Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઊંચો ગોલ પ્રાપ્ત કરવા માટે ગતિ સાથે ગણતરી પણ જરૂરી
કોઈપણ સિદ્ધિ મેળવવા માટે લક્ષ્ય નક્કી કરવું પડે, અને લક્ષ્ય નક્કી કર્યા પછી તે હાંસલ ન થાય, ત્યાં સુધી પ્રયાસો કરતો રહેવા પડે. લક્ષ્ય ક્યારેય નીચું ન હોઈ શકે, પરંતુ ઊંચુ લક્ષ્ય હાંસલ કરવા તબક્કાવાર આગળ વધવું પડે. છત પર ચડવા માટે એક પછી એક પગથિયા અથવા લિફ્ટ દ્વારા એક પછી એક માળ ઓળંગવા (ચડવા) પડે. એટલે જ કહેવાય છે ને કે ઉતાવલા સો બાવરા, ધીરા સો ગંભીર...
લક્ષ્ય સિદ્ધિને લઈને જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, 'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો...'
લક્ષ્ય પ્રાપ્તિ માટેના માર્ગો તથા તેના વિકલ્પો વિચારીને રાખવા પડે. કોઈપણ સ્ટેપ (તબક્કામાં) નિષ્ફળતા મળે, તો ત્યાંથી અટકી જવાના બદલે તેને જ પગથિયું બનાવીને આગળ વધતા રહેવું પડે. ગોલ (ધ્યેય) સિદ્ધ કરવા માટે પ્લાનિંગ કરવું પડે. ઊંચો ગોલ કરવા માટે ગતિની સાથે ગણતરીની પણ જરૂર પડે, વ્યૂહ ઘડવો પડે, અને તેને જરૂર પડ્યે બદલતા રહેવું પણ પડે. આ સિદ્ધાંત જીવનના પ્રત્યેક તબક્કામાં લાગુ પડે છે, અને તેના સંદર્ભે ઘણાં મહાપુરુષોના દૃષ્ટાંતો અપાય છે, અને તદ્વિષયક વિવિધ ઉજવણીઓ પણ થાય છે.
ગતિની સાથે ગણતરીનો તાલમેલ
સપ્ટેમ્બર મહિનામાં ભૂતકાળમાં બનેલા ઐતિહાસિક ઘટનાક્રમો પણ ઊંચો ગોલ પ્રાપ્ત કરવા માટે ગતિની સાથે ગણતરી કેટલી જરૂરી હોય છે, તે પૂરવાર કરે છે. વર્ષ ૧૯૬ર ની ૧ર મી સપ્ટેમ્બરે નાસાના પાયલોટ જોસેફ-એ-વોકરે એક્સ-૧પ ને ૩૪૮૪૦ મીટરની ઊંચાઈએ ઊડાડીને ગણતરીની સાથે ગતિનો તાલમેલ બેસાડ્યો હતો. તેવી જ રીતે ભારતીય સ્વીમર (તરવૈયા) મીહિર સેને ૧ર મી સપ્ટેમ્બર-૧૯૬૬ ના દિવસે ડારડેનેલ્સ જલડમટુ (મધ્ય) ને તરીકે પાર કરવાની સર્વપ્રથમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે એવી પ્રથમ વ્યક્તિ હતી, જેમણે આ સિદ્ધિ હાંસલ કરવા ઉપરાંત પાંચ મહાદ્વીપોના સાતેય સમુદ્રને તરીને પાર કરીને વૈશ્વિક સિદ્ધિઓ મેળવી હતી. આને કહેવાય... મન હોય તો માળવે જવાય...
મીહિર સેનને ભારત સરકારે વર્ષ-૧૯પ૯ માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૬૬ ની સિદ્ધિ પછી વર્ષ ૧૯૬૭ માં પદ્મવિભૂષણનો ખિતાબ આપીને બહુમાન કર્યું હતું.
આપણાં દેશમાં વૃક્ષોની રક્ષા માટે જીવ આપીને બલિદાનો આપવાનો પણ એક અનોખો અને પ્રેરક ઈતિહાસ છે. મન હોય તો માળવે જવાય અને ગતિ સાથે ગણતરીના ઉત્તમ દૃષ્ટાંતો છે.
દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરે ખેજડલી બલિદાન દિવસ તરીકે મનાવાય છે. વર્ષ ૧૭૩૦ માં ખેજડીના વૃક્ષોને બચાવવા માટે અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વમાં બિશ્નોઈ સમુદાયના ૩૬૩ લોકોએ બલિદાન આપ્યું હતું. તેઓની શહીદીના ગુણગાન રાજસ્થાની લોકગીતોના માધ્યમથી પણ ગવાતા રહે છે. આ વીરગાથા અંગે ભિન્ન ભિન્ન કથાઓ અને અભિપ્રાયો પણ પ્રચલિત છે.
લોકો એકબીજાના પૂરક બને અને જીવનને સકારાત્મક બનાવવા સહિયારા પ્રયાસો કરે, તેવા ઉમદા ઉદ્દેશ્યોથી રાષ્ટ્રીય પ્રોત્સાહન દિવસ પણ ઉજવાય છે.
તે ઉપરાંત વર્ષ ૧૯પ૯ માં સોવિયેત સંઘે ચંદ્ર પર 'લૂના-ર' ઉતાર્યું હતું. તેની સાથે આપણા દેશના સ્પેસ ગોલ્સની ચર્ચા પણ થતી રહે છે, અને સ્પેસ સાયન્સની તે સમયની બુનિયાદથી લઈને વર્તમાન ઈન્ટરનેટ યુગની ઉપલબ્ધિઓની ચર્ચા પણ થતી રહે છે. કદાચ ઘણાં ઓછો લોકોને ખબર છે કે, વર્ષ-ર૦૧૭ થી દર વર્ષે ૧ર મી સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય વીડિયો ગેમ દિવસ પણ ઉજવાય છે, અને ગેમ્બલીંગ પ્રકારની વીડિયો ગેમ્સ પર પ્રતિબંધ પછી હવે વીડિયો ગેઈમ્સની સિક્કાની બન્ને બાજુ વર્ણવીને આ વર્ષે કાંઈક અલગ જ રીતે આ ઉજવણી થઈ રહી છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો
આખી દુનિયા જેને નાઈન-ઈલેવન તરીકે ઓળખે છે, તે ભયંકર આતંકી હુમલો ૧૧ સપ્ટેમ્બર-ર૦૦૧ ના દિવસે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયો હતો. અલકાયદા આતંકી સંગઠનના આતંકવાદીઓએ ચાર કોમર્શિયલ પ્લેનને હાઈજેક કરીને તેમાંથી બે વિમાનોને અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાવીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન્સ ટાવર્સને ધરાશાયી કરી દીધા હતાં. તે ઉપરાંત ત્રીજુ વિમાન વોશિંગ્ટન ડી.સી.ની બહાર આલિંગ્ટન, વર્જીનિયામાં પેંટાગનમાં અથડાવ્યું, જ્યારે ચોથું વિમાન સુરક્ષાદળોથી બચાવાના પ્રયાસમાં ખેતરોમાં પડ્યું. આ ચારેય વિમાનોમાં સવાર આતંકવાદીઓ પણ માર્યા ગયા, અને એક રીતે આ હુમલો સુસાઈડ એટેક જ હતો. બીજી તરફ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, આજુબાજુની ઈમારતો તથા પેટાગોનમાં પણ સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ ગયા હતાં.
ઓબાના આદેશ પર ઓસામા હણાયો
એવું કહેવાય છે કે આ હુમલો કરનાર તમામ ૧૯ આતંકવાદીઓ સહિત એકંદરે ત્રણેક હજાર લોકો મૃત્યુ પામ્યા હતાં, અને તેનાથી ડબલ એટલે કે ૬ હજાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ હુમલો તે સમયના અલકાયદાના લીડર ઓસામા-બિન-લાદેનના ઈશારે થયો હતો, અને આ હુમલા પછી ઓસામા-બિન-લાદેન પાકિસ્તાનમાં છૂપાયો હતો, જો કે પાકિસ્તાને પોતાના દેશમાં આ ખૂંખાર આતંકવાદીને ૧૦ વર્ષ સુધી સંતાડીને રાખ્યો હતો અને બીજી મે-ર૦૧૧ ના દિવસે અમેરિકાની વિશેષ ટીમે તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાના આદેશ પર પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા-બિન-લાદેનને ફૂંકી માર્યો હતો. 'ઓપરેશન મેટરચ્યુન સ્પીયર' હેઠળ અમેરિકાની ટીમ-સિક્સે પાકિસ્તાનના એબટાબાદમાં આવેલી 'વજીરીસ્તાન હવેલી'માં અડધી રાતે ઘૂસીને પતાવી દીધો હતો. આમ, પાકિસ્તાન જ આતંકવાદીઓનું પોષક અને રક્ષક છે, તે તે સમયે પણ પૂરવાર થયું હતું.
દિગ્વિજય દિવસઃ રાષ્ટ્રીય યુવા દિવસ
શિકાગોમાં વર્ષ-૧૮૯૩ માં મળેલી વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદનું પ્રચલિત પ્રવચન તે સમયે વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનાર માધ્યમ બન્યું હતું, તે સૌ કોઈ જાણે છે. તે દિવસે પણ ૧૧ સપ્ટે. જ હતી. આ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાના સંદર્ભે રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવાય છે. આ દિવસની ઉજવણી દિગ્વિજય દિવસ તરીકે દર વર્ષે થાય છે. આ વિવિધ પ્રકારની અલગ અલગ ઉજવણીઓ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તે સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલી છે. દિગ્વિજય દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદના વિચારો અને સિદ્ધાંતો સમાજમાં ફેલાવવા અને તેઓના જીવનનું અનુસરણ કરીને સમાજના વિકાસમાં સહભાગી બનવાનો હોય છે.
ભારતના સનાતન ધર્મ ગ્રંથોમાં 'વસુધૈવ કુટુમ્બકમ્'નો કોન્સેપ્ટ છે, જેનો અર્થ જ 'વિશ્વ (ધરતી) એક પરિવાર છે' તેવો થાય છે. આ વિભાવના જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોના એ ઐતિહાસિક પ્રવચનના પ્રારંભે 'મારા અમેરિકન ભાઈઓ અને બહેનો' જેવા શબ્દપ્રયોગો કરીને વ્યક્ત કરી ત્યારે વિશ્વભરના લોકો પ્રભાવિત થયા હતાં.
આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસનું થીમ ભલે થોડું અટપટુ લાગે, પરંતુ સસ્ટેનેબલ ફ્યુચર એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલે કે 'એક સ્થાયી ભવિષ્ય માટે યુવા જવાબદારી અને સ્થિતિ સ્થાપક્તા સાથે રાષ્ટ્રનું ઘડતર'નો વિષય ઘણો જ મહત્ત્વપૂર્ણ અને મહત્વાકાંક્ષી છે. આવો, સ્વામી વિવેકાનંદજીના પગલે પગલે ચાલીને રાષ્ટ્રના હેતુલક્ષી ઘડતરમાં સહભાગી બનીએ.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial