Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિશ્વપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડો. શાંતિભાઈ આચાર્યનું નિધન

અમેરિકનોને ગુજરાતી શિખવનાર વિદ્વાનની વિદાયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના ડો. શાંતિભાઈ પરસોત્તમભાઈ આચાર્યનું ૯૩ વર્ષની વયે અવસાન થતાં ગુજરાતી ભાષાને એક વિદ્વાનની ખોટ પડી છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી નિવૃત્ત થઈ જામનગરમાં રહેતા હતા. જામનગરની સાહિત્ય સંસ્થા સેતુ એ તેમને નગર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વવિખ્યાત ભાષાશાસ્ત્રી ટર્નર ડો. શાંતિભાઈના "હાલારી ડાયલોગ્સ" પુસ્તકનો અવારનવાર સંદર્ભ આપતા જે તેમની વિદ્વતાનો પુરાવો છે.

તેમનો જન્મ ૨૫-૧૦-૧૯૩૩ના દિવસે પુરૂષોત્તમ આચાર્યના ઘરે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લતીપુર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામમાં મેળવ્યું અને વધુ અભ્યાસ માટે તેઓ જામનગરની એમ.ટી.બી. કોલેજમાં જોડાયા જ્યાં તેમણે સ્નાતકની પદવી મેળવી. ત્યાર પછી ગુજરાત વિશ્વવિદ્યાલયના સાહિત્ય ભવનમાંથી તેમણે એમ.એ.ની પદવી મેળવી. તેઓ એક જીજ્ઞાસુ વિદ્યાર્થી હતા. ઉમાશંકર જોશી અને રમણલાલ જોશીની પ્રેરણાથી, ૧૯૬૦માં ડો.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ "હાલારી બોલી" પર સંશોધનકાર્ય કરીને તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી હતી.

તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં નિયામક તરીકે જોડાયા હતા. આ માટે તેઓ આદિવાસી પ્રજાની મુલાકાતો લેતા, અને તે દરમ્યાન મેળવેલી માહિતીને સંકલિત કરી તેમણે લોકકલાના ગ્રંથોનું સંપાદન કર્યું હતું. ડો. હરિવલ્લભ ભાયાણી અને ડો. યોગેન્દ્ર વ્યાસ તેમના માર્ગદર્શક હતા. ૧૯૭૯માં તેઓ અમેરિકાના વરમોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની "સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ" ટ્રેનીંગમાં અમેરિકન વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવા ગયા હતા. તેમના નિધનથી ભારતનું ભાષા સાહિત્ય રાંક થઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh