Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાલિકાએ કરોડોની મિલકતનું મામુલી ભાડુ ચાલુ રાખતા વિવાદઃ ઠરાવ સામે વિપક્ષ જાગૃત

અંધેરી નગરી અને ગંડૂ રાજા...ટકે શેર ભાજી, ટકે શેર ખાંજા..., ખાધું, પીધું અને રાજ કીધુ...? કોના લાભાર્થે કારસો...?

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયાની નગરપાલિકા કે જે વર્ષોથી તેના કરવેરામાં કંઈ વધારો ના કરતી હોય, તેવી વિશિષ્ટ નગરપાલિકા હતી. સામાન્ય દરમાં બજાર ભાવની સરખામણીમાં સામાન્ય વધારો જરૂરી એ અર્થશાસ્ત્રનો નિયમ જાણે કોઈ પાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો તથા સદસ્યો સમજતા ના હોય તેમ વર્ષોથી દરો યથાવત રહ્યાં હતાં.

તાજેતરમાં પાણી દર ૬૦૦ વાર્ષિકનો ૯૦૦ થયો સાથોસાથ વર્ષોની કરોડોની જમીન નજીવા મામૂલી ભાડામાં વાપરતા લોકો પાસેથી કરવેરામાં વધારો કરીને માત્ર ફૂટે પાંચ રૂપિયા લેવાનું નક્કી કર્યુ. પાલિકાની જોધપુર ગેઈટ જેવા વિસ્તારમાં દુકાનો આવેલી છે. જેની બજાર કિંમત દોઢ કરોડ થાય તેનું પાંચ રૂપિયા લેખે ભાડું ર૦૦ ફૂટની હોય તો ૧૦૦૦ રૂપિયા થાય. દોઢ કરોડની દુકાનનું એક હજાર ભાડુ...!! પણ વર્ષોથી ૩૦ ને પ૦ રૂપિયા ભાડામાં વાપરતા લોકોને એક હજાર કેમ ન પોષાય...! દોઢ કરોડના એક હજાર ભાડું હોય...? જેથી સામાન્ય સભામાં પસાર થઈ ગયેલો આ ઠરાવ ફરીથી વિચારણા કરવા બીજી સામાન્ય સભામાં મૂકાયો અને તેમાં કરોડોની દુકાનો મિલકતો ૩૦ કે પ૦ રૂપિયામાં વાપરનારા ફાવી ગયા...!! તાજેતરમાં જુલાઈમાં યોજાયેલી સામાન્ય સભામાં ભાડાપટ્ટાની મિલકતના દરો યથાવત રાખવા ઠરાવ થયો, ભલે કરોડોની મિલકત પ૦ રૂપિયે મહિને વપરાય !! કોના...દિવાળી...?

તાજેતરમાં આ ઠરાવ થયો જેમાં પાલિકા વોર્ડ નં. ર ના સદસ્યા અમૃતેબન શંકરભાઈ ઠાકર દ્વારા દરખાસ્ત મૂકાઈ અને ટેકો આપ્યો. આજ વોર્ડના સદસ્ય અને પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુભાઈ ગોપાલભાઈ પતાણીએ, અને દરખાસ્ત ઠરવા મંજૂર થઈ ગયો કે ૧૩-૩-ર૦રપ ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પાલિકાની જમીનો, દુકાનો કેબીનોનું ભાડું પ્રતિ ચો.ફૂટ પાંચ રૂપિયાનું નક્કી થયું હતું. તે ર૦રપ-ર૬ ના વર્ષમાં મોકુફ રાખીને જુના પ્રમાણે ભાવ રાખીને ભાડાપટ્ટાથી રકમ લેવી તથા જેમણે નવા ભાવ પ્રમાણે આપેલા હોય તેમને પાછા આપી દેવા...!!

પાંચ રૂપિયા પ્રતિ ફૂટનો ભાવ પણ ભાડાપટ્ટા ધારકોને વધારે લાગ્યો. જ્યારે પાંચ નહીં દ્વારકા જિલ્લામાં જ કેટલીક ન.પા.માં રૂ. ૧૦ પ્રતિ ફૂટ છે...!! નવાઈની વાત એ છે કે, ચીફ ઓફિસરે પણ રીમાર્કમાં ઠરાવ યોગ્ય હોવાનું જણાવ્યું...!! સરકારી અધિકારી પણ ઈચ્છા નથી કે ન.પા.નો કર વધે..!?

પાંચ રૂપિયા ફૂટના થતા એક આસામીના ૧૦૮૦૦ ના ૩૬ લાખ થતાતા..!!

દેવભૂમિ દ્વારકા જીલ્લાની સી ગ્રેડની ન.પા.ઓમાં પણ પાંચને બદલે ૧૦ રૂપિયા ભાડું મળે છે. ત્યારે ખંભાળીયામાં પાંચ રૂપિયા કરવામાં પણ ભાડાપટ્ટાના ધારકોને કેમ તકલીફ છે તેનું કારણ જાણવા જેવું છે...!!

તાજેતરમાં માર્ચમાં પ્રતિ ચો.ફૂટ. પાંચ રૂપિયા થતા એક આસામી ચેકબુક લઈને પહોંચી ગયા પાલિકાએ, બોલો વર્ષના કેટલા દેવાના છે...? પછી ખબર પડી કે ૧૦૮૦૦ વર્ષના થતા હતાં તે ૬૦ હજાર ફૂટ જગ્યાના વર્ષના રૂ. ૩૬ લાખ થાય છે...! હવે આ કેમ પોષાય ? નગરપાલિકાના હોદ્દેદારો પર દબાણ થયું અને જે ઠરાવ સંકલનમાં - ચર્ચામાં લઈને ફાયનલ થયો હતો. તેનું બાળમરણ થયું અને પાંચ રૂપિયા પણ રદ્દ થયા, દ્વારકા જીલ્લાની અન્ય નગરપાલિકાઓ ૧૦/૧ર રૂપિયા ફૂટના લે છે, તેવું જો આ ભાડાપટ્ટામાં લેવાય તો ન.પા.ને કરોડોની આવક થાય અને ગ્રાન્ટ વગર આખુ ખંભાળીયા વિકસિત થઈ જાય, પણ એ રીતે વિકસિત કરવામાં પોતાનો વિકાસ રૃંધાય જાય તેનું શું...??

પાલિકાને કરોડોનું આર્થિક નુકસાન જવાબદાર કોણ ? ફરિયાદ થશે !!

ખંભાળીયા નગરપાલીકાને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવો આ ઠરાવ કરનારા જવાબદારો સામે આર્થિક નુકસાન સામે ફરિયાદ કરવા વિપક્ષો દ્વારા તજવીજ થતી હોવાનું કહેવાય છે.

તાજેતરમાં ગુજરાતની નગરપાલિકાઓમાં હોદ્દેદારોને દોઢ-બે કરોડ પાલિકાને આર્થિક નુકસાન કરવા બદલ દંડ સરકારે કર્યો હતો, તેમ આવું થાય તો નવાઈ નહીં, કેમ કે હવે કોંગ્રેસ અને આપ જેવા વિપક્ષ પણ જાગૃત થાય છે તથા જાણીજોઈને કરોડોનું નુકસાન પાલિકાને કરવામાં જવાબદાર તમામ સદસ્યો જે આ બેઠકમાં હાજર હતા અને ઠરાવ મંજૂર કર્યો તેમના પર પણ દંડ ફટકારાઈ તો નવાઈ નહીં, કેમ કે પાલિકા અધિનિયમમાં પાલિકાને આર્થિક નુકસાન થાય તેવું કરવા બદલ જવાબદારને આર્થિક નુકસાન ભરપાઈ કરે તે નિયમ છે, તો ખંભાળીયામાં પણ આ નિયમ લાગશે ને...??

આ ઠરાવની મંજૂરીમાં પણ લાંબો સમય થઈ ગયેલો

જુલાઈની સામાન્ય સભામાં પાંચ રૂપિયાના બદલે ફરી યથાવત રાખવા તે ઠરાવ લઈ લીધો પછી પણ લાંબા સમય સુધી ઠરાવે કમિશ્નર કચેરીમાં મોકલાયો ન હતો, કેમ કે આ ઠરાવમાં શું કરવું તેવો મુદ્દો હતો...!!

શંકાના ઘેરાવામાં કોણ...?

પાલિકાને આવું ગંભીર આર્થિક નુકસાન થાય તવો ઠરાવ કરવામાં શંકામાં ઘણા આવે છે, કેમ કે, આ ઠરાવ પુનઃ વિચારણમાં લેવાયેલો તે પહેલા જ ખંભાળીયાના ધારાસભય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળેલ જેમાં કરવેરામાં થોડો વધારો જરૂરી હોય તેવું સર્વાનુમતે નક્કી થયું હતું તથા તે પછી ફૂટે પાંચ રૂપિયાનો ઠરાવ થયો તો પછી પાંચ રૂપીયા બીજી સામાન્યસભામાં કાઢી નખાયા, તો પાલિકાના હોદ્દેદારો તો ઠીક, પણ ખંભાળીયા પ્રભારી, શહેર ભાજપ પ્રમુખ તથા મહામંત્રીઓ પણ આ વાત જાણતા જ હોય તેમની રજા વગર તો ઠરાવ થાય જ નહીં, તો આટલી ગંભીર નુકસાનીનો ઠરાવ કોના ફાયદામાં થયો...? તે પણ મોટો પ્રશ્ન ચર્ચામાં છે. ખંભાળીયા નગરપાલિકાનું ભાડાપટ્ટા પ્રકરણ ચાલે છે તેવું રાજયમાં કોઈ નગરપાલિકામાં નથી...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh