Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ પૂરી થવા આવી, છતાં હજુ વરસાદ પડી રહ્યો હોવાથી એક તરફ ગરબા ઘુમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડી રહ્યો છે, અને ખેડૂતવર્ગ પણ ગુંચવણમાં મુકાયો છે, તો બીજી તરફ સિઝનલ બીમારીઓ પણ હજુ વધે, તેવો ખતરો મંડરાઈ રહ્યો છે. જામનગરમાં પરોઢીયેથી ધીમી ધારે વરસાદ વરસ્યો તો આજે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર થયું છે. આ વખતે મોસમના બદલતા મિજાજના કારણે હવામાન ખાતુ સ્વયં પણ ગોટે ચડયુું હોય તેમ જણાય છે, અને ચોમાસુ પૂરૃં થયું કે લંબાયુ છે, કે પછી હવે પડી રહ્યો છે તે વરસાદને કમોસમી વરસાદ ગણવો, એ અંગે સામાન્ય જનતામાં દ્વિધા પ્રવર્તી રહી છે.
બીજી તરફ ગુજરાતમાં કેટલાક ગરબા સંચાલકો પણ દ્વિધામાં જણાય છે. એક તરફ વરસાદનું વિઘ્ન આવવા છતાં ગરબા ચાલુ રાખવાની કવાયત કરતી રહેવી પડે, તેવું દબાણ છે તો બીજી તરફ ગરબા યોજી જ ન શકાય તો એડવાન્સમાં વેચેલા પાસના નાણા રિફંડ કરવા કે નહીં, તેની પણ દ્વિધા ઊભી થતી હશે. ઘણાં ગરબા સંચાલકો પાસ વેચતી વખતે જ ફૂદડી વાળી શરત રાખતા હોય છે કે કોઈ પણ કારણે ગરબા બંધ રહે, તો પાસના નાણા રિફંડેબલ નથી. રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ગરબા આયોજકોની જુદી જુદી સિસ્ટમ હોવાથી આ અંગે કોઈ યુનિફોર્મ (સમાન) નિયમો, નિયમનો કે ધારાધોરણો નથી.
માતાજીની આરાધના, અનુષ્ઠાન અને નૃત્યભક્તિનું આ પર્વ હવે તે ઉપરાંત મનોરંજન, મોજમજા તથા અદ્યતન સાધન-સામગ્રી સાથે ગીત-સંગીત-નૃત્ય અને પરફોર્મન્સનું માધ્યમ બન્યું છે, જેમાં ફિલ્મી પરિબળોની સામેલગીરી પછી આ પર્વ યુવાવર્ગ માટે આકર્ષક અને અનિવાર્ય જેવું જ બની ગયું છે.
આ કારણે નવરાત્રિના પર્વે માર્કેટીંગ અને પ્રચાર-પ્રસારનું મહત્ત્વ પણ વધ્યું છે અને ગરબામાં વિવિધતાની સાથે સાથે સ્થાનિક મહાનુભાવો, જનપ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિના કારણે સ્પર્ધાત્મક પરીબળો પણ ઉમેરાયા છે, તેમાં પણ ફિલ્મ-ટેલિવિઝન-રંગભૂમિના કલાકારો, ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રે મેડલ્સ કે બહુમાન મેળવેલા લોકો, લોક-સાહિત્યના કલાકારો અને અન્ય સેલેબ્રિટીઝની કોમર્શિયલ ઉપસ્થિતિના કારણે મોંઘાદાટ પાસ અથવા ટિકિટ ખરીદીને પણ લોકો રાસ-ગરબાઓ જોવા કે રમવા માટે પડાપડી કરતા હોય છે. આ કારણે નવરાત્રિ પણ હવે મોંઘી થઈ ગઈ હોવાની ચર્ચાઓ પણ થતી રહે છે. જો કે, ઘણી ગરબીઓમાં તદૃન નજીવા ચાર્જ હોય છે અને નિઃશુલ્ક હોય છે, પરંતુ ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગીય લોકો સિવાય કોઈ જતું નહીં હોવાથી ઘણાં આયોજનોમાં કાગડા ઉડતા હોવાના પ્રતિભાવો પણ સામે આવતા હોય છે. પરંપરાગત શેરી-મહોલ્લા-સોસાયટીઓમાં થતી ગરબીઓમાં પણ રાસ-ગરબા થતા હોય છે, પરંતુ અદ્યતન રાસ-ગરબા પ્રત્યેનું આકર્ષણ તથા વૈવિધ્યતા ઉપરાંત યુવાધન હિલોળે ચડે, તેવા ગીત-સંગીત અને સ્પર્ધાત્મક પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) લોકોને આકર્ષે છે, તેથી કેટલાક પરિવારો આયોજનપૂર્વક પહેલેથી બચત કરીને કે ઉછી-પાછીના નાણાનો મેળ કરીને પણ મોંઘા પાસ ખરીદતા હોવાનું કહેવાય છે.
કેટલાક શહેરોમાં પાંચ હજારથી બાર હજાર સુધીના દરે ગરબીના પાસ વેચાતા હોવાથી ગુજરાતના કેટલાક શહેરોમાં જીએસટીના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવા જીએસટીની ટીમો ત્રાટકી છે, અને ગરબાના આયોજકો દ્વારા વસુલાતી પાસ કે ટિકિટની રકમ પર ૧૮% જીએસટીનું પાલન થાય છે કે કેમ ? તેની ચકાસણી થઈ રહી છે. નવરાત્રિ દરમ્યાન કોમર્શિયલ ધોરણે ગરબાના આયોજન દરમ્યાન ગરબાના સ્થળે આયોજકો તરફથી કે તેની સંમતિથી ખાદ્ય-સામગ્રી-પાણી-પીણાં અને અન્ય વસ્તુઓ ગરબા સંકુલની અંદર જ વેચવામાં આવતા હોય તો તેના સંદર્ભે પણ નિયમો-ધારાધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ ? તેની ચકાસણી થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ગરબાના આયોજકોનું નિયત કરેલું ટર્નઓવર ચકાસીને રજીસ્ટ્રેશન થયું છે કે નહીં, તેની ચકાસણી પણ થઈ રહી છે. આ ટીમો દ્વારા એ પ્રકારની ચકાસણી પણ થઈ રહી છે કે આયોજકોએ પાસના દર કેટલા રાખ્યા છે, મેદાનની ક્ષમતા મુજબનું ટર્ન ઓવર બતાવ્યું છે કે કેમ ? પુરૂષ-સ્ત્રીના પ્રવેશના દરો સમાન છે કે અલગ-અલગ છે અને જાહેર કરેલા દરો જ વસુલવાયા છે કે કેમ ? તે પ્રકારની ચકાસણી થઈ રહી હોવાનું કહેવાય છે.
આ ચકાસણીને લઈને ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. એવો કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રિ પૂરી થવા આવી ત્યારે ચકાસણીના નાટકો કરવાની શું જરૂર પડી ? શું જીએસટીના ક્ષેત્રે પણ હપ્તા પદ્ધતિ ચાલે છે ? વરસાદ પડયા પછી ઘણાં ગરબા બંધ થઈ ગયા પછી જ આ ચકાસણી કરવા પાછળ કોઈ રહસ્ય છે ? જો ચકાસણી કરવી જ હતી તો નવરાત્રિના પ્રારંભથી જ આ તપાસ સાર્વત્રિક રીતે કેમ ચાલુ ન રહી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે અને કટાક્ષ થઈ રહ્યો છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial