Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(૧) તાજેતરના વર્ષોમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં નાગરિકો સામે બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા વસુલાત એજન્ટોનો પ્રશ્ન અત્યંત ગંભીર બની રહૃાો છે. સામાન્ય નાગરિક વાહન ફાઇનાન્સ, ઘરલોન કે નાના મોટા ધંધા માટે લોન લે છે, પરંતુ ચૂકવણીમાં વિલંબ થતા ઘણીવાર બેન્કો કાનૂની માર્ગ અપનાવવાને બદલે સીધી જ એજન્ટો મારફતે બળજબરીપૂર્વક વસુલાત કરે છે. આ પ્રથા અસંવિધાનિક છે, માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને કાયદાની દૃષ્ટિએ દંડનીય છે.
(૨) કાયદાની દૃષ્ટિએ સ્થિતિ
(૩) ભારતના બંધારણની કલમ એકવીસ દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક આપે છે. આ હકને વિના કાયદાકીય પ્રક્રિયા કોઈપણ રીતે છીનવી શકાય નહીં. સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસિદ્ધ ચુકાદા આઈસીઆઈસીઆઈ બેન્ક વિ. પ્રકાશ કૌરમાં સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું કે બેન્કો દ્વારા મસલમેન કે ગુંડાગીરી મારફતે વસુલાત કરવી અસ્વીકાર્ય છે, અને વસુલાત માત્ર કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ કરવી પડશે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે સીધો કબજો લેવો ગેરકાયદેસર છે અને કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
(૪) હકીકતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકો વારંવાર આવી બળજબરીનો ભોગ બને છે. વસુલાત એજન્ટો ઘણીવાર ઘરમાં પહોંચી પરિવારજનો સાથે અશિષ્ટ વર્તન કરે છે, સામાજિક અપમાન કરે છે અને પડોશીઓ સામે ધમકીભર્યું વર્તન કરે છે. કેટલાક કિસ્સામાં તો એજન્ટો રસ્તા પર વાહન છીનવી લેતા હોવાના દાખલાઓ પણ સામે આવ્યા છે. આ પ્રકારની કૃત્ય માત્ર માનવ અધિકારોનું ઉલ્લંઘન જ નહીં પરંતુ ફોજદારી ગુન્હો પણ છે.
(૫) કાયદો નાગરિકને સ્પષ્ટપણે પૂર્વ નોટિસનો હક આપે છે. કોઈપણ સંપત્તિ કે વાહન કબ્જે લેતા પહેલાં બેન્કે લેખિત નોટિસ આપવી ફરજિયાત છે. નોટિસમાં બાકી રકમ, ચૂકવણીની મુદ્દત અને કાયદાકીય પગલાંની ચેતવણી સ્પષ્ટ દર્શાવવી આવશ્યક છે. નોટીસ આપ્યા વિના સીધો કબ્જો લેવો બંધારણ વિરૂદ્ધ છે.
(૬) સીધો કબજો લેવો શક્ય નથી
(૭) સરફેસી કાયદા મુજબ બેન્કને લોન ચૂકવવામાં વિલંબ થાય ત્યારે નક્કી કરેલી કાનૂની પ્રક્રિયા અપનાવવી પડે છે. એજન્ટો દ્વારા સીધો કબજો લેવો શક્ય નથી. કબજો માત્ર નોટિસ પછી, કાયદાકીય સમયગાળો પૂરો થયા બાદ તથા જરૂરી હોય તો ન્યાયાલય કે કલેક્શન અધિકારીની મદદથી જ લેવો પડે છે. વસુલાત એજન્ટો ઘણીવાર નાગરિકોને અપમાનજનક ભાષા, પરિવાર સામે શરમજનક વર્તન કે ખૂલ્લી ધમકી આપે છે. આ પ્રકારનું વર્તન માત્ર અશિષ્ટ જ નહીં પરંતુ ફોજદારી ગુનો છે. ભારતીય દંડ સંહિતા તથા હાલની ભારતીય ન્યાય સંહિતા હેઠળ આવી ધમકી માટે કેદ તથા દંડની જોગવાઈ છે. સર્વોચ્ચ ન્યાયાલય તથા વિવિધ ઉચ્ચ ન્યાયાલયોએ આવી ધમકી તથા બળજબરીને કડક શબ્દોમાં નિંદા કરી છે.
(૮) નાગરિકોના હક્કો
૧. બેન્ક કે એજન્ટ પૂર્વ નોટિસ વિના કોઈ કબજો લઈ શકતા નથી.
૨. બળજબરીથી કબજો લેવો ગેરકાયદેસર છે અને પોલીસને ફરિયાદ કરી શકાય છે.
૩. ધમકી આપવી ફોજદારી ગુનો છે, તેની સામે તાત્કાલિક પ્રથમ માહિતી અહેવાલ નોંધાવી શકાય.
૪. નાગરિકોને અદાલતમાં રીટ અરજી કરીને પોતાના હકોનું રક્ષણ મેળવવાનો હક છે.
૫. ભારતીય રિઝર્વ બેન્કના માર્ગદર્શનમાં સ્પષ્ટ છે કે એજન્ટો માત્ર નક્કી સમયગાળા દરમિયાન જ સંપર્ક કરી શકે અને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરી શકશે નહીં.
(૯) વસુલાતની કાનૂની પ્રક્રિયામાં સૌથી મહત્વનું છે કે બેન્ક અથવા નાણાકીય સંસ્થા પાસે કરાર મુજબની જોગવાઈઓ અને કાયદાકીય અધિકારો હોવા જોઈએ. લોન કરારના શરતોમાં લખાયેલી વસુલાતની જોગવાઈઓ પણ બંધારણ અને કાયદાની મર્યાદાઓમાં જ અમલમાં મૂકી શકાય. એટલે કે, કરારમાં લખાણ હોવા છતાં એજન્ટોને બળજબરીથી કબજો લેવા કે નાગરિકોને ધમકાવવાની કોઈ છૂટ નથી. કાયદા કરતાં ઉપર કોઈપણ કરાર ચાલી શકતો નથી, અને આ સિદ્ધાંત નાગરિકોને સુરક્ષિત રાખે છે.
(૧૦) વસુલાત પ્રક્રિયા દરમિયાન માનવીય ગૌરવ અને ખાનગી જીવનનો આદર કરવો બેન્ક તથા તેના એજન્ટોની ફરજ છે. નાગરિકોને અપમાનીત કરવું, ઘરના સભ્યોને સામાજિક રીતે તોડવા પ્રયત્ન કરવો કે નોકરીના સ્થળે જાહેરમાં હેરાન કરવું આ બધું કાયદેસર ગુન્હો ગણાય છે. કાયદા મુજબ નાગરિકના વ્યક્તિત્વ, ગોપનીયતા અને સન્માનને કોઈ પણ પરિસ્થિતિમાં આંચકો ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રાજ્ય તથા સંસ્થાઓનું કર્તવ્ય છે.
(૧૧) આ ઉપરાંત, નાગરિકોને એ જાણવું જરૂરી છે કે વસુલાત માટે બેન્ક પાસે એકથી વધુ કાયદેસર વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે ન્યાયાલયમાં દાવો કરવો, ડિફોલ્ટના આધારે સંપત્તિ કબજે લેવા માટે કાયદાકીય સત્તાવાળાઓની મદદ લેવી, અથવા યોગ્ય અધિકૃત ટ્રીબ્યુનલની કાર્યવાહી દ્વારા વળતર મેળવવું. આ બધા રસ્તા પારદર્શક અને ન્યાયિક નિયંત્રણ હેઠળ ચાલે છે, જેથી નાગરિકોને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે. સીધો કબ્જો કે બળજબરી કરીને વસુલાત કરવાનો રસ્તો માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ નાગરિકોના મૂળભૂત હકોની વિરુદ્ધ છે.
(૧૨) સૌરાષ્ટ્રના નાગરિકોએ જાણવું જોઈએ કે બેન્કો કે નાણાકીય સંસ્થાઓ કાયદાથી ઉપર નથી. દરેક નાગરિકને પૂર્વ નોટિસનો હક્ક છે, સીધો કબજો લેવો કાયદેસર નથી અને ધમકી આપવી ફોજદારી ગુનો છે. સમાજમાં માનવ ગૌરવ અને નાગરિક સુરક્ષા જળવાઈ રહે એ માટે આવશ્યક છે કે લોકો જાગૃત બને અને પોતાના કાનૂની અધિકારો અંગે અડગ રહે.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial