Advertisement
Author: નોબત સમાચાર

અંતે ટ્રમ્પે ટેરિફનો દંડો માર્યો, મોદી સરકાર પર વિપક્ષોની તડાપીટ, એક જ સવાલ....હવે શું ? જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડી જ દીધો અને ૨૫% ટેરિફની જાહેરાત કરી દીધી. આ જાહેરાતથી માત્ર રાજકીય જ નહીં, ઔદ્યોગિક, વ્યાપારિક, ટેકનોલોજી, આઈ.ટી. અને વિકાસ તથા આર્થિક ક્ષેત્રો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ જાહેરાત કરીને જો ટ્રમ્પ ફરી ન જાય અને હજુ પણ ટેરિફ વધારે, ભારે પેનલ્ટી લગાવે, નવા પ્રતિબંધો કરે કે પછી યૂ-ટર્ન લઈ લે, તે પણ જોવું પડશે, કારણ કે નિર્ણયો જાહેર કરીને ફરી જવાની તેઓની આદત જગજાહેર છે. બીજી તરફ આ જાહેરાત પછી વિપક્ષો ગઈકાલે સાંજથી જ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, એટલું જ નહીં, ભાજપ અને તેના સાથીદાર પક્ષોના નેતાઓ પણ ગઈકાલે સ્તબ્ધ જણાયા હતા.

વિપક્ષના નેતાઓ મોદી સરકારને ઘેરી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રમ્પની મિત્રતા પર વ્યંગ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા મીડિયાના માધ્યમથી એવી આવી હતી કે ભારત સરકાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સુક્ષ્મ, માધ્યમ, લઘુ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.) ના સંવર્ધન અને કલ્યાણની સુરક્ષાને પ્રાયોરિટી આપવાની મક્કમ નીતિ અપનાવી છે, અને રાષ્ટ્રીય હિતો માટે સરકાર તમામ કદમ ઉઠાવશે. સરકારે પોતાના આ અભિગમ અંગે બ્રિટન સાથે તાજેતરમાં જ કરેલા વ્યાપાર, અને આર્થિક સહિતના કરારોનું દૃષ્ટાંત આપતા દાવો કર્યો હતો કે આ માટે ભારત સરકાર આકરા કદમ ઉઠાવશે અને જરૂર પડ્યે વાટાઘાટો કરશે. વિગેરે...

ભારત પર ટેરિફ લગાવ્યા પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરીને ત્યાં તેલભંડારો વિકસાવવાની જાહેરાત કરી, તે પણ ભારત માટે ઝટકો છે. જો કે, ગઈકાલે સરકાર તરફથી વહેતા કરાયેલા અહેવાલો મુજબનો આ દાવો વિરોધપક્ષોને ગળે ઉતર્યો નહીં. આવતીકાલથી જ આ ટેરિફ લાગુ થઈ જવાની જાહેરાત થયા પછી ગઈકાલથી જ આકરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગી નેતા જયરામ રમેશે કહ્યું કે ટ્રમ્પ અને "હાઉડી મોદી" વચ્ચે આ પહેલા થયેલી પ્રશંસાઓનો કોઈ જ અર્થ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનું પરોક્ષ અપમાન અને પાકિસ્તાનની તરફેણ કરી હોવા છતાં મોદી એટલા માટે ટ્રમ્પના મધ્યસ્થીના દાવાઓ અંગે ચૂપ રહ્યા હશે કે ટ્રમ્પ ભારતને વિશેષ દરજ્જો આપીને ટેરિફ નહીં લગાવે, પરંતુ તેવું નથી થયું. મોદીએ ઈન્દિરા ગાંધીની પ્રેરણા લઈને રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) ની સામે થવું જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ભાજપ સરકાર અને વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતિ કરી છે, સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ અમેરિકાની નિંદા કરી અને પી.એમ.મોદીના ગઈકાલના ભાષણને પણ નિરાશાજનક ગણાવી દીધું, તો ઉદ્ધવ જૂથના સાંસદ (શિવસેના) એ વ્યંગ કર્યો કે અમેરિકા માટે અમેરિકા ફર્સ્ટ છે, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ લાદે છે, છતાં "દોસ્ત" ફર્સ્ટ છે !

આજે સંસદમાં પણ ભારત પર ટેરિફ અને પાક. સાથે ટ્રેડ ડીલના ઘેરા પડઘા પડ્યા છે. અને આને મોદી સરકારની વિદેશનીતિની બદહાલી ગણાવાઈ રહી છે. બીજી તરફ ઉદ્યોગ વ્યાપારક્ષેત્ર તથા અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પ ટેરિફના કારણે ભારતને કેટલી વિપરીત અસરો થશે, તેના તારણો કાઢી રહ્યા છે. તટસ્થ તજજ્ઞો અમેરિકાની દગાબાજી અને ટ્રમ્પે દુનિયાના ઘણાં દેશો પર લાદેલા ટેરિફની સરખામણી કરવાની સાથે સાથે ભારતના અર્થતંત્ર પર થનારી માઠી અસરો અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે, અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર તથા આયાત-નિકાસના આંકડાઓ ટાંકીને જી.ડી.પી. ને કેટલી અસર થશે તેના અનુમાનો પણ લગાવાઈ રહ્યા છે અને વારંવાર બોલીને વારંવાર ફરી જતા ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ કરાવવામાં પોતાને મળેલી નિષ્ફળતાને સાંકળીને પેનલ્ટીની વાતો કરી રહ્યા હોવાથી તેને હવે "મિત્ર" કે "મિત્રદેશ" ગણવામાં શાણપણ નથી, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે. ભારત "બ્રિકસ"નું સભ્ય હોવાનું કારણ પણ બતાવાઈ રહ્યું છે.

ઘણાં લોકો એવું માની રહ્યા છે કે નોબેલ પારિતોષિકના ભૂખ્યા ટ્રમ્પને વૈશ્વિક શાંતિદૂત થવાના અભરખા જાગ્યા હોવાથી કોઈપણ બે દેશ વચ્ચેનું યુદ્ધ કોઈપણ કારણે અટકી જાય તો, પણ તેનો યશ ધરાર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ ટ્રેડની ધમકી આપીને પોતે કરાવ્યું હોવાનો વારંવાર દાવો કરી રહ્યા ેછે, પરંતુ વડાપ્રધાન મોદીએ ક્યારેય તેને પોતે રદીયો આપ્યો નહોતો, તેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધપક્ષના નેતાઓ મોદીના મુખેથી આ સ્પષ્ટતા થાય, તેવું ઈચ્છતા હતા, પરંતુ મોદી મગનું નામ મરી પાડતા નહોતા. અંતે ઓપરેશન સિંદૂરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને મંગળવારે લોકસભામાં ટ્રમ્પનું નામ લીધા વગર જ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યું હોવાના દાવાને નકારતા કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશ કે નેતાના કહેવાથી યુદ્ધવિરામ થયું નથી, અને ટ્રમ્પે બીજા જ દિવસે ૨૫% ટેરિફની ઘોષણા કરી દીધી હતી. જો કે, ગઈકાલે સાંજ સુધી બે માંથી કોઈપણ દેશે આ અંગે સત્તાવાર રીતે કોઈ લેખિત નિવેદન તો આપ્યું નહોતું પરંતુ ટ્રમ્પે પત્રકારો સમક્ષ અને ભારતે મીડિયાના માધ્યમથી જે કાંઈ કહ્યું, તે ગઈકાલે ગ્લોબલ ટોક નો વિષય બન્યો હતો.

એ પછી સરકારે જાહેર કર્યું કે આ મુદ્દે ભારતના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપતા એમ.એસ.એમ.ઈ., ખેડૂતો, દેશહિતની પ્રાયોરિટી જાળવીને જ ભારત અમેરિકા સાથે દ્વિપક્ષિય કરાર કરશે. સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની નોંધ લીધી છે અને તેના સંભવિત પરિણામોનો અભ્યાસ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છે અને એક વાજબી, સંતુલિત અને પરસ્પર લાભદાયી દ્વિપક્ષિય વેપાર કરાર સુધી પહોંચી શકાય વગેરે...વગેરે...

અમેરિકાએ ભારત પર ૨૫% ટેરિફ લગાવ્યો અને રશિયા સાથે સંબંધો રાખીને તેની સાથે વ્યાપાર ચાલુ રાખવા બદલ એક ટકો પેનલ્ટી પણ લગાવાઈ છે, અને તેમાં વળી ટ્રમ્પ ભારતને દોસ્ત ગણાવે છે અને "આઈ લવ પાકિસ્તાન" પણ કહે છે, અને તે જ કારણે ઘણાં લોકોને ટ્રમ્પ કુણા પડશે, તેવો આશાવાદ છે., બીજી તરફ ટ્રમ્પના  પરિવાર દ્વારા ક્રિપ્ટો કરન્સીનું ગ્લોબલ સેન્ટર પાકિસ્તાનમાં ઊભું કરીને તેમાં મુનિર સહિતના પાકિસ્તાનીઓની ભાગીદારીની સાથે પણ ઘણાં વિશ્લેષકો ટ્રમ્પના ભારત પ્રત્યે બદલાયેલા વલણનું કારણ માની રહ્યા છે, તો ઘણાં લોકો ટ્રમ્પના આ વલણને વર્તમાન સરકરની વિદેશનીતિ તથા કૂટનૈતિક નિષ્ફળતા ગણાવી રહ્યા છે., જેની વૈશ્વિક મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

તે પછી ટ્રમ્પના સોશ્યલ મીડિયાના ટ્વિટ પરથી એવું લાગી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી યુદ્ધ સામગ્રી, ઉર્જા અને ક્રુડ મોટા પાયે ખરીદે છે, તે ટ્રમ્પને ખટકે છે. એક અભિપ્રાય એવો પણ છે કે મોદીએ અંતે સીઝફાયરમાં દુનિયાના કોઈપણ નેતાની મધ્યસ્થી નહીં હોવાનું જાહેર કર્યું તેનું આ પરિણામ છે. જો કે, ભારત આઝાદ થયું ત્યારથી સોવિયેટ યુનિયન અને રશિયાનું દોસ્ત રહ્યું છે, જ્યારે અમેરિકાને આ મિત્રતા ખટકતી જ રહી છે. એટલું જરૂર કહી શકાય કે આ કદાચ ઉભય "વિશ્વનેતા" બનવાના અભરખાઓનું પણ પરિણામ હોઈ શકે છે, જે હોવું જોઈતું નહોતું...અને તેનું જવાબદાર કોણ ? એ ઓપન સિક્રેટ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh