસ્તુઓ પર ૪૦ ટકાના ખાસ દરે કર લાદવામાં આવશે.

જીએસટી ટેક્સ દરમાં ફેરફાર સાથે, ટૂથપેસ્ટ, શેમ્પૂ અને ટેલ્કમ પાવડર, ઇલેક્ટ્રોનિક્સ, જેમાં ટેલિવિઝન અને એર કન્ડીશનર અને કાર અને બાઇક સસ્તા થઈ શકે છે. તે જ સમયે, ખૂબ ઓછી વસ્તુઓ છે જેના પર કર દર વધી શકે છે અને તે મોંઘા થશે. આમાં ફલાઇટ ટિકિટનો સમાવેશ થાય છે. વધુમાં, જીએસટી કાઉન્સિલ તમાકુ અને અન્ય લક્ઝરી ઉત્પાદનો જેવા 'સીન' ઉત્પાદનો માટે ૪૦% કર ચાલુ રાખે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh